બંદગી દરમ્યાન ગફલતથી કોઈ પદ ચુકી ન જવાય યા એકને બદલે બીજું ભલતું નહીં ભણાય તેની ખૂબ કાળજી રાખવી. ભણતી વખતે ઉત્તર દિશાએ આપણું મોઢું આવે નહીં તેની ખૂબ સંભાળ રાખવી. બંદગી માટે બડી બામદાદનો વખત મુંબઈ ટાઈમ 3 વાગ્યાથી તે સુરજ ઉગ્યા પછી એક કલાક સુધીનો સૌથી મુબારક છે કારણ કે એ વખતે હવા આખા દીવસની લોકોની ધમચમ કરી પછી ઘણીજ શાંત ધ્વનીવાલી અને સરોશના નીચે ઉતરતા પહેલા પ્રવાહથી ઉત્તમ બનેલી હોય છે, તેથી અવસ્તા બંદગીની શાંત ધ્વનીઓની ઉત્તમ અસરો ઉભી થાય છે. બનતાં સુધી ઉભા રહીને ભણવું. જો બેસીને ભણવું પડે તો મરદે પોતાના બે પગો ગુંઠણમાંથી જમણી તરફ વાળીને તેમજ ઓરતોએ ડાબી બાજુ તરફ વાળીને બેસવું એ અસલ બેસીને ભણવાની ઈરાની ઢબ છે, જેને દો-ઝાનુ બેસવું યાને બેઉ ગુંઠણ સાથે કરીને બેસવું એમ કહે છે. પલાંઠી વાળીને બેસવાના કરતા આ રીત વધુ સારી ને અસલ છે. જો ઉભા રહીને નમન કરવું હોય તો જમણો હાથ લંબાવીને સલામની માફક હાથ માથા આગળ લઈ જવો, યા જમણો હાથ લંબાવીને સલામની માફક હાથ માથા આગળ લઈ જવો યા જમણો હાથ દીલ યાને અંત:કરણ ઉપર મુકી માથું ઝુકાવવું. ભણતી વખતે કોઈબી રીતે આગળ પાછળ હલવું નહીં. શરીરમાંથી લોહી, રસી, પરૂ વગેરે કાંઈ જખમમાંથી નીકળતું હોય તો તેને બરાબર સાફ કરી મલમપટો બાંધીને કરીને પછી ભણવું. ભણતી વખતે તપકીર સુંઘવી નહીં. હાથ પગ, નખ, આંટણ, ચામડા તોડવા કે સાફ નહીં કરવા. બધા બોલેબોલ આખા અને ખુલ્લા બોલાય તેમ શુધ્ધ ઉચ્ચારે આસ્તેથી શાંતિથી અવસ્તા ભણવા. કેટલાકો ભણવાનું જલદી પુરૂં કરવા ઉતાવળથી ભણે છે કે અરધા અરધ શબ્દોનો ઉચ્ચાર ખુલ્લો બરાબર થતો નથી અને આ રીતે બંદગીનો ફાયદો જેવો જોઈએ તેવો મળતો નથી. દૂર બેઠેલી ઓરતે એક શબ્દ પણ બંદગીનો તેવી દૂર બેઠેલી હાલતમાં ભણવો નહીં યા કુસ્તીબી કદી કરવી નહીં. તદ્દન શુધ્ધ લખાણની અવસ્તાની ભણવાની ચોપડીનોજ પહેલેથી ઉપયોગ કરી શુધ્ધ ભણવાની ટેવ પાડવી. ફેન્સી ચામડાના કવરવાલી ભણવાની ચોપડી બીલકુલ વાપરવી નહીં. કારણ કે ચામડું અપવિત્ર ચીજ છે. રાતે ભણતી વખતે કોપરેલ, દીવેલના યા ચરબી વગરના સોજા ઘીના દીવા સામે ભણવું. હાલમાં વીજળીની આંખના પલકારામાં જાહેર થતી અને બંધ થતી બનાવટી બત્તી ઘણા ઘરોમાં સળગાવવામાં આવે છે તેની આગળ કુસ્તી યા કોઈબી માંથ્રવાણીનું ભણતર યા ક્રીયાકામ શું અથોરનાનો કે શું બેહેદીનોથી દીની કાયદા પ્રમાણે બીલકુલ થાય નહીં. ભણતી વખતે કદાચ હાજતે (વારા પીસાબે) જવું પડે યા ન છુટકે કાંઈ કામ પડે તો જે ભણતર ભણતા હોઈએ તે બનતાં સુધી આખું પૂરૂં કરી નાખવું યા ન છુટકે આખું પૂરૂં ન થાય તો અધુરૂ રહેવા દઈ ઉપલી ન ધારેલી અડચણ દૂર કરી પાછું હાથ મોઢું ધોઈ કુસ્તી કરી જે અધુરૂં મુકેલું ભણતર હોય તે પહેલેથી પાછું માંડવું. પછી બાકીનું જે ભણતર ભણવાનું હોય તે ભણી લેવું. કદાચ ભણતી વખતે ટોપી પડી જાય તો તુરત જ પાછી કુસ્તી કરી જે અધુરૂં ભણતર રહેલું હોય તે પહેલેથી પાછું શરૂ કરવું. કોઈ કુસ્તી કરતું હોય તેની 3 કદમ યાને 10 ફૂટની અંદર આડે ફરી જવું નહીં. પાક મકાનોના કેબલાવાળા હોલમાં કુસ્તી કરવી નહીં. ભણતી વખતે યા કોઈબી વખતે પગની નીચેથી ઘુટી આગળથી આટી મારવી નહીં યાને ઘુટી આગળથી પગ એકેપર ચઢાવવા નહીં. ભણતી વખતે છાતી તેમજ કોણી સુધીના હાથો ઢંકાયેલા રહે તેમ વસ્ત્ર પહેરવું. યજશ્ને, વંદીદાદની ક્રિયા કરતી વખતે પણ છાતી અને હાથો કોણી સુધી ઢંકાય તેમ વસ્ત્ર પહેરવું ઘણું જરૂરનું છે. તેમજ લેંઘા પર બીજો લેંઘો પહેરી ભણતી વખતે પેવંદ જરૂર રાખવું. તેમજ પાટલુન નીચે લેંઘો આખો વખત હમેશા જરૂર પહેરેલો રાખવો. ભણતી વખતે કુશ્તી તેમજ તચાકડી ઉત્તર દીશા જોઈને ત્યાંજ ધીમેથી પખોડવી. બનતાં સુધી ભણતી વખતે ગજવામાં કાગજો, ચામડાની પોકેટ, કુચી, વગેરે તેવી ચીજો સાથે ન હોય તો ઘણું સારૂં કુસ્તીનો પાછલો ગાંઠ કદાચ છુટી જાય તો પાછો અષેમ ભણીને બાંધવો. જ્યાં ઘણી ગડબડ અને મોટો અવાજ થતો હોય ત્યાં બંદગી ઘણી ધીમે સાદે ભણવી નહીં તો સ્તોતની અસર તેથી તપાઈ જાય છે વગેરે વગેરે બીજા ઘણાંક બારીક પાળવામાં અઘરા એવાં આપણી સૌથી શ્રેષ્ઠ દીનના ફરમાનો છે.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025