તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી.
આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર કરવા માંડયા કે શું કરવું?
પણ આહમદે હિંમત આપી કહ્યું કે ‘મારી પાસે આ સફરજન છે તે જો શાહજાદીને સુંઘાડીએ તો, તેની બધી બીમારી જાય તેમ છે. સવાલ એ છે કે આપણે શાહજાદીથી બહુ દૂર છીએ, એટલે ત્યાં જઈશું કેમ?’
હુસેને કહ્યું, ‘ચાલો મારા ગાલીચા પર આપણે હમણાંજ ત્યાં જઈ પહોંચીએ.’
તેઓ ત્રણે ગાલીચાપર બેઠા, અને પલકવારમાં શાહજાદીના મહેલમાં આવી પહોંચ્યા. આહમદે જતાં વેંતજ શાહજાદીને સફરજન સુંઘાડયુ. બધાની અજાયબી વચ્ચે બહુ માંદી અને મરવા પડેલી શાહજાદી એકદમ હોશિયાર થઈ, આનંદથી બધાની સાથે હસવા બોલવા લાગી.
શાહજાદાઓ આવ્યાની સાથે, શાહજાદીની બીમારી દૂર થવાની વાત તુરત જ સુલતાનને પહોંચાડવામાં આવી. સુલતાન તો એકી સાસે, પોતાના બેટાઓને મળવા આવ્યો, અને તેમને ભેટી પડી. શાહજાદીને બિલકુલ તંદુરસ્ત થયેલી જોઈ, ખુશી ખુશી થઈ ગયો. પછી તેણે શાહજાદાઓ પાસેથી આવેલી બધી નવાઈભરી ચીજો જોઈ, પોતાની ખુશાલી જાહેર કરી.
શાહજાદાઓએ હવે ધીમે ધીમે રહીને વાત છેડી કે શાહજાદીની શાદી અમારા ત્રણમાંથી કોની સાથે કરવા ચાહો છો, તે સુલતાને ત્યાંજ હવે નકકી કરી દેવું.
સુલતાન બહુ વિચારમાં પડી ગયો. થોડીવાર પછી ત્રણે શાહજાદાઓને કહ્યું, ‘જુઓ તમે ત્રણે જણ, એક એકથી ચઢે તેવી નવાઈ જેવી ચીજો લાવ્યા છો. તેથી તમે ત્રણે સાથે એક સરખા લાયક ઠર્યા છો. કેમ કે, જો હાથીદાંતની નળીવાળી દૂરબીન અલિ પાસે ન હોત તો, તમે શાહજાદીને સાજી કરવા આહમદ પાસે સફરજન ન હોત તો તમે શાહજાદીને જીવતી કેમ કરી શકતે? અને કદાચ તે સફરજન સુંઘાડવા તમે ઈચ્છા પણ કરત તો હુસેનના ગાલીચાની મદદ વગર તમે અહીં બરાબર વખતસર શાહજાદીનો જાન બચાવવા આવી પણ કેમ શકતે? માટે તમે ત્રણે એક સરખા લાયક ઠરવાથી તમારા ત્રણેની ફરી પરીક્ષા લેવી પડશે. તેમાં જે પહેલો આવશે તેનાં લગ્ન શાહજાદી સાથે કરી આપીશ.’
કહો હવેની પરીક્ષામાં પહેલો કોણ આવશે? અને શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024