કરામતી ઘોડો અને તેની વિચિત્ર કિંમત

પૂર્વ કાળમાં ઈરાનના એક પાદશાહનો એવો રિવાજ હતો કે તેના જન્મ દિવસે તે એક મોટો દરબાર દર વર્ષે ભરતો હતો. ત્યાં એક વર્ષમાં જે જે નવી નવી શોધો કોઈએ કરી હોય કે જે જે નવું કાંઈ કોઈએ પોતાની અકકલ હોશિયારીથી બનાવ્યું હોય તે બધાની તપાસ તે દિવસે તે દરબારીઓની વચ્ચે લેતો હતો. પછી બધા બુધ્ધિશાળી માણસોમાંથી કોઈને તેની તેસ્વી બુધ્ધિ માટે તો કોઈને તેની કંઈક નવી શોધખોળ માટે તો કોઈને તેની મગજશક્તિ માટે એમ દરેકને તેની જુદી જુદી કળા અને કરામત માટે તે પાદશાહ ઈનામો આપતો હતો. હાલના ઝમાનામાં જેમ આપણે જુદી જુદી કળા અને કૌશલ્યના નમુનાઓનાં પ્રદર્શનો ભરી દરેક ઉત્તમ બનાવટ માટે ઈનામો, ચાંદો, પ્રમાણપત્રો વિગેરે એનાયત કરીએ છીએ તેવીજ રીતે તે ઈરાનનો બાદશાહ પણ હુન્નરકળાની કદર કરતો અને બુધ્ધિમાન માણસોને ઉત્તેજન આપતો હતો.

આ પાદશાહ આવી જાતની દરબાર પોતાના રાજ્યનાં મુખ્ય મોટાં શહેર શિરાઝમાં ભરતો હતો. ત્યાં દેશદેશના ઉત્તમ કારીગરો આવતા હતા અને પોતાની કારીગરીના નમુનાનાઓ પાદશાહના જન્મદિવસની મોટી દરબારમાં બતાવતા હતા.

એ વખતે ઈરાનના શાહે આવી દરબાર ભરી સર્વે બનાવટોનું પ્રદર્શન જોયું. પછી તેનું બધું કામ ખલાસ કરી તે નામવર જ્યારે દરબારમાંથી ઉઠતા હતા ત્યારે કોઈ પરદેશી માણસ, એક સાજ સજેલો લગામ નાખેલો બનાવટી ઘોડો પાદશાહના તખ્ત નજદીક લઈ આવી બહુજ નમનતાઈથી સલામ કરી ઉભો રહ્યો.

તે ઘોડો જો કે બનાવટી હતો છતાં, આબાદ જાણે ખરો ઘોડો હોય તેવો તે સૌની નજરે દેખાતો હતો. એવી તો સુંદર તેની બનાવટ હતી કે કોઈબી થાપ ખાઈ જાય! તે ઘોડો લઈ આવનાર માણસ હિન્દુસ્તાનનો વતની હતો. તેણે પાદશાહને ઘણીજ અદબથી ફરી સલામ કરી કહ્યું, ‘નામવર શહેનશાહ, આપે આજે ઘણી કરામતો જોઈ છે, પણ કોઈબી કરામત મારા આ બનાવટી કરામતી ઘોડાને પહોંચે તેવી નહીં હોય એની હું ખાત્રી આપું છું.’

બાદશાહે કહ્યં, ‘ખરેખર ત્યારે ઘોડો તો આબાદસાચા ઘોડા જેવો લાગે છે, તેમાં જરાય શક નથી. પણ કોઈબી ઉસ્તાદ કારીગર જરૂર તેનાથી ચઢીયાતો નહીં તો તેના જેવોજ ઘોડો સહેજે બનાવી શકે.’

પેલા ઘોડાના કારીગરે કહ્યું, ‘હા નામદાર, આપની વાત ખરી છે. પણ આ કરામતી ઘોડો માત્ર જોવા માટે નથી. તેની બીજી એક મોટી ખૂબી છે. માટેજ હું તે અહીં આપને દેખાડવા લાવ્યો છું. આ ઘોડામાં એક એવી કળા મૂકેલી છે કે તે ઘોડા પર ઝટ ઉડી શકાય અને જીવ ચહાય ત્યાં જલદી જઈ શકાય તેમ છે. અને બીજી કલ ફેરવતાં જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી શકાય તેમ છે.’

બાદશાહ તો આ વાત સાંભળી ઘણોજ અજબ થયો. તેમણે કારીગરને કહ્યું કે ‘આવી વાત માનવા પડેલાં મારે તેનો પ્રત્યક્ષ પુરાવો જોઈએ.’

આ શબ્દો સાંભળતાંજ, પેલો કારીગર ઘોડા ઉપર કૂદી ચઢી બેઠો. અને પછી પાદશાહને અર્ઝ કરી કે ‘હુકમ આપો કયાં જઈ પાછો આવું.’

બાદશાહે હસીને આંગળી દેખાડી કહ્યું, ‘જો પેલો પહાડ તે દસેક માઈલ અહીંથી દૂર છે. તો તું ત્યાં જઈ, ત્યાંના એક ઝાડની ડાળી લઈ અહીં તુરત પાછો ફરે, તો મારી ખાત્રી થાય કે તું કહે છે તે વાત સાચી છે.’ જેવો આપ નામદારનો હુકમ’ એમબોલી, પેલા હિન્દીવાને તે ઘોડાની ગરદનમાં એક છૂપી કલ હતી તે દાબી. તુરત તે ઘોડો ઉડયો! અને પલકવારમાં તો ઉંચે આકાશમાં ચઢયો!! પછી તે અદ્રશ્ય પણ થઈ ગયો!!

પાએક કલાકમાં તો તે ઘોડો પાછો ફર્યો! પેલો કારીગર તે ઘોડા ઉપરથી ઉતર્યો!! અને પાદશાહના પગ આગળ તે પહાડ પરના એક જાણીતા ઝાડની ડાળી તેણે મૂકી!!

પછી તુરત પાછો તે ઘોડો ઉપર કૂદી ચઢી બેઠો અને બધાની અજાયબી વચ્ચે તેણે ઘણી જાતના પ્રયોગો પેલા કરામતી ઘોડા ઉપર કરી બતાવ્યા. તે જોઈ સૌ દંગ થઈ ગયા અને ‘વાહ વાહ’ ‘આફ્રિન, આફ્રિન’ બોલવા લાગ્યા!

બાદશાહ પણ તે ઘોડાની ખૂબીઓ જોઈ ઘણો જ અચંબો પામ્યો. અને તે ઘોડાની અજબ કરામત શક્તિ તથા કળા જોઈ, તે ઘણોજ ખુશ થયો. તે ઘોડો પોતાની પાસે રાખવાનું તેને મન થયું.

બાદશાહે તે હિન્દીવાનને કહ્યું, ‘હું ખરેખર તારા ઘોડાની હુન્નરમંદી જોઈ બહુ જ ખુશી થયો છું. આ કરામતી ઘોડો જો તારે વેચવો હોય તો હું તેની કિંમત આપી ખરીદવા તૈયાર છું.’

તે માણસે કહ્યું, ‘નામદાર બાદશાહ આ ઘોડો તેના બનાવનાર પાસેથી મે મારી દીકરી તેને લગ્નમાં આપી લીધો છે. કોઈને વેચવો નહીં. તેથી મારે તો આ કરામતી ઘોડો મારે મનગમતી કોઈ અમુલ્ય ચીજ લઈ તેના બદલામાં આપી દેવાનો છે. પૈસા લઈ આપવાનો નથી.’

શહેનશાહે કહ્યું, ‘આ દેશનો હું પાદશાહ છું. મારા રાજ્યમાં ઘણી ફળદ્રુપ જમીનો છે. તું માગે તે ભાગનો હું તને રાજા બનાવું, કે જેથી તું જીવે ત્યાં સુધી સુખચેનથી રહી શકે.’

સૌ દરબારીઓએ તે કરામતી ઘોડા માટે આવી મોટી કિંમત આપવી ખરેખર યોગ્ય ધારી. તે હિન્દુસ્તાનનો વતની બોલ્યો, ઝહાંપનાહ મારે તો માત્ર એકજ માગણી કરવાની છે. આપ તે સ્વિકારો તો તેના બદલામાં આપ નામદારને આ કરામતી ઘોડો આપવા તૈયાર છું. તે માગણી એટલીજ કે આપની શાહઝાદીના લગ્ન મારી સાથે થાય.’

(વધુ આવતા અંકે)

Leave a Reply

*