અદરાવવાના માંગલિક પ્રસંગે વરવહુના ઘરમાં રાખવાની તૈયારી: સવારનાં પહોરમાં ચોક ચાંદન કરી બારણે તોરણ કરી સગનની સેવ સાથ બદામ દરાખ અને તાજી મચ્છી તળી રાખજો. મીઠું દહી અને મિઠાઈ સાથે ગમે તો કેક યા સેન્ડવીચ તમારી ગુંજાસ મુજબ તૈયાર કરજો.
નાહી ધોઈ ઘરની લગનની સૈસ તૈયાર કરી કોપરેલ યા ઘીનો દીવો પ્રગટાવજો.
અદરાવવા માટે વહુની સેસની સમજણ તથા દહી, માછલી તથા સાકરની સૈસ તૈયાર કરવાની સમજણ:
છોકરા તરફનાએ કરવાની રીત: સેસમાં પડો બતાસા ભરી, ગુલાબદાની ગુલાબજળથી ભરી, પીગાની કંકુ કાલવી તૈયાર કરો. સાથમાં નાળિયેર કંકુની ટીલી સાથનું પાન, સોપારી, ખારેક, બદામ કોટલાવાલી, સાકર, હળદનાં ગાંઠિયા અને ચોખા મૂકજો. પડા પર એક નાનો ફૂલનો હાર પહેરાવી તે પર વહુમાયને શણગારવાનો ગજરો ગોંઠવી દેજો. સેસમાં ઝીણું દહીનું ગ્લાસ મૂકજો.
આછાંમીછાંની સમજણ: સધાવો તે પહેલાં ઘરમાં આછુંમીછું તૈયાર કરી મુકતાં જજો. આછાંમીછાં માટે નાની એક ખુમચીમાં ૧ નાળિયેર, ૧ ઈંડુ, ૧ સોપારી, ૧ પાન, ૧ ખારેક, ૧ કોટલાવાળી બદામ, ૧ સાકરનો ગાંગડો, થોડા ચોખા અને પાણીનું નાનું ગ્લાસ મૂકજો.
આછું મીછું કરવાની રીત: આછાંમીછાંની સેસ સાથ વેવાણ આવકારવા આવશે. નઆવોજી વેવઈને ઘરનાં આવોજીથ કહેતા ઈંડુ લઈ સાત વાર ઓવારી સાસુજીના જમણા પગ પાસે વધેરશે. પછી પાન, સોપારી, ખારેક, બદામ થોડા ચોખા બધું સાથે ઉઠાવી સાત વાર ઓવારી પાછળ ફેંકી દેશે. પછી લેશે નાળિયેર એને સાત વાર ઓવારી ઉભેલાંના જમણા પગ તરફ વધેરશે.
આછાંમીછાંમાંથી થોડા ચોખા હાથમાં કાઢી લઈ ખુમચીમાં થોડું પાણી નાખી થાળી સાત વાર ઓવારી પહેલે જમણી બાજુ થોડું પાણી ઢોળી બાકીનું ડાબી તરફ ઢોળી દેશે અને પછી હાથમાં રાખેલા ચોખા વડે વધાવી લઈ તમને માન સાથ આવકાર દેશે.
પરણતી બેટીને પાટલે ઉભી રહેવાની સમજણ: પનોતી વહુમાય તમે જમણે પગ પાછળથી પાટલે ચઢજો. ઉતરતી વખતે જમણેજ પગે આગળથી ઉતરજો. દીકરી તમે ઉતરવા પહેલાં સાસુજીને પગે પડી પેટ પાસામાં ભરાઈ વહાલભરી કોટી કરજો.
વહુને અદરાતાં શણગારવાની રીત: પહેલે જમણે પગે, પછી ડાબે પગે અને પછી કપાળે કંકુની ટીલી તમારા પનોતા હાથે કરજો. કપાળે ચોખા ચોટાડી બદલવા માટે (સાડી, માથુબાનુ, માલ, ચિત્તલ, વીટી સિવાયના) બધાજ કપડા હાથમાં નાળિયેર સાથે આપી દેજો. એક સાકરના ગાંગડા પર જરા દહીં મોંમા મૂકી ઠંડુ પાણી પાઈ ઓવારણા લઈ કપડાં બદલી હવે પછી સાડીનો છેડો ટાઢો કરી સગનના ગીત સાથ સાડી પહેરાવજો.
બેટીને સાસરેથી અદરાવા આવેલાને સગન કરવાની રીત: એક જોડ કપડાં સાસુ દાખલનાં પહેરાવજો. વેવાણને શણગાર્યા પછી વડીલને પહેલાં શણગારી ા.નું પડીકું હાથમાં નાળિયેર હાર સાથ આપજો. બીજાં જે કોઈ સાથે આવ્યાં હોય તે સર્વને નાળિયેર હાર અને સગનનાં પડીકાં એક પછી એક પાટલે શણગારીને પહેરાવજો. છોકરાના માયજી વહુમાય સાથ ઘર આંગણે આવે ત્યારે સેસ બીજાના હાથમાં આપી તમે પહેલે અંદર આવી તૈયાર રાખેલા આછાંમીછાંથી વહુમાયને અને સેસને સૌ સાથ વધાવી જમણે પગે વહુમાયને ઘરમાં લેજો.
અદરાવવા માટે જમઈની સેસ તૈયાર કરવાની સમજણ સાકર ટપકાં, દહી, માછલી લઈ જવા તેમજ જમાઈને શણગારવાની રીત: દીકરીના માયજી જમાઈને શણગારવા સેસ સવારને પહોરથી તૈયાર જ રાખજો. તેમાં અદરાવતાં પહેરાવવાના રોકડા પિયા ૧૦૧ મૂકજો. સાકર ટપકાને માટે ૧ ટ્રે સાકરથી ભરેલી લેજો. ચાંદીની પીગાની સુકકુ કંકુ ભરીને મૂકજો. એક ખુમચી નવીજ દહીં માછલીની જેમા પાંચ નંગ મચ્છી અને દહીં ભરેલો જર્મન સીલ્વરનો વાટકો અંદર એક પાંની વીટી સગનની મૂકજો. સર્વે મળી પનોતા જમઈને શણગારવા સધાવજો જમઈનાં માયજી આછાંમીછાં સાથ તૈયાર હશે તમને વધાવી લેશે. દીકરીને સાથે જ પાટલે બોલાવજો. બન્ને એક બીજાને રીંગ પહેરાવી વધાવી લેજો.
અદરાવવા આવેલા પરોણાને સગન કરવાની રીત: છોકરાવાળા દીકરીના માયને સગનનું પડીકું પહેરાવશે તથા હાર પહેરાવશે. સાથે આવેલાને પણ વડાથી નાનાને અનુક્રમે પહેરાવશે. એ સર્વ પડીકાં નાળિયેર ફુલ હાર તમારી સેસમાં મૂકી સેસ લઈ ઘરે આવજો. દીકરી આખો દિવસ સાસરેજ રહેશે. જમાઈ રાજાને રાતે જમવાનું ઈજન કરતા આવવું.
સાંજના વહુને ઘર મોકલતાં કરવાની રીત: દીકરાના માયજી વહુમાયને આખો દિવસ રાખી સાંજે ઘર મોકલો ત્યારે તમે જે કપડાં (સાસુ દાખલના) પહેરી આવ્યા હોવ તે નઘર તેડયાનાથ કહી પહેરાવી મોકલજો. સાથે એક નાની સેસમાં એના અદરાયાના કપડા બદલ્યાં હોય તે અને મીઠાઈનો ડબ્બો મૂકી મોકલજો. છોકરો પાછો સેસ લેતો આવશે સગવડ ન હોય તો કપડાં તમારે ઘેર જ રહેવા દેજો વહુમાય આવતી જતી લેતી જશે. ખાસ સેસ મોકલવાની જર નથી.
જમાઈ જમવા આવે ત્યારે કરવાની રીત: રાતે દીકરી જમાઈને આછુંમીછું કરી ઘરમાં લેજો. જમાઈ રાજ જમી સધાવે ત્યારે ફરી ગજરો તુરો આપી શણગારજો. સાથે એક મિઠાઈનો ડબ્બો આપજો. જે કાંઈ પડીકાં તમે પહેરી આવ્યા હોવ તેમાં પિયા ઉમેરી એક રકમ કરી જમાઈને સ્વાધિન કરજો. તે ઉપરાંત જમાઈને નઘર તેડયાનોથ સોનાનો સિકકો ગીની યા તો ા. ૨૧ પહેરાવજો. દીકરી સાસરેથી સેસ લાવી હોય તે પાછી મોકલજો. અદરાવવાની ક્રિયા પૂરી થાયછ.
માદવસરો રોપવાની તથા ખરપતું કરવાની સમજ: (હવે માડવસરે=મંડપનું મૂરત) લગ્નની તૈયારી માટે અસલ માંડવા બાંધવા પડતા હતા. બાગની સગવડ ન હતી ત્યારે માંડવાનું મૂરત કરાતું હતું. સગન તરીકે આજે પણ આ રિવાજ ચાલુ છે. માંડવસરો રોપ્યાનું મૂરત સવારે જ કરવું. એક કુંડાને શણગારી આંબાની ડાળીઓ તૈયાર રાખવી, સોનીને ત્યાંથી સોનાપાનું પડીકું તૈયાર લાવવું ન મળે તો કસબી કોરમાંથી ત્રણ ટીલી સોનેરી અને ૪ ટીલી પેરી કાઢવી. એક ખુમચી તૈયાર કરી તેમાં પાન સોપારી, ખારેક, બદામ, સાકર, નાનું દહીનું ગ્લાસ, નાળિયેર, ઈંડુ થોડા દાણા ઘઉં, ચોખા, આખા અડદ હોય તો તેટલું મૂકવું. આશિર્વાદ માટેનું એક નાનું નાળિયેર ચોટલી રાખી બાકીનું સાફ કરી તથા સુતરનો દડો, હળદના ગાઠિયા, કંકુ અને ખરપતાનું ફુલ્યું સર્વ સેસમાં ગોઠવજો. એક નાના માલ જેટલો કોરો મલમલનો ટુકડો સાથે મૂકજો.
ખરપતું બનાવવાની રીત: ૧ ચમચો ચોખાનો લોટ, અડધો ચમચો હળદરની ભૂકી પા ચમચી કંકુ એ સર્વ પાણીમાં ઘટ્ટ મીક્ષ કરવું હવે ચાર સહોવાસનો ટીલી અને સોડ કરી તૈયાર રહો. માંડવસરો રોપવા માટે મોબેદ સાહેબ હોય તો તેમ નહીં તો છોકરાને લાલ સાડીની પાઘડી બાંધી તૈયાર કરવો. ક્ધયાને પણ શણગારી ટીલી પહેરાવી સોડ કરાવી તૈયાર રાખવી. ભીત પર ખરપતાં વડે સ્કવેર કરી ક્રોસ પાડી નાના ટપકાં કંકુ વડે કરજો ઘરના આંગણામાં ચોક પૂરજો ચોક પર કુંડુ ગોઠવી વચમાં ખાડો પાડી તેમાં ખારેક, પાન, સોપારી, સાકર, બદામ, ચોખા, ઘઉં, હળદરનો ગાંઠિયો અને થોડુ દહીં કંકુ, ખરપતું નાખી સોનાપાની પડીકી અંદર મૂકો. મોબેદ સાહેબ તૈયાર કરેલો છોકરો આંબાની ડાળ ઉઠાવી ખાડામાં સાત તથા અહુવઈરયોથ ભણતા મુકશે. તે વેળા ચારે સહોવાસનોએ ડાળ પર હાથ મૂકેલો રાખવો અને ડાંખળી રોપાવવી. સાત વાર ઈંડુ ઓવારી વધેરજો. નાળિયેર સાતવાર ઓવારી વધેરીને પાણી ઝાડ પર છીપજો.
સાફ કરેલા નાળિયેરને કંકુથી શણગારી સાત યથા ભણતાં સહોવાસનને હાથે સુતરના સાત આંટા લપેટાવી ગાંઠ નહીં વાળતા બરાબર અમરેટીને આંટામાં દાબી દેજો. એ નાળિયેર પરણતી છોકરીના હાથમાં આપી મંડપ પાસ ઉભી રાખી લોબાનથી માંડવને તથા નાળિયેરને ધુપાવજો.
સુપરાની રીત: ચાર નવાં સુપડાં દરેકને ખરપતાના ત્રણ અને કંકુના બે એમ પાંચ ટીલાં કરી પછી સુતરના પાંચ આટા લપેટી ગાંઠ નહી વાળવો પણ વીટો આપી બરાબર આંટામાં લપેટી દેજો. દરેક સુપડામાં થોડા ઘઉં, ચોખા, આખા અડદનાં દાણા એક સોપારી, એક ખારેક, એક બદામ, સાકર, હળદરના ગાંઠિયા, સુકકા નારિયેલના ટુકડા તેયાર રાખવા.
હળદર વધેરવાની રીત: વચમાં ચોક પૂરી તે પર ખળ મૂકી આજુબાજુ ચાર સુપડાં મૂકવા ચાર સહોવાસનોએ પોતપોતાના સુપડામાંથી એક એક હળદરનો ટુકડો ખળમાં નાખી ચારે જણે સાથે જ બત્તો પકડી ગાંઠીયાને છુંદવા સુપડાંને પાંચ વાર ઉફણી સામે વાળી સોહાવાસન સાથ સુપડું બદલવું. (પોતાનું સામે આપી સામેનું પોતે લેવું) એ પાંચ વાર કરવું.
ખીચડીની રીત: બીજો દિવસ ખીચડીની રીતનો એટલે આશાયસનો. એ દિવસે ખાસ કાંઈ રીત કરવાની રહેતી નથી. સિવાય ઉકરડી જેમાં ઉકરડી લુંટવાની રમત રમાતી હતી. ત્રીજો દિવસ વરધ પત્તરનો (વરધ=વૃધ્ધિ) રાતે રામયઝદને તથા અશો ફરોહરોને આમંત્રણ આપવા સ્તુમ ભણાય.
લગ્નના દિવસ માટેની તૈયારીઓ: સવારના પહોરે ચોકચાંદન કરી બારણે તોરણ બાંધવી. સગનની સેવ દહી કરવી. બાગમાં લઈ જવાની સેસ તૈયાર કરવી.
બેટી નાહન લઈ સ્ટેજ પર આવે ત્યારે કરવાની રીત: પહેલાં દીકરી નાહન નાહવા સધાવશે મોબેદ સાહેબ નાહન આપી જ્યારે નાહવા કહે ત્યારે પહેલાં એક ઈંડુ સાત વાર ઓવારી ઉંબર પર વધેરી પછી જ નાહવા મોકલજોજી. દીકરી નાહન નાહી તૈયાર થાય પછી હાથમાં નાળિયેર આપી ટીલી કરી શણગારી સ્ટેજના પગથિયા પર ઉભી રાખજો. સાસુજી આછુંમીછું કરી લઈ સસરા ખોળે લીધાની બુટ્ટી પહેરાવશે.
વરરાજા નાહન નાહી સ્ટેજ પર આવે ત્યારે કરવાની રીત: જમાઈરાજા નાહન નાહી આવશે તેને પણ ટીલી કરી હાથ પર શોલ નાખી, નાળિયેર આપી ગજરો તોરો પહેરાવજો. વરરાજા સ્ટેજને પગથિયે ઉભા રહેશે સાસુજી આછુમીછું કરી વધાવશે અને વીટી પહેરાવશે એટલે તેઓ પણ સાજનમાં જઈ દસ્તુરજી સાહેબની બાજુમાં બીરાજશે.
વર અને વહુ આ પછી સ્ટેજ પર આશિર્વાદ લેવા માટે આવે છે. આશિર્વાદ સરાઈ રહેતાં છોકરાના બાવાજી મોબેદ સાહેબને હાર પહેરાવી પડીકાં આપે છે. સાળીજી બનેવીના પગ ધોવાની થાળ લઈ દૂધનો છટંકાવ કરે છે.
દીકરીને સાસરે મોકલવાની સમજ તથા પરચુરણ બાબતો: દીકરી સાસરે સધાવે ત્યારે તમે એક બે જણ બેટીને મુકવા જજો. તમે જશો તો છોકરાવાળાને ખુરશી ટેબલ સર્વ ગોઠવવામાં મદદ થશો. દીકરો વહુ ઘરે આવે ત્યારે આછુમીછું કરી વધાવી લેવા.
આ બધા રિવાજો મનની ખુશી માટેના છે એટલું યાદ રાખશો તો ઘણું છે. ફરજિયાત કશું જ નથી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024