આપણું એક દુઆનું ભણતર જે અર્દા ફરોશની આફ્રીનને નામે જાણીતું છે, અને જે મુકતાદનાં તહેવારોમાં સેકડો બલકે હજારો જરથોસ્તી કુટુંબોમાં ભણાય છે. તેના શરૂઆતનાં ભાગમાં અને આપણી બીજી આફ્રીનોમાં, દાદાર અહુરમજદ સાથે, તેની કુદરત સાથે, તેના અમેશાસપંદો સાથે, અશો ફરોહરો સાથે, ઘણાક પૃથ્ક વિચારો સાથે અને વખત અને જગ્યાના ભાગો સાથે મીનોઈ હમાજોર કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો ખુદા સાથે, તેની કુદરત સાથે, તેના ભલા આદમીઓ સાથે હમાજોર કરવામાં આવે છે. એ દેખાડે છે કે જગતમાં અહુરમજદ તેની કુદરત અને આદમજાત, જાણે એકમેક સાથે કામ કરવાને ભેળાઈ ગયેલા છે. એક હાથ ઉપર અહુરમજદ અને બીજા હાથ પર કુદરત અને માણસ, એકમેક માટે કામ કરે છે.ખુદા વગર કુદરત સમજ પડે નહીં અને કુદરત વગર ખુદા સમજ પડે નહીં. શાએર ફીરદોસી કહે છે તેમ, ખુદા અને તેનાં ભેદભરમો આ પણ ખાકી માણસજાતની સંપૂર્ણ સમજની બાહેર છે પણ જેટલોબી તે સાહેબ સમજી શકાય છે તેટલો તેની કુદરતમાં સમજી શકાય છે. ડા. કેઅર્ડ કહે છે તેમ જો એક હાથ પર આ ખરૂં હોય કે ખુદાના વિચાર વગર કુદરત અને માણસ નહી સમજ પડે એવાં થઈ પડે તો એક મતલબે, બીજા હાથ પર આ પણ ખરૂં છે કે કુદરત અને માણસ વગર ખુદા પણ નહીં સમજ પડે એવો થઈ પડે.
ખોરેહ એટલે શું?
અહુરમજદનું ખોરેહ એટલે તેનો પ્રકાશ, તેનું નુર, તેની કીર્તિ. ખોરેહ શારીરિક અથવા નજરે પડતું તેમ આત્મિક અથવા અનદીઠ હોય છે.
શારીરિક ખોરેહ
હવે અહુરમજદનું શારીરિક ખોરેહ તે શું? એક રીતે કહીએ તો અહુરમજદ તો મીનોઆંન મીનો, એટલે અનદીઠ, ફકત મનથી કલ્પી શકાય તેવો જ છે. ત્યારે તેનું શારીરિક નજરે પડતું ખોરેહ કેમ હોય? પણ બીજી રીતે વિચાર કરતા, તેની સુંદર ખોરેહમંદ પેદાયશમાં દાખલા તરીકે તેનાં રયોમંદ ખોરશેદમાં આપણે તેનું ખોરેહ જોઈએ છીએ.
ખરૂં છે કે અહુરમજદ મીનોઆંન મીનો છે, તે ગેબીઓમાં ગેબી છે, પણ તે છતાં આ જગત, જે આપણે જોઈએ છીએ તે અનંતતાનાં સાહેબનું એક હદવાળુ દર્શક યા સુચક ઢબ છે. તેથી તે સાહેબ, જે રયોમંદ અને ખોરેહમંદ છે તેની કુદરતમાં આપણે એનું ખોરેહ જોઈએ છીએ. એક સુંદર વાદળ વિનાની રાત્રે આકાશ પર નજર કરો અને ત્યાં સુંદર ચળકતા હજારો લાખો અને કરોડો સિતારાઓ જુઓ. તેઓનાં ખોરેહ અને નુરનો વિચાર કરો. કરોડો, અબજો અને પરાધો મૈલ દૂર હોવા છતાં તેઓ પ્રકાશે છે અને નુર અને ખોરેહ દેખાડે છે. તેઓ ત્યારે સામટા આપણને ખોદાનાં નહી કલ્પી શકાય એવા ખોરેહનું ભાન આપે છે.
નુર અને ખોરેહ સાથ ખુબસુરતીનો ખ્યાલ જોડાય છે, જે ખુબસુરતી યુનાની ધર્મમાં તેઓનાં ધર્મનું એક સુચક લક્ષણ ગણાતું. એ ખુબસુરતી કુદરતમાં સઘળે વ્યાપી રહી છે. એ કુદરતમાં વ્યાપી રહેલી ખુબસુરતી પણ એક પ્રકારનું અહુરમજદનું નજરે પડતું ખોરેહ ગણાય. તેનું વધુ ઝળકતું ખોરેહ, જે અનદીઠ છે તે તેનાં કામોનું છે. તે તેના જ્ઞાનમાં તેના ડહાપણમાં તેની માયા મોહોબતમાં સમાયેલું છે.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025