જ્યારે જવાન સોહરાબ તુર્કસ્તાનના પાદશાહ અફરાસીઆબના લશ્કરની કુમક સાથે ઈરાન ઉપર હુમલો કરવા નીકળ્યો ત્યારે કુચ કરતો તે ઈરાનની સરહદ ઉપર આવી પહોંચ્યો હતો. તે સરહદ ઉપર દઝે સફીદ નામનો કીલ્લો હતો. સરહદના અમલદાર તરીકે હજીર નામનો સરદાર તે કિલ્લાનો નેગેહબાન હતો. તે કિલ્લામાં ગસ્તહમ નામનો જાણીતો ઈરાની સરદાર પણ વડા અમલદાર તરીકે હતો અને તેની સાથે તેની જવાન, નામની ઉઠાવનાર, બહાદુર, ગોર્દઆફ્રીદ નામની બેટી હતી. જ્યારે સોહરાબ તે સરહદપર કિલ્લાની નજદીક આવી પહોંચ્યો, ત્યારે પેહેલવાન હજીર તેને આગળ કુચ કરતો અટકાવવા તેની સામે ગયો અને પોકાર મારી પૂછયું કે ‘આ લશ્કર કોણનું છે? અને કોણ લડાઈ કરવા ચાહે છે?’ સોહરાબ આવો પોકાર સાંભળી તેની સામે જંગના મેદાનમાં આવ્યો, અને હજીર સાથે હાથોહાથ લડાઈ કરી તેને બંદીવાન પકડયો અને પોતાની છાવણીમાં લઈ ગયો. હવે પેલી બાજુ, કિલ્લામાં જ્યારે ગસ્તહમને હજીર કેદ પકડાવાની અને બહાદુર સોહરાબની લડાઈના મેદાનમાંની કાબેલયતની ખબર પડી, ત્યારે સઘળાઓમાં હોહા થઈ રહી. જ્યારે બહાદુર ગોર્દઆફ્રીદને સરદાર હજીર બંદ પડવાની ખબર પડી, ત્યારે તેણી ઘણી દિલગીર થઈ અને અફસોસ કરવા લાગી. તેણી એક ઓરત હતી, પણ તે છતાં બહાદુર અને નામની ઉઠાવનાર હતી, તેથી જ તેનું નામ ગોર્દઆફ્રીદ એટલે ‘પહેલવાન તરીકે જન્મેલી’ હતી. હજીરના કેદ પકડાવાથી તેણી એવી તો મનમાં લજવાવા લાગી કે તેણીનો ગુલાબના ફુલ જેવો સુંદર ચહેરો ફીકકો મારી ગયો. તેણીએ તરત એક લડવૈયા મરદ તરીકેનો પોષાક પહેર્યો, તેણીએ બખ્તર તળે પોતાના માથાના લાંબા વાળ છુપાવ્યા અને માથા ઉપર રૂમી કોલાહ પહેરીને તેણી એક સિંહની માફક કિલ્લામાંથી બહાર આવી. તેણીએ કમર પર કમરબંદ બાંધ્યો અને એક ઘોડા ઉપર સવાર થઈ. તેણી સોહરાબના લશ્કરની છાવણીની સામે આવી પોકારવા લાગી કે ‘તમારા પહેલવાનો કોણ છે. અને તમારો સરદાર કોણ છે? તમારા લડવૈયાઓમાંથી એવો લડાયક મરદ કોણ છે કે જે મારી સાથે એક દલેેર મગરમચ્છ માફક લડાઈ અજમાવે?’ જ્યારે દલેર સોહરાબે તેણીને જોઈ ત્યારે તેને હસવું આવ્યું અને તે બોલ્યો કે ‘મારા જેવા શમશીર અને જોરના માલેકની જાળમાં ફસવાને વળી એક બીજું ગોરખપર આવ્યું છે.’ એમ બોલી તેણે લડાઈનું બખ્તર પહેર્યુ, માથે કોલાહ પેહરી અને ગોર્દઆફ્રીદની સામે આવ્યો તેણીએ કમાન હાથમાં ધરીને તે ઉપર ચિલ્લો ચઢાવ્યો અને એવી તો ઝડપથી તીરો ફેંકવા લાગી કે કોઈ પણ પક્ષી તેણીની આગળથી સલામત પસાર થઈ જાય નહીં.
(વધુ આવતા અંકે)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024