સોદાબે, જ્યારે પોતાની આ યુક્તિમાં નિષ્ફળ થઈ ત્યારે તેણીએ સ્યાવક્ષપર કિનો લેવાનો બીજો રસ્તો શોધ્યો. તેણીએ પોતાના મહેલની એક ઓરત, જેણી હમેલવંતી થઈ હતી. તેણીને પોતાના વિશ્ર્વાસમાં લીધી અને ઘણી લાલચ આપી અને કહ્યું, કે તારે પેટે ફરજંદ અવતરે તેને મારી નાખવા દેજે. એમ તેણીની સાથે ગોઠવણ કરીને પોતે હમેલદાર હોય, તેમ ઢોંગ કર્યા. થોડાક મહિનાબાદ પેલી ઓરતે જોડકાં બચ્ચાંને જન્મ આપ્યો ત્યારે તે બચ્ચાંઓને મારી નાખી, સોદાબે પોતે બિછાના પર સુતી અને ઢોંગ કરવા લાગી કે એ બચ્ચાઓને મે જન્મ આપ્યો છે. સ્યાવક્ષે આવી મારી ઉપર જાસ્તી કીધી, તેથી આ બચ્ચાંઓ મુએલાજ જનમ્યા છે. એવું ગુલબાન ઉઠાવી તેણીએ ઢોંગ કર્યો. પાદશાહ તેણીના મહેલમાં આવ્યો. તેણે આ બાબતમાં દાનવોની સલાહ શોધી. તેઓએ ખાત્રી આપી કે આ કોઈ પાદશાહી બુનના ફરજંદો નથી પણ કોઈનાં ફરજંદો છે. પાદશાહે તે બચ્ચાંઓની ખરી માતાને શોધી કઢાવી અને તેણીને ઘણી સમજાવી કે ખરી વાત કબૂલ કરી દે. પણ તેણીએ તેમ કર્યુ નહીં. ત્યારે બહારગામના બીજા દાનાવોને આ બાબતમાં સલાહ આપવા બોલાવ્યા. તેઓએ કહ્યું કે પાદશાહે પોતાનો શક દૂર કરવા આતશની બળતી ચેહમાંથી પસાર થઈ પોતાનું નિર્દોષપણું દેખાડવા કહ્યું. તેણીએ કહ્યું કે મેં તો આ બચ્ચાં તારી સનમુખ રજૂ કરી મારી સાબેતી હાજર કીધી છે. હવે સ્યાવક્ષનું કામ છે કે તે પોતાનું નિર્દોષપણું દેખાડે. ત્યારે પાદશાહે સ્યાવક્ષને કહ્યું કે ‘તું આ બાબતમાં શું કહે છે? સ્યાવક્ષે કહ્યું કે આવી તાનાજાણી અને શરમભર્યા બોહતાનની હાલતમાં રહેવા કરતા આતશના ડુંગર પરથી પસાર થઈ મરવાનું હું પસંદ કરૂ છું.
પછી આતશની ગંજાવર ચેહ સળગાવવામાં આવી. લોકો ભેગા મળ્યા અને તેઓ સ્યાવક્ષ માટે રડવા લાગ્યા કે એ બિચારો આતશમાં ફોકટનો બળી જશે. સઘળાઓની અજાયબી વચ્ચે સ્યાવક્ષ પોતાનો ઘોડો દપટાવતો તે બળતી ચેહમાંથી સલામત પસાર થઈ ગયો. સઘળાઓએ આફ્ીન અને મુબારકબાદીના પોકારો કર્યા અને તેને વધાવી લીધો. કૌસે તેને ગોદમાં દાબ્યો અને તેનાં નિર્દોષપણાથી સંતોષ પામી સોદાબેને પોતા પાસે બોલાવી તેણીને મારી નાખવા કાઢી તેણીએ હજી પોતાના બચાવમાં સ્યાવક્ષ ઉપર આળ મુકવાનું ચાલુ રાખ્યું કે ‘એ તો જાદુઈના જોરથી આતશની ચેહમાંથી સલામત પસાર થયો છે. પાદશાહે જલ્લાદોને ફરમાવ્યું કે તેણીને ફાસી દે પણ છેવટના વખતે સ્યાવક્ષ વચમાં પડયો અને માંગી લીધું કે પાદશાહે તેણીને માફ કરવું કે હવે તેણી પોતાની ચાલ સુધારશે. તે ઉપરથી પાદશાહે તેણીને માફ કર્યુ.
આ વાતનો એમ અંત આવ્યો. તોપણ સ્યાવક્ષ પોતાની સાવકી માતાની પોતા તરફની વર્તણુંકથી અને પોતાના પિતાએ તેની તરફ દેખાડેલી શકમંદ ચાલથી મનમાં દિલગીર હતો તે ઘરથી કંટાળેલો હતો. એવામાં અફ્રાસીઆબે ઈરાન સામે લડવાની તૈયારી કીધી. તેનો લાભ લઈ કંટાળેલો સ્યાવક્ષ તે લડાઈ પર જવા નીકળ્યો. તેણે લડાઈમાં અફ્રાસીઆબને હાર આપી, પણ છેવટે તેની સાથે સુલેહ કરી તે સુલેહની ખબર કૌસને પડી, ત્યારે તેણે લડાઈ ચાલુ રાખવી. સ્યાવક્ષેે સુલેહનું વચન તોડવાને પસંદ કર્યુ નહીં. હવે જો તે ઈરાન પાછો ફરે તો શાહ કૌસ તેના ઉપર ગુસ્સે થાય, તેથી તેણે તુરાનમાં અફ્રાસીયાબની દરબારમાં રહેવાનું પસંદ કીધું. ત્યાં અફ્રાસીયાબના ભાઈ કસરેવઝે તેની અદેખાઈ કરી અફ્રાસીયાબને જુઠું સમજાવી તેને મારી નખાવ્યો. જેહાન પહેલવાન રૂસ્તમને જ્યારે આ વાતની ખબર થઈ, ત્યારે તે શાહ કૌસ ઉપર ગુસ્સે યો. તેણે કહ્યું કે સાવકી માતા સોદાબેના દુ:ખથી કંટાળી સ્યાવક્ષને તુરાન રહેવું પડયું અને છેવટે ત્યાં માર્યો ગયો, તેથી સઘળો વાંક સોદાબેનો છે. એમ કહી તેણીના મહેલમાં જઈ તેણે તેણીને મારી નાખી.
(સમાપ્ત)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025