ખુશી બહુ વ્યાપક શબ્દ છે, જે આનંદ, સંતોષ અને સમાધાનની પોઝિટિવ લાગણીઓના અનુભવને વર્ણવે છે. રિસર્ચના પરિણામો દેખાડે છે કે, માનસિક સ્વાસ્થ્યને શારીરિક સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. ખુશ રહેવાથી તમને સારું તો લાગે જ છે, પણ એ ઉપરાંત ખુશ રહેવાના અનેક સંભવિત સ્વાસ્થ્ય લાભ પણ છે…. ટૂંકમાં, ખુશ રહેવાથી તમે હેલ્થી રહી શકો છો.
ડીપ્રેસ કરનારા વિચારો અને દિલ તથા રક્તવાહિનીઓના સ્વાસ્થ્ય તથા સામાન્ય દર્દ જેવી શારીરિક બીમારીઓ વચ્ચે કનેક્શન હોવાનું અનેક સ્ટડીઝમાં સ્પષ્ટ થયું છે. એક નવી સ્ટડી અનુસાર, જે લોકો ઓછા ઝઘડાખોર અને આક્રમક હોય છે તેઓ ઝડપથી સાજા થઈ જાય છે. પોઝિટિવ વિચારો પર કામ કરવું અને ડીપ્રેશન, આક્રમપણું અને ઝઘડાખોર સ્વભાવ માટે થેરેપી કે કાઉન્સેલિંગ લેવાથી વ્યક્તિને મેન્ટલી હેલ્થી રહેવામાં તો મદદ મળે જ છે, પણ સાથે શારીરિક રીતે ઝડપથી સાજા થવાનો ફાયદો પણ થાય છે. ઘણીવાર એવું થાય છે કે, મેડિકલ રીતે ખરાબ સ્થિતિમાં હોય એવા પેશન્ટોમાંથી જેઓ ઈમોશનલી સ્થિર અને મેન્ટલી ઍલર્ટ હોય છે તેઓ સારવારને સારી રીતે રિસ્પોન્ડ કરે છે અને બહુ ઝડપથી નોર્મલ થઈ જાય છે. પોઝિટિવ ઍટિટ્યુડ સાનુકૂળ માહોલ બનાવે છે અને ઝડપી પરિણામોને પ્રોત્સાહિત કરે છે.
ખુશખુશાલ રહેવાના અનેક ફાયદા સ્વાસ્થ્ય પર થાય છે. ખુશખુશાલ લોકો લાંબું જીવન જીવે છે કેમ કે તેઓ હેલ્થી ડાયેટ ખાવામાં અને શારીરિક પ્રવૃત્તિઓમાં વધુ ધ્યાન આપવા જેવા હેલ્થને ફાયદો કરનારાં કામ કરે છે. ખુશખુશાલ રહેવું એ તમારી ઈમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખે છે, સામાન્ય શરદી-ખાંસી અને છાતીના ઈન્ફેક્શન્સ સામે લડવામાં મદદરૂપ થાય છે. ખુશખુશાલ રહેવાથી સ્ટ્રેસ સામે લડવામાં સીધી મદદ મળે છે. સ્ટ્રેસથી કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધે છે, જેના કારણે વજન વધવું, ઊંઘમાં ખલેલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફો થાય છે. ખુશખુશાલ રહેનારા લોકોમાં તાણભરી પરિસ્થિતિમાં કોર્ટિસોલ ઓછા પ્રમાણમાં પેદા થાય છે, જેના કારણે બ્લડ પ્રેશરનું લેવલ નીચું રહેવામાં મદદ મળે છે, અને આમ હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. ખુશખુશાલ રહેવાથી દર્દ તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે – ખાસ કરીને આથ્રાઈટિસ જેવી લાંબા ગાળાની દર્દની સ્થિતિમાં. ખુશ રહેવાથી બરડતા અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટી શકે છે.
પોઝિટિવ લાગણીઓને લાંબા સમયગાળા સુધી જાળવી રાખવામાં આવે છે ત્યારે તે લાંબા અને સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. આમ, સારું ફીલ કરવું અને આનંદ આપે એવા અનુભવો મેળવવાના પ્રયાસો કરવા એ સારી હેલ્થ માટેનાં અનુકૂળ પાસાં છે. કામના સ્થળે સારી રીતે જોડાયેલી અને સંતોષ ધરાવતી વ્યક્તિ જો સ્વાર્થ વિના જીવવાની સમજ પણ રાખતી હોય તો તેને ખુશી અને સારી હેલ્થ જરૂર મળે જ છે. જો કે, સામાન્ય ધારણાથી વિપરિત, પૈસો અને મિલકત ખુશી અને સારી હેલ્થ આપશે જ એ જરૂરી નથી હોતું. યુવાની અને શારીરિક દેખાવ પણ ખુશી આપી શકતા નથી કે વ્યક્તિને હેલ્થી બનાવી શકતા નથી. છેલ્લે એટલું કહી શકાય કે નવરોઝ જેવા ખુશી અને પોઝિટિવિટી ફેલાવતા પ્રસંગો, સારી હેલ્થમાં ઘણું યોગદાન આપી શકે છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024