કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારૂં મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબુત બનાવે છે!
જીવંત રહેવા માટે જીવવું જરૂરી છે ઉમંગ સાથે, ઉત્સાહ સાથે, સ્વિકાર સાથે, અને ગમતીલી પ્રવૃતિઓ સાથે તથા ગમતીલા વ્યક્તિ સાથે. આ જ મંગળ જીવન!
ઉંમર અને શોખને કે ઉંમર અને ગમતી પ્રવૃતિને કોઇ બંધન હોતુ નથી. તમારુ જીવન; તમારા શોખ! આપણા દેશમાં, સમાજમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે. આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?
એવું લોકો પૂછ-પૂછ કરે પણ આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો છો. શોખને ઉંમરનુ કોઇ બંધન નહિ હોવું જોઈએ. ઉલ્ટુ ઉંમર થાય, તેમ શોખનું મહત્વ વધવુ જોઇએ. શોખ ખર્ચાળ હોય, તેવુ પણ જરૂરી નથી. શોખ હોવો જરૂરી છે. એક ધ્યેય, મક્સદ, પાગલપન જરૂરી છે.
મોટી ઉંમરે કેવી રીતે જીવાય!? તે વહીદા રહેમાન પાસે શીખવા જેવું છે. પ્યાસા, કાગજ કે ફૂલ, સાહેબ બીબી ઔર ગુલામ, ગાઈડ અને નીલ કમલ જેવી યાદગાર ફિલ્મોની સ્ટારને તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે ખાસ બહેનપણાં છે. ત્રણે અવારનવાર રખડવા ઉપડી જાય. સિનેમા જોવા જાય. ખાવા-પીવા માટે ભેગાં થાય. એકલા હશો તો તુટી જશો. પેલી લાકડાની ભારી જેવુ. સંયુક્ત હશો તો જલદી નહિ તુટો!
આ મસ્ત જીવન માટે શારીરિક અને આર્થિક તંદુરસ્તી એ પાયાની શર્ત છે. બાકી ઘડપણ એ દયા નથી, વૈભવ છે! ઇશ્વરે આપેલી ઉમદા તક છે. જે તમે તમારા વ્યસ્ત જીવનમા નહિ કરી શક્યા, ન પામી શક્યા તે બધુ જ ઘડપણમાં મેળવવાની સુવર્ણ તક છે! ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે. તમે જ તમારા ગુરૂ તમારૂ જીવન જ તમારૂ ગુરૂર!
છેલ્લે મારુ જીવન, મારી ઇચ્છાપુર્તિ સાથે મસ્ત જાય અને અસ્ત થાય. બસ એજ પ્રાર્થના, આ જ મારો મોક્ષ!!!
આજ ફિર જીનેકી તમન્ના હૈ!
Latest posts by PT Reporter (see all)