દીની દોરવણી: નેક નૈયતનાં ભલાં પરિણામોની શાહનામામાં જણાવેલી વાર્તા

નેક નૈયતથી, સંપુર્ણ ભલી મનશ્ર્ની (બુન્દે મીનશ્ર્ને)થી આજુબાજુ ભલી અસર પંથરાય છે અને બુરી નૈયતથી ભુંડી અસર પંથરાય છે, અને એકને એક કામ, જ્યારે ભલી નૈયતથી પાર પડે છે ત્યારે તે ભુંડી નૈયતથી નિષ્ફળ જાય છે, તેનો દાખલો આપણે શાહનામામાં બેહરામગોરના સંબંધની એક વાર્તામાં મલે છે. કહે છે કે એક વખત બેહરામગોર શેકાર કરતો કરતો પોતાના દરબારીઓથી છુટો પડી ગયો હતો અને રખડતો એક ગામડીઆનાં ઘર આગળ આવી લાગ્યો. તે ગામડ્યાની બાયડીએ તેને પીછાનવા વગર તેની આગતાસ્વાગતા કરી. પછી બેહરામગોરે તેણીને તેણીના ગામને લગતી હકીકતો પુછી. તે કહેતા તેણીએ પાદશાહ બેહરામગોરના કોઈક અમલદારો બાબે ફરિયાદ કીધી. તેણે બોલી કે –

“ઓ નેક વિચારના મર્દ! આ ગામમાં ઘણાક માણસો અને ઘરો છે. અહીંથી પાદશાહના ઘણાક કામદારો અને અમલદારો પસાર થાય છે. તેઓમાંથી કોઈ કામદાર કોઈ ધણી ઉપર ચોરીનું આળ મુકે છે અને એમ કરી તે બિચારા પાસેથી પાંચ-છ દીરમ મુકાવે છે. વળી તે કોઈ આબરૂદાર ઓરતોને બદનામ કરી તેઓ ઉપર આળ મેલે છે. હવે આવી રીતે મેળવેલા પૈસા તે કામદારો તરફથી શાહના ખજાનામાં તો જતા નથી, પણ  શાહ પોતાના અમલદારોનાં કામથી બદનામ થાય છે, અને લોકો ઉપર જુલ્મ પડવાનો સબબ તે ગણાય છે.”

આ સાભળી પાદશાહનું મન રંજીદા થયું કે “હું રૈયતને ઈન્સાફ આપવાની કોશેશ કરૂં છું, તે છતાં કોઈ અમલદારનાં બુરાં કામથી લોકો મને બદનામ કરે છે. તેઓ ઈન્સાફી પાદશાહ અને જુલ્મગાર પાદશાહ વચ્ચે ફરક સમજતાં નથી. માટે હું એક વખત થોડા દહાડા ઘણો જુલ્મગાર થાઉં, કે તેથી પછી લોકો જુલ્મી અને ઈન્સાફી પાદશાહની હકુમત વચ્ચેનો ફરક સમજે.” એવા વિચારમાં પાદશાહ રંજીદા દિલે પોતાને બિછાણે ગયો, તણ તેને ઉંઘ આવી નહિ. તે આ જ વિચાર કરવા લાગો કે હવે કેવી રીતે તે રૈયત ઉપર જુલ્મ કરે.

હવે સહવાર પડતાં પેલી દેહકાનની બાનુ બીદાર થઈ અને પોતાના ધણીને કહ્યું કે , “તું આતશ ઉપર દેગ તૈયાર કર, તેટલાં હું ગાયનું દુધ દોઉં.” એમ કહી પુરતો ઘાસ દાણો લઈ ગાય આગળ ગઈ અને ખુદાતાલાનું નામ જબાન ઉપર લઈ ઘાસ દાણો ગાય આગળ મેલી દૂધ દોહવવા બેઠી. તેણી ગાયના થાન ઘણાં પણ મસળવા લાગી, પણ દૂધ મળ્યું નહિ. ગાયનું દૂધ ખેંચાઈ ગયું હતું. તેથી તેણીએ મોટે અવાજે પોતાના ધણીને કહ્યું કે “ઓ ધણી! પાદશાહની દિયાનત બીગડી છે. દુનિયાનો પાદશાહ હવે જુલ્મગાર થયો છે. ગઈ રાતે તેનું મન ફરી ગયું છે.” તેણીના ધણીએ પુછ્યું કે “તું એમ શા ઉપરથી કહે છે?” તેણીએ જવાબ દીધો કે “જ્યારે પાદશાહની દિયાનત બિગડે છે ત્યારે ગાયનાં થાનમાં દૂધ સુકાઈ જાય છે. આ ગાયનો ચારો યા ઘાસદાણો કાંઈ ઓછો કરવામાં આવ્યો નથી, તેને પાણી પૂરતું મળે છે, ત્યારે તેનું દૂધ કેમ સુકાઈ ગયું?”

પાદશાહે આ વાતચીત સાંભળી અને તે મનમાં ઘણો પસ્તાવા લાગ્યો. રાત્રે તેણે પોતાનાં મનમાં જે વિચાર કીધો હતો કે થોડા દહાડા રૈયત ઉપર જુલ્મગાર થવું. તે વિચાર માટે હવે તે પસ્તાવા લાગ્યો અને ખુદાતાલાને યાદ કરી માફી માંગી. તે બોલ્યા કે “મારૂ દેલ ઈન્સાફથી ફરે અને હું જુલ્મગાર થાઉં તેના કરતાં મારૂં પાદશાહી તખ્ત જાય તે ભલું.”

હવે પેલી બાનુએ એક વખત ફરીથી દૂધ દોહવાની તજવીજ કીધી. તેણે ખુદાતાલાનું નામ જબાન ઉપર લઈ દોઆ ગુજારી કે ખુદા તે સુકાઈ ગયલાં દૂધને વેહતું કરે. એમ ખુદાને યાદ કરી તેણી ફરીથી દૂધ દોહવવા લાગી તો દૂધ નીકળવા માંડ્યું.

તેણીએ ખુદાના શુકરાંના કીધા અને બોલી કે “ઓ ખુદા! તે બીદાદગર પાદશાહને દાદગર કીધો છે.” પછી તેણીએ પોતાના ધણીને મોટે અવાજે કહ્યું કે, “હવે બીદાદગાર પાછો દાદગર બન્યો છે માટે તું ખુશી થા.” પછી તેણીએ તપેલીમાં દૂધ ગરમ કર્યું. તે ધણીધણીયાણી બેઉ જણ બેહરામગોર આગળ ગયાં અને બીસતરો બીછાવી તેની આગળ ખાણું મૂક્યું.

આ દાસ્તાનનો તમો ગમે તેવી રીતે વિચાર કરો, પણ તેનો સાર અને ધડો આ છે કે, એક પાદશાહની દિયાનત બીગડે તો તેના મુલકની આબાદી ઘટે. જો તે પાદશાહ આદેલ અને ઈન્સાફી હોય તો તેનો મુલક આબાદ રહે. તેનો બૂરો વિચાર વટીક વાતાવરણમાં જાણે બુરાઈ પાંધરે છે અને આબાદી કોતાહ કરે છે.

કેટલીક વાર્તાઓ એક મુલકથી બીજે મુલક જુદે જુદે રૂપે પ્રસાર થાય છે. વાર્તાઓનું દેશાંતર થવું, એ એવી બાબતોનાં શોખીન અભ્યાસીઓ માટે અભ્યાસની એક અગત્યની બાબત ગણાય છે. કેટલીક વાર એક વાર્તા એકના એક જ દેશમાં જુદે જુદે રૂપે પ્રસાર પામે છે અને સંભળાય છે. હવે આ વાર્તાનો સાર કે “પાદશાહની દિયાનત બિગડે તો આબાદી ઘટે” તેને લગતી બીજી વાર્તા, બીજે રૂપે, મારી બચગીમાં મેં મારા મરહુમ માતાજીથી સાંભળેલી મને યાદ આવે છે, તે વાર્તા નીચે મુજબ છે.

“એક દિવસ એક પાદશાહ શેકારે ગયો. શેકાર કરતાં તે પોતાના સાથીઓથી છુટો પડી ગયો અને થાકી ગયો. તે રખડતો એક ગામ આગળ આવ્યો અને ત્યાં એક ખેડુતનાં ખેતરમાં જઈ તેની બાયડી પાસે તરસ મટાડવા કાંઈ પીવાનું માગ્યું. તે બાયડી ઉઠી, અને પોતાનાં ઝુંપડાની પડોશમાં જ શેરડીઓ ઉગાડી હતી ત્યાં ગઈ અને ઝાડનો એક કાંટો એક શેરડીમાં ભોંકી તેના આગળ વાટકો ધર્યો.

તુરત ધરધર શેરડીનો રસ તેમાંથી વહ્યો અને વાટકો ભરાઈ ગયો. તેણી તે પાદશાહ આગળ લઈ ગઈ. પાદશાહ તે જોઈ અજબ થયો અને ખુશી થયો. અને શેરડીનો મીઠો રસ પી તેણે પોતાની થાક ઉતારી. પછી તે પોતાને મેહલે ગયો અને મનમાં વિચાર કીધો કે “આ ગામની જમીન કેવી ફળદ્રુપ છે કે તમાં આવી સુંદર શેરડી થાય છે, કે કાંટો ભોંકતાં તેમાંથી આટલોબધો રસ નીકળી પડે છે. આવી ફળદ્રુપ અને આબાદ જગ્યામાં જમીનનો કર લેવામાં આવે છે, તે જમીનની ફળદ્રુપતા અને પાકની આબાદી જોતાં ઘણો કમી છે.” એમ હોવાથી તેણે તે ગામની જમીનની મેહસુલનો કર વધારવાને ફર્માન આપ્યું.

હવે થોડા દહાડા રહી પાદશાહ પાછો તે ખેતરમાં ગયો અને ખેડૂતની બાયડી પાસે કાંઈ પીવાનું માંગ્યું. તેણી તુરત જ  એક વાટકો લઈ શેરડીના એક રોપા આગળ ગઈ અને તેમાં કાંટો ભોંક્યો કે રસ કાહડે.

પણ આ વખત તેમાંથી રસ વહ્યો નહિ. ત્યારે તેણી એકદમ પોકારી ઉઠી કે, “અરે! પાદશાહની દિયાનત બિગડી.” પાદશાહે આ શબ્દો માટે અને રસ નહિ મલવા માટે ખુલાસો પુછતા તેણીએ કહ્યું કે, “દેશના પાદશાહની દિયાનત બિગડેલી હોવી જોઈએ, અને તેથી જ મારાં ઝાડમાંથી રસ સુકાઈ ગયો.” કહે છે કે આ શબ્દો સાંભળી અને રસ સુકાઈ જવાનો મામલો પોતાની નજરેનજર જોઈ પાદશાહ પોતાનાં મનમાં ઘણો પસ્તાવા લાગ્યો અને મેહલમાં જઈને તે ગામનો કર જે આગળ હતો તે જ પાછો કાયમ કરાવ્યો.

Leave a Reply

*