મારા બાળમંદિરના (ક્ધિડરગાર્ટન) માસ્તર ચુનીલાલ કંઈ લખ્યા કરતા, જાતે ભણાવે નહીં પણ એક વડો નિશાળિયો (મોનીટર) અમને ક કમલનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ, એમ બોલાવતો ત્યારે અમે એટલું બધું હસતા કે ચ ચકલીનો ચ આવે ત્યાં સુધી અમારૂં હસવાનું રોકાતું નહીં. ચાલો! ત્યારે હું તમને ચ વિશે ચર્ચા કરી તેની સાથે તમારી ઓળખાણ કરાવું.
‘ચ’ ગુજરાતી મુળાક્ષરોનો ઓગણીસમો અક્ષર. તે તાલુસ્થાની એટલે ગુજરાતીમાં ચ,છ,જ,ઝ તાલુ સ્થાની અક્ષરો છે. અંગ્રેજીમાં ‘એ ટુ ઝેડ’ બોલી જાવ પણ ‘ચ’ તો આવશે જ નહીં તો પછી ચોકલેટ કેમ ચુસાય? એટલે અંગ્રેજોએ ‘સી’ ની શાદી ‘એચ’ સાથે કરી ‘ચ’ બનાવ્યો અને પછી બીજી બૈરી ‘એક્ષ’ આપી સીકસ બનાવ્યો. ચાલો! ત્યારે ‘ચ’થી શરૂ થતા શબ્દોની ચકડોળમાં બેસાડી વાચકને ચકરડી ખવડાવું અને ચટપટી ચટણી ચખાડું. હવે ‘ચ’ ને જુદા જુદા સ્વરો લગાડી ભાતભાતના શબ્દો જોઈએ.
‘ચ’ ને કાનો લગાડો એટલે ચા બને. મોદીજીએ ચાને બહુ ચગાવી. તેમના કેટલાક પેટબળિયાઓને કહ્યું કે એ તો ચાવાળો હતો ત્યારે તેમને જવાબ આપી દીધો કે ભારત એક એવો દેશ છે કે જયાં એક ગરીબ ચાવાળો પણ ચીફ મીનીસ્ટર બની શકે છે. બધા ચુગલીખોરો ચાટ પડી ગયા. ‘ચા’ને બીજી ‘ચા’ સાથે જોડો તો કાકા બને અને બીજી ‘ચા’નો કાનો કાઢી નાખી ‘ઈ’ લગાડો તો કાકી બને અને ‘ચા’ને ‘હ’ લગાડો તો પ્રેમ ઉભરી આવે. ટાબરિયું સૌ પ્રથમ ચા..ચા કરતાં શીખે ત્યારે પણ માનું હૈયુ પ્રેમથી ઉભરાઈ જાય.
મારા બપાવા ચકલીને ચણ નાખતા ત્યારે ચારસો ચકલીઓ ચણ ચણવા ભેગી થઈ જતી જે દિલચશ્પ દ્રશ્ય મારા ચક્ષુપર આજે પણ ચોટેલું છે. કમ ભાગ્યે આજે ચકલી ચકલો તો શું પણ ચલ્લું પણ જોવા નથી મળતું. હા! જો તમે ચકલી (નળ) ખોલો તો પાણી નીકળે અથવા ચર કરીને હવા નીકળે. ચકલો (ચાર રસ્તા) એક એવી જગ્યા છે કે જ્યાં કાલીચૌદશને દિને લોકો ઉતાર મૂકી આવે.
તમે તમારા શ્રીમતીજીને જો કહો કે ચાલ આજે તીખ્ખી, ચમચમતી, તાજી ચા કર તો તે જરૂર ગુસ્સે ચડી કહેશે કે શું હું તમારી ચાકર છું? એક ચર્તુમાસિક ચોપાનિયા નામે ચિત્રેમિત્રે ‘ચોર કરીને ચોકલેટ ચાવે’ના ચોરાટિયા લેખ ચંદ્રકાંતને બદલે ચંડાલકાંત નામ છાપ્યું તે વાંચી એ બહુ ચિડાયો. ચૂપચાપ બેસી રહે ખરો?
ચોકીદારને બે પણ ચોરને ચાર ચક્ષુ હોય છે. ચાલાક ચોર ટોળામાં ભળી જઈ ‘ચોર! ચોર! પકડો’ કહી ચોરને (અર્થાત/પોતાને) પકડવા દોડે છે. ચીનનો શાહુકાર, ચીનીમીની ચાઉં ચાઉં અડધી રોટલી ખાઉં ખાઉં પણ આપણને ચીપ ચીજો પધરાવી ચીટ કરે છે. સાલો ચારસોચોવીસ, પણ ચીની વગરની ચા આપણને ચાલે નહી. લાલુ પણ ઢોરને ચાર ખવડાવવાને બદલે પોતે ચાવી ગયો. સારૂં કામ કરો તો ચારમાં પુછાય. ચાર દહાડાનું ચાંદરણું.
જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. એટલે શું? જે વ્યક્તિ ચોપડી વાંચે અર્થાત ખૂબ ભણે તે ચોપડી એટલે કે ચાર પડવાળી ચપાતી, ઘી ચોપડીને (લગાડીને’ ખાય. ટૂંકમાં જે બહુ ભણે તે બહુ કમાય. વાસ્તવમાં તો ભણેલા પણ ભૂખે મરે છે.)
બાબા રામદેવ ચટાઈ પર ચડી બધાને યોગાસન શીખવી રહ્યા હતા જેનું અનુકરણ ચંચલ ચંડિકા અને ચંપક ચાંપલો પણ કરી રહ્યા હતા. એકાએક ચંચલ ઉઠીને ચંપકને ચંપલે ચંપલે ચપેટવા લાગી. ‘મુવા મને આંખ મારે છે! લાજશરમ નથી આવતી?’
‘બહેનજી! બાબા પણ આસન કરતાં કરતાં એક ચક્ષુ બંધ કરે છે એટલે તેમનું અનુકરણ કરી હું પણ તેમ કરૂં છું. હું કંઈ આંખ મારતો નથી.
બાબા રામદેવ તો ચાલુ યુગના જુદી જુદી ચીજો બનાવી આપણને બનાવે પણ ચારસો વર્ષ પહેલા ચરક નામે પ્રસિધ્ધ ચિકિત્સક થઈ ગયો જેનાં ચૂરણો આજે પણ ચાલે છે. ચકલા પણ ચરક ચરક કર્યા કરે અને આપણે ચોખ્ખું કરવાનું.
હવે ચકડોળમાં બેઠા વગર મને ચકકર આવે છે એટલે હવે હું ‘ચ’ના ચેપ્ટર પર ચેકો મૂકુ છું.
(વાંચકને વિનંતી: આ ચવચવના મુરબ્બા જેવાં લેખમાં ‘ચ’થી શરૂ થતા કેટલા શબ્દો આવે છે તે ચકાસી મને જણાવવા વિનંતી પણ તેમ કરતાં તમને પણ ચકકર આવે તો મને ચપેટો ચોડશો નહીં.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024