ઉમરગામના દવિએર ગામ મુકામે બાઈ નવાજબાઈ ગોઈપોરીયા અગિયારીની 168માં વરસની સાલગ્રહેની દબદબાભરી ઉજવણીમાં 500 જેટલા પારસી/ઈરાની બશ્તે કુશ્તીયાનો એ હાજરી આપી હતી અને મુરાદ હાંસલ આતશ પાદશાહની બંદગી કરી હતી. મુંબઈ, સુરત, દહાણુ, ઘોલવડ, નારગોળ, નવસારી, સરોંડા, ઉંમરગામ, સંજાણથી ધર્મપ્રિય – હમદિનો હાજર રહ્યા હતા.
આદર મહીનો અરદીબહેસ્ત રોજ તા. 15 એપ્રિલ, 2023ના રોજ સવારે આખી અગીયારીની સફાઈ કરી હાર-તોરા, ચોક-ચાંદન કર્યા પછી સવારે 06:40 કલાકે (બહેદિન પાસબાન) પ્રેસીડન્ટ મર્ઝબાન એરચશા વાડીયાએ ફરજ્યાત ભણી પાદશાહ સાહેબને આતશ નીઆએશ ભણતા માચી અર્પણ કરી કોમ-ઘેર-ગામ-દેશ-દુનીયાને માટે દુવા પ્રાર્થના કરી તંદરોસ્તી શાંતિ ચાહી હતી.
માનવંતા મરહુમ પંથકી સાહેબ એ. અસ્પંદિયારજી દાદાચાનજીની ગેરહાજરીમાં એમના સુપુત્ર પંથકી સાહેબ એ. હોરમજદ દાદાચાનજીએ જશનની ક્રિયા 09:30 કલાકે બીજા એરવદ સાહેબો સાથે ઘણાજ બુલંદ અવાજે કરી દુવા ચાહી હતી.
ત્યારબાદ સર્વે આવેલા ધર્મપ્રિય પારસી/ઈરાની- બશ્તેકુશ્તીયાનો પાછળના કમ્પાઉન્ડમાં ચાસની, નાસ્તા, જમણ માટે એકઠા થયા હતા.
સ્ટેજ પરથી પ્રેસીડન્ટ મર્ઝબાન એ. વાડીયાએ સર્વેનું ભાવભર્યું સવાગત પ્રવચન કરતાં-મુખ્ય અતિથી પદ્મભૂષણ શ્રી. યઝદી કરંજીયાનું સ્વાગત કરતાં એમના જીવનની કારકીર્દીની વિગતો જણાવી શાલથી સ્વાગત કર્યું હતું.
દર વખતે દિલોજાનથી પધારતા દવિએર અગિયારીના ચાહક અને પ્રખર પારસી, કોમોડોર અસ્પી મારકરે પોતાની છટાદાર ભાષણશૈલીમાં પ્રેસીડન્ટ – ટ્રસ્ટીઝ – કમીટી મેમ્બરોના વખાણ કરી ધન્યવાદ આપ્યા હતા. ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બંધ પડેલી અગીયારીઓની બીયાબાન હાલત માટે ચીંતા વ્યક્ત કરી હતી. એમને પણ શાલ થી નવાજવામાં આવ્યા હતા.
ટ્રસ્ટી પરીચહેર વાડીયા (દવીએરવાલા) એ માબેદ માટે જણાવ્યું હતું પરંતુ ટ્રસ્ટની તાકાત 50 હજાર પગાર આપી શકવાની નથી તો તુરતજ વાપીઝ ટ્રસ્ટી મહેર પંથકીએ પોતાની તરફથી રૂા.1,00,000/- લાખ મોબેદ ફંડ શરૂ કરી બંદોબસ્ત કરવા ઉત્સાહીત કીધા હતા. એમને પણ શાલ પહેરાવી માન આપવામાં આવ્યું હતું.
કમીટી મેમ્બર અને ડોનેશન કલેક્ટર રીસપેક્ટેડ પરવેઝ મીસ્ત્રીનો પણ આભાર માનવામાં આવ્યો હતો એમને પણ શાલ પહેરાવી નવાજવામાં આવ્યા હતા. મરહુમ પર્સી દવિએરવાલા અને ફેમીલીનો પણ ઉપકાર માનવામાં આવ્યો હતો. ટ્રસ્ટી પરવેજ વાડીયાએ પોતાની નાદુરસ્ત તબીયતને કારણે ઉપકાર માની આભાર માન્યો હતો. મુંબઈની ફસલી આતશ કદેહ ચર્ચગેટ ના પ્રેસીડન્ટ સાહેબ દારાયશ ઝૈનાબાદી ઈરાની અને બીજા ઈરાની ટ્રસ્ટી સાહેબ ખાસ મુરાદ હાસલ આતશપાદશાહ સાહેબના આશિષો લેવા પધાર્યા હતા. જેઓને પણ દવિએર અંજુમને શાલ પહેરાવી સ્વાગત કર્યું હતુ. ઝાંઈ બોરડી અંજુમનના એક્સ પ્રેસીડન્ટ શ્રી રોહીન્ટન બાટલીવાલા જેઓ આતશાપાદશાહ સાહેબના આશીર્વાદ લેવા આવ્યા હતા, તેમને પણ શાલ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવંતા ફીરોઝ શેઠના ફુડસ એન્ડ ફ્લેવર્સ તરફથી ધર્મપ્રિય પારસી ઈરાનીઓ માટે 1000 બોટલડ્રીંક્સ મોકલ્યું હતું અને પારસી તારું બીજું નામ ચેરીટીઝ નું સુંદર બીરૂદ સાર્થક કીધું હતું.
અંતમાં છૈયે અમે જરથોસ્તી અને જન-ગન-મન એન્થમને સર્વેએ ઉભા થઈ માન આપ્યું હતું.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025