રોશન ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ 14મી ફેબ્રુઆરી હતી. બધાં પતિ-પત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી હતી. પોતાના પતિ માટે સરસ મઝાની ભેટ ખરીદી હતી. કોઈકે કફલિંગ્સ તો કોઈએ સૂટનું કાપડ, સરસ મઝાનું સ્પ્રે ખરીદ્યું હતું. જ્યારે કૈઝાદને તો ફુરસદજ નહોતી?
ફેસબુક પર પેલી ચાંપલી રશનાએતો એના પતિ એને ડાયમંડ નેકલેસ પહેરાવતો હોય તેવો ફોટો મૂકયો હતો. ફેસબુક પરના ધણીઓના પોતાની ધણીયાઓ સાથેના ફોટા જોઈ રશનાને ખૂબ ગુસ્સો ચઢયો. પેલી કાશ્મિરાના ધણીએ પહેલાં એક ગુલાબનું ફૂલ આપ્યું અને પછી ગુલાબનો આખો બુકે આપ્યો નીચે કમેન્ટમાં લખ્યું હતું મારી વહાલી કાશ્મિરાને લગ્નના સાલગ્રેહની પ્યાર ભરી વીશીશો.
કેટલીયે બહેનપણીઓ હોટેલમાં વેલેન્ટાઈન નિમિત્તે રૂમ પણ બુક કર્યા હતા. તો કોઈ ફોરેન ટૂરની ટિકીટો પણ લઈ આવ્યા હતા. પણ રશનાનો ધણી કૈઝાદ એવો નહોતો પણ તે ઘણો શાંત હતો હમેશા બીજાની મદદ કરવા તત્પર રહેતો. પણ રશનાને એમ લાગતું કે તેનો ધણી તેને પ્રેમ જ નથી કરતો. કૈઝાદને તો એ પણ યાદ ન હતું કે આજે 14મી ફેબ્રુઆરી છે.
રોશને અરેન્જ મેરેજ કર્યા હતા. એને લાગતું હતું કે એની બહેનપણીઓ જેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા તેઓ તેના કરતા વધુ સુખી હતી તેમના ધણીઓ તેમનું ખાસ ધ્યાન રાખતા હતા. જયારે કૈઝાદ ભલો કે એનું લેપટોપ અને એની નોકરી ભલી. શું કૈઝાદ પહેલાથી એવો હશે? જોકે લગ્નનાં બે વર્ષ પતવા આવ્યા પણ હજુ સુધી એણે મને ક્યારેય કહ્યું નથી કે, ‘આઈ લવ યૂ ડાર્લિંગ!’
જ્યારે મારી બહેનપણીઓના પતિ તો ઘરની બહાર નીકળતી વખતે પણ કહેશે કે, ‘આઈ મિસ યૂ ડાર્લિંગ’. ભલે ને એ સાંજે પાછા આવતા હોય. એકબીજા માટે આંખોમાં કેટકેટલો પ્રેમ છલકતો હોય છે? અને જ્યારે મેં નવો ડ્રેસ લીધો કે મેં ક્યારે સાડી પહેરી એ પણ એને જોવાનો સમય નથી? માબાપે માત્ર કૈઝાદનું ભણતર જ જોયું અને સારૂં કમાઈ પોતાની ફેમિલીનું ધ્યાન રાખી શકે તેટલું જ જોયું ખરેખર જે જોવાનું હતું એ તો જોયું જ નહીં. કૈઝાદ સાથે લગ્ન કરી રોશનને પછતાવો થતો હતો.
રોશન અને તેની સહેલીઓએ ત્રણ દિવસ પીકનીક જવાનું નકકી કર્યુ. નીકળીતી વખતે દરેકના ધણીઓ બસ ઊપડતાં સુધી ઊભા રહેલા જ્યારે કૈઝાદ રોશનને મૂકીને જતો રહ્યો એવું કહીને કે, મારે ઓફિસ જવાનું મોડું થશે. અને પૈસા તારે જોઈએ એટલા લઈ જા. તારી પાસે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું જ છે એ જોઈ લેજે. છતાંય તને કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. તારી તબિયત સાચવજે.
કૈઝાદ જતો રહ્યો પણ દરેક સહેલીઓના ધણીઓ બસ ઊપડતાં સુધી ઊભા રહ્યા હતા. રોશનને કૈઝાદનું બસ ઊપડતાં પહેલાં જતા રહેવું ગમ્યું ન હતું. બસ ઊપડ્યા બાદ કલાક પછી તો બધી સહેલીઓના મોબાઈલ રણકતા રહ્યા. સિવાય કે રોશનનો.
બીજે દિવસે સવારે બધાં આગલા દિવસનો આનંદ વાગોળી રહ્યાં હતાં. બધાં ખુશ હતાં. ત્યાં જ એમની બસ એક ટ્રક સાથે અથડાઈ. બધાંને નાનીમોટી ઈજાઓ થઈ હતી. બધાંનાં સગાંઓને ખબર કરવામાં આવી. પરંતુ કૈઝાદ સૌથી પહેલાં હાજર થઈ ગયો. બધાંને મદદ પણ કરી. બધાં સુરત પોતાને ઘેર જ જવા ઈચ્છતાં હતાં. બધાંના સગા આવતાં પહેલાં જ કૈઝાદે બધાંને પાછાં સુરત લઈ જવાની વ્યવસ્થા કરી દીધી હતી.
જોકે રોશનને પણ ઘણો જ માર વાગ્યો હતો તેથી ડોક્ટરે કહ્યું કે દવાઓ, આરામ અને શેક કરવાથી અઠવાડિયામાં સારૂં થઈ જશે. રોશનની બીજી સહેલીઓને તો ઘણોજ માર વાગ્યો હતો અમુકના હાથપગમાં ફ્રેકચર પણ આવ્યું હતું. રોશન ઘેર આવી ત્યારે કૈઝાદેએ કહી દીધું કે, તું વલસાડ પોતાને પિયર જવાને બદલે અહીં જ આરામ કરજે હું તારૂં ધ્યાન રાખીશ.
ત્યાર બાદ રોશને જોયું કે કૈઝાદ ગરમ પાણીની બેગ તૈયાર કરતો હતો. પાણી ઠંડું થાય કે તરત બીજું ગરમ પાણી થેલીમાં ભરી આપતો.
જોકે રોશને કહેલું કે, મારે પિયરથી કોઈને બોલાવી લો. પરંતુ કૈઝાદ કહેતો, ભલે એ તારાં પિયરિયાં હોય, પરંતુ બીજાના અહેસાન જેટલા ઓછા લો તેટલું સારૂં. રહી વાત રસોઈની, તો બાજુના કાકી ઘરગથ્થુ ટિફિન બનાવે છે. આપણે કહીએ તે બનાવી આપે છે. રોશનમાં દલીલ કરવાના હોશ જ નહોતી એના દુખાવાએ તો એની બોલતી જ બંધ કરી નાખી હતી. રોશનને કહેવાનું મન તો થયું કે તમે આખો દિવસ ઓફિસમાં જશો તો મારી પાસે કોણ? પણ આવા સંજોગોમાં કંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું.
પરંતુ રોશને જોયું કે સાત દિવસ સુધી કૈઝાદે તેને પથારીમાંથી ઊઠવા દીધી ન હતી. કદાચ એની સગી મા પણ ના કરે એટલી ચાકરી કૈઝાદે કરી હતી એટલું જ નહીં પણ કૈઝાદ જે ક્યારેય ઓફિસમાંથી રજા લેતો ન હતો એ અઠવાડિયાથી રજા ઉપર હતો અને રોશનની ખડે પગે ચાકરી કરતો હતો. નિયમિત દવા આપવી. ગરમ પાણીની કોથળીથી શેક કરવો. અરે ક્યારેક તો એ જેવું આવડે એવું માથું પણ ઓળી આપતો. કૈઝાદે સાત દિવસ દરમિયાન રોશનની સહેલીઓની પણ ફોન પર ખબર પૂછી હતી. રોશનને ધણીનો પ્રેમ અને દવાઓથી જલદી સારૂં થઈ ગયું હતું. પરંતુ સાત દિવસમાં રોશન સૂતાં સૂતાં કંટાળી ગઈ હતી. પરંતુ લગ્ન બાદ પહેલી વાર સાત દિવસ સુધી સતત ધણીનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. રોશન ખૂબ જ ખુશ હતી. રોશનને સારૂં થયું એટલે કૈઝાદે કહ્યું, ‘હજી પણ બીજા ત્રણ દિવસ હું રજા ઉપર છું એ દરમિયાન તારી બધી સહેલીઓને આપણે મળી આવીશું તને પણ સારૂં લાગશે.
રશનાના મોઢાની આસપાસ ટાંકા લીધા હતા. એટલે એને તો બોલવાની પણ તકલીફ હતી. સૌપ્રથમ રશનાને ત્યાં ગયા હતા તેના મોં પર સોજો હતો. ડોક્ટરે કહ્યું કે સોજો ઊતર્યા પછી પણ આ બધા ઘા દેખાયા કરશે. રશના કદરૂપી થઈ ગઈ હતી. ઘરમાં એનો ધણી હાજર ન હતો. એની મમ્મી આવી હતી એ એવું જ કહેતી હતી કે ‘એનાં પપ્પાને અગવડ પડે છે અને આમ પણ મને દીકરીના ઘરે રહેવું ગમતું નથી અને જમાઈનો આગ્રહ હતો કે એમને રજા મળે એવું નથી તો તમે અહીં આવીને રહો. હવે તો જમાઈ પણ મોડા જ ઘેર આવે છે.’
એની એ બીજી સહેલી જેના પગમાં ફ્રેકચર હતું. એનો ધણી ધંધાના કામમાં બહારગામ હતો અને તે કહેતી દિવસમાં માંડ એક વાર તેને તેનો ધણી ફોન કરતો હતો અને તે પણ ઔપચારિક લાગે તેવી વાત કરી તરત ફોન મૂકી દેતો હતો.
જ્યારે એની સહેલી ખુશનમનો પતિ ઘેર જ હતો. એ જોઈ રોશને આનંદ થયો. મનમાં થયું કે ખુશનમ ને તો એના ધણીની હૂંફ હશે જ. એ તો એના ધણીની ખૂબ વહાલી ધણીયાણી હતી. રોશન અને કૈઝાદને જોતાં જ ખુશનમ ખુશ થઈ ગઈ. ખુશનમને હાથે ફ્રેક્ચર હતું તે ઉદાસ થઈ ખુરશી પર બેસી રહી હતી. રોશનને જોતાં જ એ બોલી ઊઠી, સારું થયું તું આવી ગઈ. આજે તો તું મને સરસ માથું ઓળી આપ. માથે ગૂંચો પણ થઈ ગઈ હશે. નોકરબાઈ રજા ઉપર છે. ટિફિન તો બંધાવેલું છે પણ મને ખૂબ તકલીફ પડે છે.
રોશનને થયું કે એ જ્યારે બીમાર હતી ત્યારે એના પતિએ એનું માથું પણ ઓળી આપેલું. રોશને કહ્યું કે, તમને આ બધું ના આવડે ત્યારે કૈઝાદે કહેલું કે જો હું એમબીએ અને પીએચ.ડી. કરી શકું તો એક માથું ના ઓળી શકું? માથું તને કામવાળી ભલે ઓળી આપતી હોય, પણ હું કામવાળી કરતાં ઘણો હોશિયાર છું. કારણ આપણી કામવાળી એમબીએ કે પીએચ.ડી. નથી. ત્યારબાદ તો રોશન પણ હસી પડી હતી કૈઝાદના પ્રેમને જોઈ એની અડધી બીમારી ભાગી ગઈ હતી. એક ખુશનમનો ધણી હતો જેને ખુશનમે કેટલી બધી વાર કહ્યું કે, રોશન અને કૈઝાદને પાણી આપો પરંતુ તેણે જાણે કંઈ સાંભળ્યું જ નહોય તેમ કર્યુ અને પોતાનો મોબાઈલ જોઈ કંઈ હસ્યા કરતો હતો. રોશને કહ્યું તું તકલીફ નહી લે અમે કંઈ મહેમાન થોડા છીએ?
રોશનને પહેલીવાર બીજા કરતા પોતાના ધણી માટે ગર્વ થયો.
એની જિંદગીનો બધો અભાવ જતો રહ્યો હતો. સોનાનો હાર કે ગુલાબનો બુકે આપી કે મોંઘી હોટેલોમાં જઈ, વેલેન્ટાઈન ડેની ઉજવણી કરનારને કે પત્નીને આઈ લવ યૂ કે આઈ મિસ યૂ કહેવાની જરૂર સાચા પ્રેમીઓને નથી હોતી.
રોશનને થયું કે એ પણ ફેસબુક પર ધણી એને કોળિયા ભરાવે છે, શેકની કોથળીથી શેક કરી આપે છે, એનું માથું ઓળી આપે છે એવા ફોટા મૂકે. પણ હવે એને દેખાડો કરવાની જરૂર જ ક્યાં હતી? અત્યાર સુધી કૈઝાદ નીરસ છે એવું કહેનાર રોશન બદલાઈ ગઈ હતી. કારણ એ સમજી ચૂકી હતી કે એના ઘરમાં ત્રણસો પાંસઠે દિવસ ‘વેલેન્ટાઈન ડે’ જ છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025