આપણા દેશની શાન આપણો રાષ્ટ્રિય ધ્વજ

સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી આપણા રાષ્ટ્રિય ધ્વજની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે.

ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અહીં તમારી સામે થોડીક માહિતીઓ સ્વતંત્રતા દિવસના નિમિત્તે રજૂ કરી રહ્યા છે.

20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. 1904માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો હતો  જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતર લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ, પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતાનાં પ્રતિક હતા.

પ્રથમ ત્રિરંગો ધ્વજ 7 ઓગસ્ટ,1906 નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા ‘પારસી બાગાન ચોક’ કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા, ઉપર નારંગી, વચ્ચે પીળા અને નીચે લીલા હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ દેવનાગરી ભાષામાં લખેલ હતું.

22 ઓગસ્ટ,1907 ના રોજ આપણા પારસી ભિખાયજી કામા સ્ટુટગાર્ટ, જર્મનીમાં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો, વચ્ચે કેશરી અને નીચે લાલ રંગના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ, કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં ‘વંદેમાતરમ’ લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ હતો.

બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા 1917માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતુર્થ ભાગમાં ‘યુનિયન જેક’(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.

1916ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં ‘પિંગાલી વૈંકય્યા’ એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ ‘ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન’ ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું હતું જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું. ચરખો ત્યારે ભારતની આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. ‘પિંગાલી વૈંકય્યા’ લાલ-લીલી પાશ્ર્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.

મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો, જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા ‘આયરલેન્ડ’નાં ધ્વજનાં આધારે બનાવાયેલ હતી કારણકે ‘આયરલેન્ડ’ પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં હતો.

ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. 1924માં કોલકાતામાં મળેલ ‘અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે’ જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં ‘ગેરૂ’ રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકીરનાં પ્રતિકરૂપ ગણાવ્યો હતો. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું હતું. આટલી પ્રગતિ બાદ, 2 એપ્રિલ, 1931નાં રોજ કોંગ્રેસ કાર્યકારી સમિતી દ્વારા સાત સભ્યોનીં ધ્વજ સમિતીનીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.

છેલ્લે, જ્યારે 1931 માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને પિંગાલી વૈંકય્યાનાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેસરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.

આજ સમયે ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા પણ આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે ‘આઝાદ-હીંદ’ લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્રવાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝનાં આઝાદી માટેનાં સશસ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતની ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝનાં હસ્તે મણિપુરમાં ફરકાવાયેલ હતો.

1947માં આવ્યો નવો ત્રિરંગો દેશના આઝાદ થયા બાદ સંવિઘાન સભામાં પંડિત જવાહરલાલ નેહરૂએ 22 જુલાઈ 1947માં વર્તમાન ત્રિરંગા ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો. જેમા ત્રણ રંગ હતા. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગથી બનેલ અશોક ચક્ર જેમા 24 લાઈનો હતી જે ધર્મનુ પ્રતિનિધિત્વ કરતી હતી. રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું આ સ્વરૂપ આજે પણ કાયમ છે.

Leave a Reply

*