મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી.
એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા.
‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’
કે તેનાં જવાબમાં ગમતથી તે બેટો હસી પડયો.
‘હવે ટૂંક વખતમાં મોલી હમેશની ડરબી કાસલની શેઠાણી બનનાર હોવાથી, હમણાંથી પણ રહેે તો વાંધો શું આવી શકે?’
‘હમણાંથી રહે એટલે? કંઈ તારૂં ભેજું ઠેકાણે છે કે નહી દુકતા? એમજ જો રહેવા માંગતો હોય તો પછી પૈસાનો ધુમાડો કરીને પરણેછબી શું કરવા?’
ઝરી જુહાકે ઉશ્કેરાઈ જઈ રોકડું પરખાવી દીધું કે તે બેટાએ ઓશકથી લાલ થતાં કહી સંભળાવ્યું.
‘મમા, હું કંઈ એમ મીન કરતોજ નથી, ને તમોને તમારા દીકરા પર વિશ્ર્વાસ તો છેની?’
ને એમ નાની નાની ચકમકો મોલી કામાને ખાતર તે બન્ને મા દીકરા વચ્ચે થયાજ કરતી, પણ એક દિવસ તે ચકમકે મોટો ભડકો લઈ લીધો.
મોલી કામા જાણે હમણાંથી જ તે મકાનની શેઠાણી બની ગઈ હોય તેમ રોજના કંઈ કંઈ ફેરફારો તેણીનાં ખવાસ મુજબ કરાવ્યા કરતી કે અંતે તે કાસલમાના નોકરો પણ કંટાળી જઈને ફફડી ચટકી ઉંઠતાં.
તેજ મુજબ એક દિવસ તેણીએ ‘ડરબી કાસલ’ના ડ્રોઈગ રૂમની દિવાલ પરથી બધી છબીઓ નીચે ઉતરાવી નાખી કે તે વાત ઝરી જુહાકનાં કાન પર આવતાં તેવણે એકદમ તે નવાં વહુમાયને બોલાવી મંગાવી ખખરાવી નાખ્યા.
‘કોણના હુકમથી તે બધી છબીઓ નીચે ઉતરાવી નાખી, પોરી?’
કે તેનાં જવાબમાં મોલી કામાએ તુચ્છકારથી પોતાના ભવિષ્યનાં સાસુને બોલી સંભળાવ્યું.
‘ડરબી કાસલની શેઠાણી અત્રે કોઈનાં હોકમો લેવા બંધાઈ નથી.’
‘ચાલ, ચાલ, મોટી શેઠાણી નહીં જોઈ હોય તો. ખબરદાર જો મારા ધણીની છબીને ત્યાંથી ખસેડી તો તારી વાત તું જાણે.’
‘તો એજ છબીને સૌથી પહેલાં હું ગોડાઉનમાં મુકાવી દેવશ, કારણ મને એવી ઓલ્ડ ફેશનની ચીજો કાસલનાં સીટીંગ રૂમમાં નથી મુકવી ને તેની જગા પર મોટા મોટા આર્ટિસ્ટને હાથનાં પેઈન્ટિંગઝ ત્યાં મુકઈ શકશે.’
મોલી કામાએ જીદ કરી રોકડું પરખાવી દઈ ત્યાંથી એક સ્કુલ ગર્લ માફક જ ફત્તેહ પામી મલકાતાં વિદાય થઈ ગઈ, કે ઝરી જુહાકે એકદમ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાની દીકરાને બોલાવી મંગાવ્યો.
ને ત્યારે ફિરોઝ ફ્રેઝર કંટાળેલો તે સાસુ વહુનો ઝગડો વરી પાછો છોડવવા ત્યાં આવી ઉભો કે તે માતા એકદમ પુકારી ઉઠી.
‘જો દુકતા, પેલીને કહી રાખજે કે મારા ધણીની છબી જયાં હતી ત્યાં પાછી મુકાવી દે, નહી તો પછી હું બી જોઈ લેવશ.’
મંમા, તમો ના એટલા ગુસ્સે થાવ, મોલી મોર્ડન હોવાથી એને એ બધી છબીઓ ત્યાં ગમતી નથી.’
‘ગમતી નથી, તો એ કોણ મોટી આવી કે એને ગમતું જ બધું હમેશ થાય.’
‘એ હવે ડરબી કાસલની નવી શેઠાણી થવાની છે, મંમા.’
‘નવી જો એ થવાની હોય તો જૂની હું બેઠેલી અત્રે મોજૂદ છું.’
‘પણ મંમા, જેમ એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી, તેમ એક મકાનની બે શેઠાણીઓ પણ કદી બની શકેજ નહીં, ખરૂંની?’
‘તો પછી દુકતા, તું તેણીનેજ જો શેઠાણી બનાવવા માગતો હોય તો પછી મને આ મકાનમાં રહેવું નથી.’
તે માતાએ રોકડું પરખાવી દીધું કે તે બેટો પણ કંટાળીને બોલી પડયો.
‘મંમા તમોને જેમ ઠીક લાગે તેમ કરો, કારણ બેઉને હું કેમ ખુશ રાખી શકું?’
ઝરી જુહાકે કદી પણ આવા બોલોની આશા રાખી હતીજ નહીં કે તેવણે ઉશ્કેરાઈ જઈને કહી સંભળાવ્યું.
‘એ તારી નવી શેઠાણીના હાથ નીચે હું એક ઘડી પણ રહી શકું નહીં. હું કાલ ને કાલ મારી બહેનને ઘેર ગામ ચાલી જવશ. જ્યાં માન નહીં મળે ત્યાં વધુ વાર રહેવામાં શોભા નથી.’
(વધુ આવતા અંકે)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025