ઈ.સ. પૂ. સાતમી સદીમાં પુરાતન પર્સિસના પહાડી પ્રદેશમાં વસતી પારસી નામની પ્રસિધ્ધ પ્રજા પોતાના પાક મજહબ, સચ્ચાઈ અને સાદાઈ, બહાદુરી અને બળ માટે પ્રાચીન તવારિખમાં પંકાઈ ગઈ હતી. એ પ્રજા શઆતમાં જૂદા જૂદા ટોળાઓમાં વહેંચાયેલી હતી. આ ટોળાઓમાંનો પસાર ગેદી નામનો પારસી ટોળો બીજા ટોળાઓ કરતાં શુરવીરપણાં અને શ્યાનપટમાં વધારે ચઢિયાતો હતો. એ ટોળાના હખઈમનીશ નામના પહેલા પારસી પાદશાહે પારસી પાદશાહતનો ઈ.સ. પૂ. ૬૫૮ને એણિયાએ પાયો નાંખ્યો. દિનપર દિન તેની સત્તા વધતી ગઈ અને
પોતાના મરણ આગમ જ તે સબકતો પારસી પાદશાહ સઘળા પારસી ટોળાઓપર સર્વોપરી સત્તા ભોગવવા પામ્યો. તેના બેટા ચિશ્પાઈશે આલમની શાહાનશાહતની પડતીનો લાભ લઈ તેનો અન્જન નામનો એક પ્રાંત ખાલસા કીધો અને એ રીતે પારસીઓએ પર્સિસની સાંકડી હદો કુદાવી પ્રાચીન દુનિયાના પ્રદેશો ફત્તેહ કરવાની શઆત કીધી. પણ તેમને ગમે એટલી બહાદુરી કે શૂરાતન છતાં કોઈ મહાવીરની ગેરહાજરીથી તેઓ વધારે આગળ કદમો લંબાવી શકયા નહિ. તેમની પાદશાહતનો પાયો નંખાયાને એક સદી વહી ગઈ પણ તેમના પાદશાહો આ જેહાનના આગેવાન રાજકર્તાઓ તરીકે ગણાવી શકયા નહિ. પણ આમ લાંબો વખત ચાલ્યુ નહિ. તેમની જોરેમંદીને જશ મળવાનો અને તેમની બહાદુરીના જગપ્રસિધ્ધ ઝાડો પર ફળ આવવાનો વખત નજદીક આવી પૂગ્યો. તેઓ બદીથી દૂર અને કુદરતના કાયદાની કદર બુજનારા હોવાથી તેઓ સચ્ચાઈના સાચા સેવકો અને રાસ્તીના રખેવાળો હોવાથી ખોદાઈ પ્રશંસા તેઓ પર ઉતરી. કુસ (સાઈરસ) નામનો નામીચો નર તેઓની નામ આશ્કરા કરવાને અને દુનિયાના દયાળુ, દાનવ પણ જગપ્રસિધ્ધ, જોરેમદ, જેહાંજોય જોધ્ધાઓ વચ્ચે તેમને બીરાજવાને અને પૂરાતન પારસીઓને ફકત પર્સિસનાજ નહિ, ફકત ઈરાનનાજ નહિ, ફકત એણિયાના જ નહિ, પણ સારી જેહાનનના ઈન્સાફી, દયાળુ, લોકરક્ષી રાજકર્તાઓ તરીકે ગણાવવાને તેઓ વચ્ચે જાહેર થયો. હવે પૂરાતન પારસીઓનો ઝળકતો સિતારો પોતાનો તેજસ્વી ઝલેહમંદ ઝળકાટ ફેલાવી રહ્યો હવે પારસી સમશેરનો ધાક ધરતી ધ્રુજાવી રહ્યો; હવે પારસી ભાલાનું નામ સમજી પૂરાતન પ્રજાના જીગરો ચાક થવા માંડયા અને હવે જ એક વખતની બહાદુર પણ મંદ પારસી પ્રજાએ પોતાની મંદી ત્યજી દઈ, દુનિયાની ચોબાજુ પોતાના કદમો લંબાવવા માંડયા. પેલો નામીચો કુસ કે જે મહાત્માનું નામ દેતાં આપણું જીગર ઉછાળા મારે છે, પેલો નામાંકિત નર, તે યાદગાર યોધ્ધો તે શ્યાનો શૂરવીર શાહાનશાહ અને તેજ પારસીઓનો પ્યારો, પણોતો, પ્રસિધ્ધ પાદશાહ, હવે ધરતી ધ્રુજાવી રહ્યો. પારસી પ્રજાના મંદ રોહને હવે તેણે એક અજીત અચુક રોહમાં ફેરવી નાખ્યો. હવે એ રોહમાં એક પછી એક સઘળી પ્રજાઓ તણાઈ જવા લાગી, જબરદસ્ત કિલ્લાઓ અને અજીત શહેરો હવે જમીનદોસ્ત થવા લાગ્યા અને આ જેહાનની એક પણ પ્રજા એ રોહને અટકાવી શકી નહી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024