પાનખર પહેલાં વૃક્ષનાં બધાં જ પાંદડાઓ એકબીજાને ગળે મળીને ‘મને માફ કરજો’ કહેતાં હોવાં જોઈએ. ખરી પડવાની ઋતુમાં પવનની એક થપાટ સાથે ડાળીએથી અળગા થઈ જતા પહેલા, એકબીજાને મન ભરીને પ્રેમ કરી લેવાનું નામ એટલે જિંદગી.
મૃત્યુની મોસમ પૂરબહારમાં ખીલી છે અને જે રીતે પરિચિતોના અણધાર્યા અને અચાનક દેહાંતના સમાચાર મળી રહ્યા છે, એ જોતા એક વાત તો નક્કી છે કે અફસોસ હાથવગો રાખવો. પણ એક વાત યાદ રાખવા જેવી એ છે કે ફક્ત પ્રિયજનોના જ મૃત્યુ થાય એવું જરૂરી નથી. અપ્રિય લોકોના અવસાન પણ થઈ શકે છે.
કેવું લાગશે જો અચાનક કોઈ સવારે આપણને જાણ થાય કે ગઈકાલ રાત સુધી જેને નફરત કરેલી, એ વ્યક્તિ આજે ઓચિંતી આ પૃથ્વી પરથી ગાયબ થઈ ગઈ. એના મૃત્યુના સમાચાર સાંભળીને આનંદ થશે કે અફસોસ? જેની ભરપેટ ટીકા કરીને આપણે ગઈકાલે ઊંઘી ગયેલા, બીજે દિવસે એ જ વ્યક્તિ માટે આરઆઈપી લખવામાં કેટલો ખચકાટ થશે આપણને?
આંખો બંધ કરો અને એક એવી વ્યક્તિનો ચહેરો ઈમેજીન કરો, જેની સાથે તમારે અબોલા છે. એવી કોઈ વ્યક્તિ જેને તમે નફરત કરો છો અથવા જેનો ચહેરો પણ તમે જોવા નથી માંગતા. ધારો કે એ વ્યક્તિ આવતી કાલ સવારે મૃત્યુ પામે, તો તમને એની સાથે અબોલા રાખવાનો કે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે? જો એનો જવાબ હા હોય, તો તમારો ફોન ઉપાડીને એનો નંબર ડાયલ કરો. એની સાથે વાત કરો. ફોન પર ફરિયાદ કરો, ઝગડો કરો, સોરી કહી દો. કાં તો એની માફી માંગી લો અથવા એને માફ કરી દો.
અને જો ઉપરના પ્રશ્ર્નનો જવાબ ના હોય, તો હવે આંખો બંધ કરીને તમારા મૃત્યુની કલ્પના કરો. તમે જિંદગીના છેલ્લા શ્ર્વાસ લેતા હોવ અને ત્યારે એ વ્યક્તિ તમારી સામે આવે, તો તમને એની સાથે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે? જો જવાબ હા હોય, તો પ્લીઝ ફોન ઉપાડીને એની સાથે વાત કરો. જો જવાબ ના હોય, તો તમે શાંતિથી મૃત્યુ પામી શકશો.
એકાઉન્ટસ સેટલ કર્યા વગર મૃત્યુ પામવું, એ જીવનનો અંત લાવવાની સૌથી ભયાનક રીત છે. આજે સોરી નહીં કહીએ, તો ફક્ત એને સોરી કહેવા માટે આ પૃથ્વી પર બીજો ધક્કો ખાવો પડશે. આપણે ખરી પડીએ, એ પહેલાં આપણી અંદર રહેલા અફસોસ, અણગમા કે ધૃણાનું ખરી પડવું અનિવાર્ય છે.
મરતી વખતે ગંગાજળનો સ્વાદ કડવો ન લાગવો જોઈએ. અને એ તો જ થશે જો શ્ર્વાસ છૂટ્યા પહેલાં કડવાશ છૂટી જશે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025