જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો છે. કાબુલનો પાદશાહ જાબુલના પાદશાહ જાલ આગળ આવજા કરે છે અને તે તમોને એમ કવખતે બહાર જતાં જાણશે તો ઠાર કરશે.
પેલી બાંદીઓ રોદાબે આગળ ગઈ અને તેણી આગળ જાલ તરફથી ભેટ સોગાદો રજૂ કરીને જાલના દેખાવની તેની અદબ અદાની તેના દરજ્જાની અને તેના કદ અને ચહેરાની ઘણી તારીફ કીધી. તેઓએ કહ્યું કે ‘તેની ફકત એક ખામી તેના સફેદ બાલ છે, પણ તે ખામી પણ જાણે ખુબસુરતી છે. અમોએ તેને તુંને જોવા માટેનો માર્ગ દેખાડયો છે, માટે હવે તું તેને મળવા માટે તૈયાર થા.’
રોદાબેએ જાલને આવકાર દેવા માટે પોતાના મહેલમાં સઘળી તૈયારી કીધી અને પોતે પણ સોલે-સિંગાર કરી તૈયાર થઈ અને એક બાંદીને જાલને તેડવા મોકલી.
રાત પડતા જાલ રોદાબેના મહેલ ભણી જવા નીકળ્યો. પેલી બાજુએ જેમ સીધ્ધાં સર્વના ઝાડ ઉપર મહાતાબ પ્રકાશે, તેમ મહેલની બારીએ રોદાબે આવી ઉભી. જાલને દૂરથી આવતો જોઈ તેણીએ પોતાના હોઠ ખોલ્યા અને તેને આવકાર દીધો કે ‘ઓ ભલા બહાદુર મર્દ! તું ભલે આવ્યો. તારી ઉપર ખોદાતાલાની આફ્રિન હોજો. આ ફરતું આસમાન તારી ઉપર જમીન માફક (ફરમાન બરદાર) હોજો. તું ભલો ખુશ દિલનો અને ખુશાલ હોજો.’ જાલેજરે જવાબ દીધો કે ‘ઓ મહાતાબ જેવા ચહેરાની બાનુ! મારાથી તારી ઉપર દુઆ અને આસમાનથી તારી ઉપર આફ્રિન હોજો. કેટલી બધી વખત રાત્રે ઉત્તર તરફના સિતારા તરફ નજર કરી પાક યઝદાન આગળ પોકાર કરી મે દુવા ગુજારી છે કે તે જહાનનો સાહેબ મને તારો ચહેરો દેખાડે. હવે હું તારા અવાજથી તારા નાજ સાથેના આ શિરીન શબ્દોથી ખુશી થયો છું. હવે (ઉપર એવી) તું ને મલવાનો એક ઈલાજ શોધ, કારણ તું મહેલની સફીલ ઉપર રહે અને હું નીચે રસ્તામાં રહું, તે શું કામનું?’
આ શબ્દો સાંભળતા તે ગુલનાર બાનુએ પોતાના સર ઉપરથી પોતાના બાલ છોડયા. પોતાના લાંબા બાલની તેણીએ કમન્દ બનાવી એવી રીતે કે કોઈ કસ્તુરીની પણ એવી કમન્દ બનાવે નહીં. તે બાલને વાંક ઉપર વાંક આપી અને સાંપ માફક ગુચ પર ગુચ આપી અને વળાંક ઉપર વળાંક આપી પછી મહેલની સફીલ ઉપરથી તે બાલને નીચે ઉતર્યા તે એવી રીતે કે તે જોઈને જાલે મનમાં કહ્યું કે ‘ખરેખર આ એક બરાબર કમન્દ છે.’ પછી મહેલની સફીલ ઉપરથી રોદાબેએ અવાજ આપ્યો કે ‘ઓ નેકબખ્ત પહેલવાનના દલેર પહેલવાન બેટા! હવે સેતાબ કર, તારી કમર કશ, એક સિંહ મિસાલ તારી છાતી અને કેઆની હાથ ખોલ, મારા સિંહા બાલ એક છેડેથી પકડ, તારે માટે આ સઘળા બાલ છે.’
જાલે તે મહાતાબ જેવા ચહેરાની બાનુ ઉપર નજર કરી અને તેણીના આવા શબ્દોથી અજબ થઈ ગયો. તેણે તેણીના આ કસ્તુરી મિસાલના બાલની કમન્દ ઉપર બોસા લીધા અને રોદાબેએ તે બોસાનો અવાજ સાંભળ્યો. પછી જાલેજરે જવાબ દીધો કે ‘એ બરાબર નથી. એવો કોઈ દહાડે ખોરશેદ રોશન ના થતો, કે હું બેવકુફીભરી રીતે તારા જાનને નુકસાન થાય તેમ હાથ લંબાઉ, યા મહોબતથી જખ્મી થયેલા તારા દિલને હું વધુ જખ્મી કરૂં.
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024