સવાર થતાંજ નાના નાના બાળકો એક હાથમાં ઘરની બનાવેલ મીઠાઈનો ટુકડો અને બીજા હાથમાં ફટાકડા લઈને ભેગા થઇ જાય. એ ફટાકડા માત્ર હાથમાં જ રહેતા, એકબીજા બાળકોને બતાવતા, પરંતુ તેનો ઉપયોગ તેઓ ના કરતા. અવનવા ફટાકડાની હારમાળા લઈને સૌ મજા કરતા સાથે મીઠાઈનો ટુકડો મોમાં મૂકી કાલી ઘેલી ભાષામાં ગપ્પા પણ મારતા. એક વર્ષ જુના કપડાં પણ નવા લાગતા. તે પહેરીને સૌની વચ્ચે આવી જતા.
ઘરે સૂરજ ઢળતા બા અવનવી મીઠાઈ બનાવાતી હોય, ફરસાણ બનાવતી હોય તો તેની સુગંધ ફળિયાની બહાર આવતી. ઘરના બધાજ લોકો ભેગા મળી અવનવું જમવાનું બનાવતા. સાંજ થતા પાડોશીના ઘરે પોતાની બનાવેલ વસ્તુને આપવા જતા. એકબીજા સાથે મીઠાઈઓ વહેંચીને ખાતા.
દિવાળીના પાંચ દિવસ દરેક ઘર, મહોલ્લો અને ફળિયું હર્યુંભર્યું લાગતો. બાળકોના અવાજથી સાંજ ગુંજી ઉઠતી. લાગે કે જાણે આજે સ્વર્ગ ઉતર્યું છે મારા ફળિયામાં. ઘરના ઉંબરે ઉભા રહીને જોયેલી દિવાળી.
દિવાળી નો એ દિવસ હતો. સાંજ થતા થોડી ક ઠંડી અનુભવાતી. સાંજ થતાંજ માં, બહેન અને દાદી સૌ જમવાનું બનાવવા મારા એ નાના ઘરમાં ગોઠવાઈ ગયા. માં બહેન પાસે બધી વસ્તુઓ મંગાવે છે. માં અવનવી મીઠાઈ બનાવે છે અને બાજુમાં બેઠેલા દાદી ને પ્રેમ થી કહે છે. તમે ચાખી જુવોને !!
ત્યારે દાદીમા એ વસ્તુ કે ફરસાણ નો ટુકડો લઈને ચૂલામાં નાખે છે અને પછી ચાખે છે. દાદી બોલી -અરે વાહ, તે તો સરસ મીઠાઈ બનાવી છે. માં ચૂલામાં બળતા એ લાકડાના ધુમાડાથી પરેશાન છે, પણ ચહેરા પર તો માત્ર ખૂશીજ છલકાય છે.
મોટી બહેન ફરસાણનો એક ટુકડો મારા હાથમાં પકડાવે છે. એ ગરમ હોવાથી મારા હાથમાંથી છૂટી જાય છે. દાદી મોટી બહેનને ખીજાય છે. આ સમયેજ ફળિયામાં નાનો ભાઈ ફટાકડા ફોડતા દાઝે છે. નાના બાળકો તેને લઈને ઘરે આવે છે. હાથ દાઝેલો જોઈમાં બહુ દુ:ખી થાય છે, પરંતુ દાદીમા જુના માટીના બનાવેલા હાટડામાં પડેલ દૂધ નો લોટો લઈને આવે છે અને એ દૂધ ઉપરથી મલાઈ લઈને દાઝેલા ઘા પર લગાવે છે. અને ભાઈ રડવાનું બંધ કરે છે.
આમ અંધારૂ થઇ જાય છે. મોટી બહેન માટીના દેશી કુડા માં તેલ પુરી દિપક કરે છે. ફળિયાના બધાજ ઘરે દિપક થવાથી અંધારૂ દૂર થઇ અજવાળાનો પ્રકાશ ફેલાય છે.
આજુબાજુ માંથી ફટાકડાનો અવાજ સંભળાય છે. નાનો ભાઈ તારામંડળ લઈને ઘરની બહાર નીકળે છે. નાની બહેન ફટાકડાની થેલી લઈને ફર્યા કરે છે. પણ દાઝવાના ડરથી ફટાકડા ફોડતી નથી. દાદીમાં એક ડીશમાં ઘરે બનાવેલી દરેક વસ્તુ લઈને નાના બાળકોને આપે છે. માં પણ દરેક વસ્તુ લઈને પાડોશીના ઘરે વહેંચે છે.
ચારે બાજુ ખુશીનો માહોલ છે. મીઠાઈ વહેંચાઈ રહી છે. આજુબાજુમાં ઘરમાં બનાવતી અવનવી વાનગીઓની સુગંધ આખા ફળિયામાં પ્રસરી છે. સાથે સાથે ફટાકડા નો ધુમાડો પણ. માટી અને છાણથી લીંપણ કરેલ એ ફળીયામાં બાળકો કાળા કલરના સાપોળીયા સળગાવી હાથ કાળા કરે છે અને ધોવે છે.
પિતાજી લાકડાના ખાટલા પર બેઠા બેઠા સૌ બાળકોને જોઈ રહ્યા છે, અને મસ્તી ના કરવાનું કહે છે. પિતાજી એ મને બૂમ મારીને કહ્યું, એ વિજુ અલ્યા તુ તો ફટાકડા ફોડ!! પણ મનેતો બહુ બીક લાગે !!! એટલે દૂર ઉભા રહી મજા લેતો રહ્યો.
દાદા બાળકોને ફટાકડાથી બળે નહીં તે માટે તકેદારી રાખવાનું કહે છે. મોટી રોકેટથી ડરતા બાળકો દૂર રહી આકાશમાં સળગતી રોકેટ જોઈ રાજી થાય છે અને બુમાબુમ કરે છે. આમ, સમગ્ર વાતાવરણમાં મીઠાઈની ખુશ્બુ, ફટાકડાનો ધુમાડો અને બાળકોની બુમાબુમ ગુંજી ઉઠે છે. દરેક ના ચહેરા પર રહેલી ખુશીનો કોઈ પાર જ નથી.
દિવાળીની સૌને શુભકામના.
આજના આ આધુનિક યુગમાં અને સ્માર્ટ ફોનના દિવસોમાં એ દિવાળી ક્યા ગઈ કોને ખબર ???
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024