આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય છે. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે બાળક મનમાં બહુ હરખાય, મારા ખ્યાલ મુજબ હરખાયને બદલે ગભરાય શબ્દ હોવો જોઈએ. ફટાકડા ફોડવાથી તેમાંથી ગંધક, ફોસફરસ જેવા હાનિકારક પદાર્થો નીકળી આસપાસના વાતાવરણને પ્રદુષિત કરે છે જ્યારે આતશ પાદશાહ પર સુખડ, લોબાન મૂકવાથી વાતાવરણ શુધ્ધ બને છે. ફટાકડામાંથી નીકલતા પદાર્થો જમીન પર ફેલાઈ નુકસાન કરે છે. ફટાકડા માત્ર માનવી માટેજ નહી પણ પશુપંખીઓ માટે પણ ત્રાસરૂપ છે. અમારા સુરત શહેરમાં એક વરઘોડાની આગળ થોડે અંતરે કેટલાક ઉત્સાહીઓએ ફટાકડાની મોટી લૂમ ફોડી. ઘોડા પર બેઠેલા વરરાજાનો ઘોડો ચમકીને આગલા બે પગ ઉંચા કરી પાછલા બે પગ પર ઉભો થઈ ગયો અને વરરાજાની હાલત જોવાજેવી હતી.
લગ્નમાં નહીં પણ કોઈ ચૂંટણીમાં જીતે ત્યારે પણ તેના અકકલમઠા અનુયાયીઓ ફટાકડા ફોડી અકકલનું પ્રદર્શન કરે છે. ફટાકડા પાછળ પૈસા ખર્ચવાને બદલે શું મીઠાઈથી મોઢું મીઠું નહીં કરાવી શકાય? આપણે આતશ પરેશ્તોએ ફટાકડાથી સો ગાઉ દૂર રહેવું જોઈએ. પાક પરવરદેગાર સહુને સદબુધ્ધિ આપે એજ દુવા.
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025