બીકણ સસલીને માથે ચણીબોર પડયું અને એ ગભરાઈને ‘દોડો! દોડો!’ આકાશ તૂટી પડયું એમ બોલી ઝડપથી દોડવા લાગી અને એને જોઈ બીજાં પ્રાણીઓ પણ દોડવા લાગ્યા એવી જરીપુરાણી વાર્તા લખી હું મારા પ્રિય વાંચકોને બોર કરવા માગતો નથી. તમારી સમક્ષ એવી ‘સસલી’ની વાત કરવા માંગુ છું કે જે ઉસ્તાદો કા ઉસ્તાદ પહોંચેલ માયા અને ભલભલાંને ઉઠા ભણાવે તેવો હતો. જો કે તેનાં બહેસ્તી બપઈજી બાનુબઈએ એનું નામ પાડયું હતું બરજોર પણ તેના ઉભા અને તીણા કાન જોઈ લોકો તેને સસલીના નામથી ઓળખતા. ડંફાસમાં હીરો પણ ભણવામાં ઝીરો તે વટથી કહેતો કે કોઈ માસ્તરની તાકાત છે કે મને પાસ કરે! દર બે વર્ષે માંડ માંડ તેને ઉપલા ધોરણમાં પ્રમોશન મળતું.
હું થર્ડ સ્ટાન્ડર્ડમાં (આજનું સાતમું ધોરણ) હતો ત્યારે આ ભાઈ પણ મારા કલાસમાં સાથે હતા. શૈક્ષણિક વર્ષનો અંતિમ દિન હતો શનિવારનો સવારનો આઠ વાગ્યાનો સમય આખા વર્ષની મહેનતનું ફળ કે ચરી ખાવાનું ફળ આજે મળવાનું હતું. સદા હસમુખા એવા અમારા કલાસ ટીચર હસમુખલાલ રીઝલ્ટ શીટ હાથમાં લઈ પધાર્યા. બધાના દિલ લપૂકલપૂક થવા લાગ્યા. હોશિયા વિદ્યાર્થીઓને ડર હતો કે સારા માર્ક અને સારા નંબર આવશે કે નહીં? મધ્યમાર્ગીઓને થતું કે પાસ કે નાપાસ થઈશું? અને ચરી ખાધેલાઓને ડર હતો કે આજે બાપાના હાથનો ગરમ ગરમ મેથીપાક ખાવો પડશે.
સર એક પછી એક નામ પાસ નાપાસ બોલતા ગયા. છેલ્લે બોલાયું બરજોર નળવાળા નાપાસ. આ સાંભળી સસલી 440 વોલ્ટનો ઝાટકો લાગ્યો હોય તેમ પાટલી પરથી એકાએક ઉછળ્યો, આંખના ડોળા ચડી ગયા. મોંમાથી ફીણના પરપોટા ઉડયા, હાથપગ ધ્રુજવા લાગ્યા અને કંઈ અસ્પષ્ટ બડબડવા લાગ્યો અને બેન્ચ પર પછડાઈ ગયો. બધા ગભરાઈ ગયા. કોઈએ મોઢા પર પાણી છાંટયુ કોઈ એનાં શર્ટના બટન ખોલી પોતાના પાકા પૂઠાની નોટબૂકથી હવા નાખવા લાગ્યો. કોઈએ એને બેન્ચ પર સરખો સુવાડયો. હસમુખ સર પણ હબક ખાઈ ગયા. એક જણે તો પ્રિન્સીપાલ બેન્સન સાહેબને પણ બોલાવી લાવ્યો. થોડીવાર પછી એ જરા ભાનમાં આવ્યો એટલે મોટા સાહેબે પટાવાળા પાંડુરંગસાથે એને સાઈકલ પર બેસાડી એના ઘરે કે જે નજીકજ હતું ત્યાં રવાના કર્યો.
અંતે બધા વિખરાઈ ગયા પણ અમે ચારપાંચ જણ કલાસમાં બેસી ગપ્પા મારવા લાગ્યા ત્યારે એકે સજેસ્ટ કર્યુ કે આપણે સસલીના ઘરે એની તબિયત પૂછવા જઈએ. અમે એના ઘરે ગયા ત્યારે તે બિચારો ખુરશી પર ટાંટિયા ચડાવી તેને હાથથી ભીડાવી ગમગીન ચહેરે બેઠો હતો. સામે ટેબલ પર પોરો-રોટલી પડયા હતા. એમને જોઈ એનાં માયજી બોલ્યા ‘લે! બજી તારા દોસ્તારોબી આવી લાગા. મારો દીકરો કંઈ નાપાસ થાય એવો નહીં હતો પણ માસ્તરોએ ખાર રાખી એને નાપાસ કર્યો. કયારની હું એને પોરો ખાવાની જીદ્દ કરૂંચ પન ખાતો જ નથી. તમે લોકો એને સમજાવી પટાવી ખવડાવો.’ એટલું કહી માયજી રાંધણીમાં ખીચડી-પાટીયો રાંધવા ચાલી ગયા.
અમે એને તસલ્લી આપી તો કહેવા લાગ્યો ‘અરે યાર! મને કંઈ થયું નથી. એ તો બાવાએ આજે જુલાબ આપેલો કે ‘જો તું આજે નાપાસ થશે તો તારા ચામડાં ચીરી નાખસ અને ઘેરમાંથી બહાર કાઢી મુકસ’ એટલે મેં આવા ફિતુર ફાતુર કર્યા મને કંઈ થયું નથી. મારી હાલત જોઈ બાવા પણ ચૂપચાપ એમના નળના કારખાને ચાલ્યા ગયા. બધાને ઉલ્લુ બનાવ્યા.’ અમારે એને પોરો ખાવાની જીદ્દ કરવી પડી નહીં અને એ ચપચપ ચપોટી ગયો.
સમય સરકતો ચાલ્યો અને અમે બધા વયસ્ક થઈ ગયા. એક દિવસ ચૌટાબજારમાં મને તેનો મેળાપ થયો. તેના કાન પરથી મેં તેને તરત ઓળખી કાઢયો. તેની વિશે પૂછપરછ કરી તો કહ્યું, ‘અરે યાર! મારા પિત્તળ ખોપરીના બાવાએ તો મને બીજેજ દિવસથી નળના કારખાને બેસાડી દીધો. મને કમને જેમ તેમ બે વર્ષ કાઢયા પછી ખ્યાલ આવ્યો કે આટલી બધી મહેનત કરવા છતાં પણ કેમ ગાડું બરાબર ગબડતું નથી? અમે બૂચના વાઈસરવાળા અને પિત્તળના નળ બનાવતા જે ટૂંક સમયમાં વાઈસર સડી જતાં મે વિચાર કરી વાઈસર વગરના અને સ્ટીલના નળ મારા બાવાના વિરોધ છતાં બનાવવા માંડયા પછી આગળ જતા જાતજાતના નળ બનાવવા માંડયા અને નળના વેપારી અમારે ત્યાંથી જ નળ ખરીદવા લાગ્યા એટલે અમારૂં નળનું કારખાનું ધમધોકાર ચાલવા માંડયું અને અમારી આર્થિક સ્થિતિ સુધરી ગઈ.
સનોબર મારા સસલી જેવા કાન પર મોહી પડી. આજે મારો પાંચ વર્ષનો બેટો છે, છે તો બેટમજી પાંચજ વર્ષનો પણ એનાં લખ્ખણ એવાં છે કે આગળ જતાં એ એના બાપનો પણ બાપ બનશે.’
સારાંશ: કોઈ ભણવામાં ગમે તેટલો ભોટ, ભમરડો કે ઢબ્બુનો ઢ હોય પણ જો તે કારીગરી જાણતો હોય તો તે જીવનમાં દામ અને નામ કમાય છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024