દિવાળીનું બોનસ

જનક સવારથી જ શેઠના હિસાબો વ્યવસ્થિત કરવામાં પડયો હતો. આમ તો એસ્બેસ્ટોર્સની ફેકટરીના માલિક અને એના શેઠના જાત જાતના હિસાબો હતા. વેટની ઓફિસે રજૂ કરવાના હિસાબો સેન્ટ્રલ એકસાઈઝવાળાને બતાવવાના હિસાબો, ઈન્કમટેક્ષની ઓફિસે રજૂ કરવાના હિસાબો બેન્ક માટેના હિસાબો અને સાચા હિસાબો આ બધા પૈકી એને તો સાચા હિસાબોવાળું કામ જ આપવામાં આવેલું ને ચાર દિવસથી જનક સળંગ ઓફિસમાં પડયો પાથર્યો રહેવા છતાં હજી હિસાબો વ્યવસ્થિત કરીને શેઠને સોંપી દેવાનું એણે નકકી કરેલું ઘરેથી નેહાએ પણ એને વહેલા આવી જવાનું કહેલું મોડી સાંજે શેઠની લક્ષ્મીપૂજા પતી એ પછી એ શેઠ પાસે ગયો.

‘શેઠ,’ એણે ચોપડાનું પોટલું બતાવતા કહ્યું બધા ચોપડા વ્યવસ્થિત થઈ ગયા છે ને ગઈકાલની તારીખ સુધીની લેણદેણ એમાં આવી ગઈ છે હવે હું જાઉં છું. શેઠ, ‘ઉભો રહે જનક’ શેઠે ખિસ્સામાંથી કવર કાઢીને એને આપતા કહ્યું, ‘આ તારૂં બોનસ’ હવે પાંચમ સુધી જલસા કર અને કંઈ જરૂર પડે તો મને કહેજે. ઘેર આવી જજે અથવા ફોન કરજે. શેઠ જમનાદાસનો સ્વભાવ ખરેખર સારો હતો. ભલે વેપારમાં એ કાળા-ધોળા કરતા હતા, પણ એ ટેક્ષ બચાવીને વધારે કમાણી કરવાના આશયથી પણ કર્મચારીઓ પ્રત્યે ને એમની ફેકટરીમાં કામ કરતા વર્કરો સાથેનો એમનો વ્યવહાર હમેશા માણસાઈ ભરેલો રહેતો.

‘એક મિનિટ જનક’, શેઠે બારણા પાસે પહોંચવા આવેલા જનકને પાછો બોલાવ્યો, ‘આ પોટલું તો તું જાણે છે ને કે, સૌથી મહત્વનું છે!! તો એને સંભાળીને આપણી જગ્યાએ મૂકી દે.’ જનકે પોટલું ઉપાડયું ને ઓફિસ તરફ પગ ઉપાડયા. ઓફિસની બાજુનો રૂમ લગભગ ભંગાર રૂમ જેવો હતો. એ રૂમનું બારણું ખોલીને જનક પોટલું લઈને અંદર ગયો. અંદર જઈને એણે બારણું બંધ કર્યુ. એક બે ઘોડા ખસેડીને એણે નીચેની લાકડાની ફર્શના બે ત્રણ લાકડા ઉંચા કર્યા ને પોટલું ત્યાં મૂકીને લાકડા અને ઘોડા બરાબર ગોઠવીને એ રૂમની બહાર આવ્યો ને સીધો શેઠની ચેમ્બરમાં ગયો. એણે શેઠને કહ્યું બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે. ‘સરસ’ શેઠે કહ્યું, ‘તારા જેવો વિશ્ર્વાસુ માણસ મળ્યો છે એ મારા માટે સારૂં છે. લે આ બીજા દસ હજાર રૂપિયા તારી બૈરીને કપડા અપાવજે ને દિવાળીમાં બન્ને મઝા કરજો. પૈસા બોનસના કવરની સાથે ખિસ્સામાં મૂકીને જનક ઓફિસની બહાર આવ્યો. ઓફિસના મકાનની બહાર ફળિયું હતું ને સામે ફેકટરી હતી. ડાબી બાજુ પાર્કિંગ હતું ને જમણી બાજુ કેન્ટિન અને ટોઈલેટ હતા.

પાર્કિંગમાંથી પોતાનું જૂનું સ્કૂટર કાઢીને એણે ચાલુ કર્યુ ને મણિનગરના રોડ પર લીધું. વીસેક મિનિટમાં તો એ મણિનગરના ધનલક્ષ્મી સોસાયટીના પોતાના ફલેટ પર પહોંચી ગયો. ‘આવી ગયા?’ નેહાએ હસીને એના હાથમાંથી પાઉચ લઈ લેતાં કહ્યું તમે હાથ મોં ધોઈ લો, ત્યાં સુધીમાં ચા થઈ જશે. ‘નેહા’ જનકે ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેસતાં કહ્યું, ‘અહીં આવ તો? નેહા એની નજીક આવી એટલે જનકે ખિસ્સામાંથી દસ હજાર રૂપિયાની થોકડી એના હાથમાં થમાવી દીધી. ‘શાના પૈસા છે આ?’ નેહાએ આશ્ર્ચર્યથી કહ્યું ‘શેઠે બોનસ આપ્યું?’ ‘બોનસ તો ગાંડી એ દર દિવાળીએ આપે જ છે પણ આ તો ખુશ થઈને તારા કપડાં લેવા માટે શેઠે આપ્યા છે. સાવ ભોળી છે તું, ખોલી જો તો કેટલા છે મેં પણ જોયા નથી.’ નેહાએ કવર ખોલીને હજાર હજારની નોટો ગણવાની શરૂઆત કરી. નોટો ગણી રહ્યા પછી એણે આશ્ર્ચર્યથી જનક સામે જોયું. ‘આટલા બધા પૈસા? એણે પૂછયું કેટલા છે? જનકે પૂછયું, હજાર હજારની પચાસ નોટો છે. નેહાનું આશ્ર્ચર્ય હજી શમ્યું નહોતું એટલે કે પૂરા પચાસ હજાર રૂપિયા છે! જનકને પણ આશ્ર્ચર્ય થયું જો કે એને નેહા જેટલું આશ્ર્ચર્ય એટલા માટે ન થયું કે ગઈ સાલ પણ શેઠે દિવાળી પર એને ત્રીસ હજારનું બોનસ આપ્યું હતું.

આ તો શેઠિયા માણસ છે નેહા, જનકે ઉભા થતાં કહ્યું, એ રાજી થાય તો આપણી વફાદારીની કદર થાય જ. ચાલ હવે, ચહા બનાવી દે, પછી તારા માટે કપડાને મિઠાઈ ખરીદવા નીકળીએ ચહા પીને લગભગ વિસેક મિનિટમાં તો બન્ને મણિનગરની બજારમાં ખરીદી કરવા માટે નીકળી પડયા બજારમાં ભરચક ગરદી હતી. આખુ મણિનગર જાણે ખરીદી કરવા નીકળી પડયું હોય એવું લાગતું હતું. સૌથી પહેલાં એમણે તૈયાર કપડાંની દુકાને જવાનું નકકી કર્યુ. બન્ને માટે કપડાં ખરીદ્યા પછી બન્ને મિઠાઈ ખરીદવા માટે ગયા ‘નેહા’ જનકે કહ્યું, ‘આપણે આટલા પૈસા આવ્યા છે તો બહાર જમી લઈએ?’ આમ તો આપણે બહાર જમવા આવી શકતા નથી પણ.. ‘ના’ નેહાએ કહ્યું, ‘પૈસા આવ્યા છે એ ઉડાડી નાખવા માટે નથી. કાલે આપણે ત્યાં પણ સંતાન થશે એના ઉછેર માટે અત્યારથી બચત કરીશું તો કામ લાગશે ને? અને આજે તો ધનતરેસ છે. હું ઘરે જઈને દાળ, ભાત પૂરી શાક ને લાપસી બનાવી નાખીશ. તમે ત્યાં સુધી ટીવી જોજો. જનકે કમને સ્કૂટર મણિનગર સ્ટેશન પાસેથી એના ફલેટ તરફ લીધું નેહાની વાત સાચી હતી.  નેહાએ કરકસર કરી કરીને લગભગ દોઢેક લાખ રૂપિયા બચાવીને ફિક્ષ કરી નાખ્યા અને લગભગ એકાદ કલાકમાં તો બધી રસોઈ તૈયાર પણ થઈ ગઈ ‘ચાલો’ એણે જનક પાસે આવીને કહ્યું, ‘આપણે જમી લઈએ રસોઈ થઈ ગઈ છે ને બહાર જમવા ન ગયા એટલે તમને મારા પર ગુસ્સો તો નથી આવ્યો ને?’ ગાંડી, જનકે હસીને નેહાની પીઠ પર ધબ્બો મારતા કહયું, ‘તારા પર હું કદી ગુસ્સો થયો છું કે આજે થાઉ? તારી વાત સાચી જ હતી અને બીજું હોટેલ કરતા ય મને તારા હાથની રસોઈ વધારે ગમે છે.’ એકાદ કલાકમાં તો જમવાનું ને વાસણનું કામ પતી ગયું પછી બન્ને બેડરૂમના પલંગ પર ટીવી જોવા માટે ગોઠવાયા.

‘જનક’ નેહાએ કહ્યું, ‘સાચું કહેજે તારા શેઠ તને આટલું બધું બોનસ આપે છે તો એ કાંઈ દાણચોરી જેવા કાળા-ધોળા તો નથી કરતા ને? આપણે એમાં ફસાઈ તો નહીં જઈએ ને?’

‘તું બિલકુલ ચિંતા ન કર નેહા.’ જનકે એને બાથમાં લેતાં કહ્યું, ‘મારા શેઠ એવો કોઈ ધંધો નથી કરતા. અમને તો એરબેસ્ટોર્સની ફેકટરી છે હા, ટેક્ષ બચાવવા માટે ચોપડાની હેરાફેરી કરવી પડે, પણ એ તો બધા જ ધંધાવાળાઓને કરવી પડતી હોય છે એની જવાબદારી એમની હોય છે. આપણે એની સામે નિસ્બત ન હોય.’ તો તો સારૂં નેહાએ હસીને કહ્યું, ભગવાન તમારા શેઠને લાંબી ઉંમર આપે ને એમની ફેકટરી ધમધમતી રહે. આ તો તે આપણા માટે ભગવાન પાસે માગ્યું! હસીને જનક બોલ્યો, ‘એમ કહે કે શેઠનું સ્વાસ્થ્ય સારૂં રહે.’ ‘એ તો તમે બોલી લીધું.’ નેહાએ લાઈટની સ્વીચ બંધ કરતા કહ્યું, ‘હવે સૂઈ જઈએ, મને ઉંઘ આવે છે.’ ‘મને ખબર છે તને શાની ઉંઘ આવે છે! કહીને જનક એને વળગી પડયો.’

બીજા દિવસે કાળી ચૌદશ હતી અને પાંચમ સુધી તો જનકને રજા હતી. એટલે બન્ને સ્કૂટર લઈને હનુમાનજીના દર્શન કરવા ગયા. પાછા વળતા એમણે હાઈ-વે પરની એક સસ્તી હોટેલમાં જ જમી લીધું. ‘જનકભાઈ’ બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે શેઠનો ફોન આવ્યો.

થોડું કામ પડયું છે મને તાત્કાલિક ઓફિસે બોલાવ્યો છે. તમે જઈ આવો નેહાએ કહ્યું, ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી રાખું છું. આજે ટ્રાફિક નહોતો એટલે પંદર મિનિટમાં જ જનક એમની ઓફિસે પહોંચી ગયો. સ્કૂટર પાર્કિંગમાં મૂકીને એ શેઠની ચેમ્બરમાં ગયો. શેઠ ખુરશીમાં બેઠા હતા અને બીજા ચાર ઓફિસર જેવા લાગતા માણસો એમની સામે ખુરશી પર બેઠા હતા.

જનકે ત્રાસી નજરે જોઈ લીધું ટેબલપર ઈન્કમ ટેક્ષમાં બતાવવા માટેના ચોપડા પડયા હતા! એ સમજી ગયો કે, ઈન્કમ ટેક્ષના અધિકારીઓ જ આવ્યા લાગે છે. કદાચ રેડ પણ હોઈ શકે. તમે જ જનક મહેતા, બીજા ઓફિસરે પૂછયું. તમારા શેઠ અમને જે ચોપડા બતાવે છે એ તમે જ તૈયાર કરેલા છે. હા, સર જનકે કહ્યું મેં જ તૈયાર કરેલા છે અને બિલકુલ બરાબર છે, ‘બરાબર છે એ તો અમે જોઈ લીધું એક ઓફિસરે ઉભા થતાં કહ્યુ, તમે જરા બે મિનિટ મારી સાથે આવશો?’ જનકનો ખભો પકડીને એ ઓફિસની બહાર નીકળ્યો થોડે આગળ જઈને લોબીમાં એ ઉભો રહ્યો. મિ. જનક મહેતા ઓફિસરે કહ્યું અમારા માનવા મુજબ શેઠ બીજા પણ ચોપડા રાખે છે. ને એ સાચા છે. અમારી ગણતરી મુજબ એમની વાસ્તવિક પરિસ્થિતિમાં એમણે વિસેક કરોડ રૂપિયાની ટેક્ષચોરી કરીને પૈસા છુપાવ્યા છે તમે એમના બીજા ચોપડા વિશે જાણતા જ હશો. ખરૂંને? તો પછી મને કહી દો.

‘સાહેબ’ જનકે કહ્યું, આ બધા ચોપડા મેં જ તૈયાર કર્યા છે ને એ સિવાયના બીજા કોઈ ચોપડા તો નથી જ.

‘સાંભળો જનકભાઈ’ ઓફિસરે કહ્યું, ‘તમે મહેતા છો ને બ્રાહ્મણ હશો ને હું પણ બ્રાહ્મણ છું હું તમને તમને સાચો રસ્તો  બતાવી દો, તો હું તમને વિસ કરોડના દસ ટકા પ્રમાણે વીસ લાખ રૂપિયા ઈનામ અપાવીશ, એમાંથી બે લાખ તમે મને આપજો. બોલો શું કહો છો?’

એકાદ ક્ષણ માટે જનક સ્તબ્ધ થઈ ગયો. આટલી મોટી રકમ મળી જાય તો જિંદગી સુધરી જાય એવું એને લાગ્યું પણ તરત જ એને થયું કે આવા ઉદાર દિલના શેઠે પોતાના પર જ વિશ્ર્વાસ રાખ્યો છે. એ વીસ લાખથી વધારે છે.

‘શું કહો છો?’ ઓફિસરે પૂછયું

‘અરે સાહેબ,’ જનકે કહ્યું, ‘હું બ્રાહ્મણ છું એટલે ખોટું નહી બોલું પણ ચોપડા તમે જે જુઓ છો એજ છે.’ ઘણી લમણાઝીંક કરવા છતાંય જનક એની વાતને જ વળગી રહ્યો ને અંતે થાકીને ઓફિસર એને ઓફિસમાં લઈ ગયો. વીસેક મિનિટમાં તો ઓફિસરો રવાના પણ થઈ ગયા.

‘જનક’ શેઠે એનો હાથ પકડતા  કહ્યું, મેં તારા પર મૂકેલા વિશ્ર્વાસને તે સાચો પાડી બતાવ્યો છે. તમારી બધી વાતો મેં સાંભળી લીધી છે. હવે કંઈ રીતે સાંભળી એ ના પૂછતો. પણ લાભ પાંચમને તને એ લોકો જે ઈનામની લાલચ આપતા હતા ને તે મારા ખાતર એનો ત્યાગ કર્યો. એ રકમ વીસ લાખ રૂપિયા તને હું તારા ઘેર આવીને આપી જઈશ. હવે તું જા ને આનંદ કર. જનકને તો આ વાત સપના જેવી લાગી, એટલે એણે જમણા હાથથી ડાબા હાથ પર ચૂટી ખણી જોય ને એને દુ:ખયું પણ!!

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*