શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’

સેતારેશનાસોએ સેતારાની ચાલ જોઈ સામને ખુશીના સખુનો કહ્યા કે ‘રોદાબે અને જાલનું જોડું નામાંકિત નિવડશે અને તેઓથી જે ફરજંદ અવતરશે તે દુનિયામાં ઘણું નામ કાઢશે અને દુનિયામાંથી ઘણાં સંકટો ટાળશે. તે રૂમ અને હિંદુસ્તાન અને ઈરાનમાં કિર્તી મેળવશે.’ ત્યારે સામે જાલેજરના કાસદને આ પેગામ કહ્યો કે ‘જાલને કહે કે આવી પ્રકારની મહોબત ડહાપણભરી નહીં હતી પણ જ્યારે મેં તુંને વચન આપ્યું હતું ત્યારે તેથી હું પાછો ફરતો નથી. પણ હું હાલ તુરત શાહ મીનોચહેર આગળ જાઉં છું અને જોઉં કે તે પાદશાહ આ બાબતમાં શું ફરમાન આપે છે.’

પેલો કાસદ આ પેગામ લઈ ખુશ થતો જાલેજર આગળ ગયો તે જવાબ જાલે સાંભળી ખોદાતાલાના શુકરાના કીધા. તે રાતના ઉંઘાતો હતો નહીં અને દિવસના આશાએશ પામતો હતો નહીં તે નહીં શરાબ પીતો કે નહીં ખુશી ખુરમી કરતો. તેનું ધ્યાન રોદાબેમાં હતું અને તેણીનોજ વિચાર કરતો હતો.

હવે જાલેજર એક બાનુ જે તેની અને રોદાબે વચ્ચે પેગામ લઈ જતી હતી તેની પાસે રોદાબેને ખુશ પેગામ કહેવાડયો કે સામે સવારે તેઓના લગન માટે બહાલી આપી છે. આ ખુશ ખબર સાંભળી રોદાબેએ તે બાનુને રૂપાના સિકકાથી વધાવી લીધી અને તેણીની પાસે જાલેજર માટે પોષાક અને એક કિમતી વીટીની ભેટ મોકલી. હવે આ સઘળી બાબત રોદાબેએ હજુ પોતાની મા સીનેદોખ્તને કહી નહીં હતી. તેણી તે સઘળું જણાવવાની હતી, તેટલામાં પેલી બાંદી પોષાક અને વીટીની ભેટ લઈ બાહેર જતી સીનેદોખ્તે જોઈ તે બાંદીને અવારનવાર ગુપચુપ આવતી જતી તેણીએ કેટલી વાર જોઈ હતી. તે ઉપરથી આ વખતે તેણીની ઉપર સીનેદોખ્તને શક ગયો, અને આવજા કરવા માટે અને પેલા પોષાક અને વીટી વિગેરે માટે તેણીને અતિ ઘણી ધમકાવીને પૂછયું. તે બાંદીએ ઉડાવનારો ઘણોક જવાબ આપ્યો પણ સીનેદોખ્તની ખાતરી થઈ નહીં અને તેણીનું જુઠાણું પકડાઈ આવ્યું.

સીનેદોખ્ત રડતી આંખે પોતાની બેટીના ઓરડામાં ગઈ અને અંદરથી બારણું બંધ કરી ઘણાં દુ:ખી દિલે રોદાબેને કહ્યું, કે ‘તું કુટુંબનું સારૂં નામ બરબાદ કરવા બેઠી. માટે મને સઘળી ખરી વાત કહે, કે એ બાંદી કોણ છે? અને તું એની મારફતે કોણની ઉપર પોષાક અને વીટી ભેટ મોકલે છે? ‘રોદાબે પોતાની માતા આગળ ઘણી શર્મિન્દગી થઈ ગઈ અને આંખમાં આંસુ લાવી રડવા લાગી, અને પછી તેણીએ સઘળી ખરી હકીકત, અવલથી તે આખેર સુધી સામે બેઉનાં લગન માટે બહાલી આપી ત્યાં સુધી કહી. આ સઘળી હકીકત જાણી સીનેદોખ્ત પોતાનો ગુસ્સો ઘણીક હદે ભૂલી ગઈ, કારણ કે જો જાલેજર તેણીનો જમાઈ થાય, તો તે ઘણો નામાંકિત નર હતો, અને તેથી દલગીર થવાનું કારણ ન હતું. પણ એક વાતનો તેણીને ડર રહ્યો કે મીનોચહેરશાહ એ વાત જાણશે તો તે પસંદ કરશે નહીં અને કાબુલને તારાજ કરશે. એવી ચિંતામાં તે ઘણી ગમગીન દિલે બિછાને ગઈ.

(ક્રમશ)

About મરહુમ ડો. સર જમશેદજી જીવનજી મોદી

Leave a Reply

*