શિરીન વોર્ડનને મદ્રાસથી પોતાના વ્હાલાઓ તરફથી અવારનવાર કાગજો આવ્યા કરતા ને તે બધી ખબરો તેણી પોતાની મુુલાકાતોમાં તે ભાઈને પુગાડી દેતી.
મદ્રાસમાં તેઓ એક મકાન ભાડે રાખી ત્યાં ગેસ્ટ હાઉસ ખોલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા પણ તે છતાં પૈસાની આબદા તો તેઓને અવાર નવાર પડયા કરતી.
ને તેમાં શિરીને પોતાનો છેલ્લો પગાર જ્યારે નહીં જ મોકલાવ્યો ત્યારે આબાને તેણી પર એક કાગજ લખી મોકલાવ્યો, કે તે જવાને શિરીન વોર્ડનને એક દિવસ પોતાની ઓફીસમાં બોલાવી મંગાવી.
ને ત્યારે ફરી પાછી ઘણે દિવસે તે બાલા ધ્રૂજતી ધપકતી પોતાનાં વ્હાલા સામે જઈ ઉભી, કે ફિરોઝ ફ્રેઝરે પહેલો સવાલ પુછી લીધો.
‘શિરીન, ગયા મહિનાનો પગાર તુંને મંમાએ આપેલો?’
‘હા આપેલો, ફિલ.’
‘ને ત્યારે તે તેનું શું કીધું?’
તેનો જવાબ શિરીન વોર્ડન આપી શકીજ નહીં કે ફિરોઝ ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી દીધું.
‘મને લાગેછ કે પેલા તારા ભમટા જેવા લવરને ખર્ચવા આપ્યો હશે ખરૂંની? આંય તારી બેનનું કાગજ આયુંછ તે વાંચી તુંજ તારા હાથોએ જવાબ લખી નાખજે.’
એક એન્વલપ ટેબલ પર તેણી સામે પટકતાં તે જવાન કડવાશથી બોલી પડયો કે શિરીન વોર્ડન રાતી મારી જઈ તે કવર ઉંચકી ત્યાંથી ગુપચુપ વિદાય થઈ ગઈ.
અને એમ ઉપલા સઘળા બનાવોથી તે આખો મહિનો ઝપાટામાં ખતમ થઈ ગયો કે ત્યાર પછી એક અગત્યનો બનાવ શિરીન વોર્ડનની જિંદગીમાં બની ગયો.
એક દિવસ રાતનાં તેણી પોતાનાં રૂમમાં સુવા જવાની તૈયારી કરતી હતી કે તેટલાં કાસલમાના એક નોકરે આવી તેણીને જણાવી દીધું.
‘તમારો મદ્રાસથી ફોન આયોછ, મીસ.’
એ સાંભળી તે બાળા ધ્રુજી પડી. યા ખુદા, આટલી મોડી રાતે ઘણું અગતનું કામ નહીં હોય ત્યાં વેર તો કોઈ ફોન કરેજ નહીં.
પોતાના નાઈટ ડ્રેસ પર એક ડ્રેસિંગ ગાઉન ઉતાવળમાં ઓરવી લઈ તેણી ઝપાટામાં નીચે તે ફોન લેવા દોડી ગઈ.
‘હલો, કોણ આબાન છે? હા, હા હું શિરીન છું.’
‘શિરીન, પપ્પાની તબિયત એકદમ બગડી આવવાથી આજે સવારનાં હમોએ ડોકટરનાં હુકમથી એવણને હોસ્પિટલમાં શિફટ કીધા, પણ હમણાં એકદમ કેસ સિરિયસ થઈ જવાથી તુંને બોલાવેછ, કારણ ડોકટર કહેછ કે રાત નહીબી કાઢે.’
એ સાંભળી શિરીન વોર્ડન ગાફેલ બની જઈ મૂંગી ઉભી જ રહી કે સામી સાઈડેથી આબાન વોર્ડન ખીજવાઈ ગઈ.
‘શિરીન, તું સમજેછ કે? ત્યારે જવાબ આપની ઘસીને? પપ્પા, તું ને મલવા માગેછ તેથી ગમે તેમ કરીને જલ્દી આવ.’
‘પણ… પણ આબાન શું થઈ ગયું પપ્પાને?’
સાવધ થતાં શિરીન વોર્ડન પુકારી ઉઠી કે તેણીની બેને ઉતાવળમાં સમજાવી દીધું.
‘પપ્પાને હાર્ટ ડિઝીઝ હતું પણ એવણે કોઈનેજ તે જણાવ્યું નહીં ને ગેસ સમજીને ચલાવ્યા કીધું. પણ આજે સવારના ઘણો મોટો એટેક થઈ આયો, ને તેથી ડોકટરને બોલાવવા જપડયા ને પછી હમો એવણને હોસ્પિટલ લઈ ગયા, પણ પછીથી હાલત વધુ જ બગડતી ચાલી, ને તેથી શિરીન જલ્દી આવ.’
એમ કહી આબાન વોર્ડને ફોન મૂકી દીધો કે શિરીન પોતાનાં બન્ને હાથોમાં માથુ નાખી દઈ કકળી પડી.
ઓ ખુદા, મારા પપ્પાને શું થઈ ગયું? ઓ પપ્પા..ઓ પપ્પા.’
પછી તેણીએ ધસારાબંધ ઝરી જુહાક આગળ જઈ તે વિગત કહી નાખી કે તેવણે સધ્યારો આપી જણાવી દીધું.
‘એવી અકરાએછ ગરાએછ શાની? એ તો ડોકટરો બધી મોટી વાતો કરી ધ્રજાવી નાખે એમ તો મનેબી અવાર નવાર છાતીમાં પેન મારી આવેછ, ને હવે કરશેબી શું? છેલ્લી ગાડીબી ઉપડી ગઈ.’
કે એ સાંભળી શિરીન વોર્ડન વધુ જ ઉશ્કેરાઈ જઈ બોલી પડી.
કે એ સાંભળી શિરીન વોર્ડન વધુ જ ઉશ્કેરાઈ જઈ બોલી પડી.
‘નહીં, નહીં મને કંઈબી કરીને હમણાં જવું જ જોઈએ કારણ મારા પપ્પા… પપ્પાને પછી હું કયાં મલી શકશ.’
પછી તેણી પાછી ધસાધસ રડી પડી કે તેણીનાં હાલનાં દેખાવ પર ઝરી જુહાકને દયા આવી જઈ તેવણે અંતે સુચવી દીધું.
‘સૌથી પહેલાં તું ફિરોઝને બોલાવી મંગાવ. સાડા દસ વાગી ગયા પણ છે હજી કંઈ એ દુકાતનું ઠેકાણું. અરધી અરધી રાત વેર કલ્બોમાં ભટકે પછી કયાંથી એની તબિયત સારી રહે?
શિરીન વોર્ડને તરતજ જઈ તે જવાન પર ફોન કરી દીધો કે થોડીજ વારમાં ફિરોઝ ફ્રેઝરનો સાદ બીજે છેડેથી સંભળાઈ રહ્યો.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024