સ્વર્ગ જેવું મંદિર

ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…!

હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી.

‘સ્વર્ગનુ મંદિર’ ગેમ મોબાઇલમાં ડાઉનલોડ થતાંની સાથે ખુશરૂની તમામ માહિતી માંગી લીધી અને ખુશરૂની જિંદગી તથા તેનો મોબાઇલ બન્ને આપોઆપ ‘સ્વગેનું મંદિર’ ગેમનાં અંકુશમાં આવી ગયા.

આ ગેમ કોઇ સામાન્ય ગેમ નહોતી, તેના નિયમો સખ્ત હતા. કોઇપણ પ્લેયરને અધવચ્ચે ગેમની બહાર નીકળવાની છૂટ નહોતી.

‘સ્વગેનું મંદિર’ ગેમનાં બે રૂલ ખૂબ મહત્વના હતા.

  1. દરરોજ સવારે 4 વાગે દિવસનો એક દાવ મળતો જે માત્ર દસ મિનિટ જ ડિસ્પલે પર દેખાય.
  2. રાત્રે 11 વાગ્યા સુધીમાં તે દાવ પુરો કરી તેના જણાવ્યા મુજબના ફોટો કે વિડિયો અપલોડ કરવા.

ખુશરૂએ તેમાંથી પાંચ લેવલવાળી ગેમ સિલેક્ટ કરી અને તેની જિંદગીની એક રોમાંચક સફર શરૂ થઇ.

ખુશરૂ મોબાઇલનો વ્યસની સાથે આળસુ અને બેજવાબદાર પણ ખરો…!

તેને ઘરની કે પરિવારની ક્યારેય લેશમાત્ર પરવા નહોતી.

ઓફીસ દસ વાગ્યાની એટલે ઉઠે આઠ વાગ્યે…! અને રવિવારે તો જમવા ટાઇમે જ ઉઠવાનું.. રાત્રે મોડે સુધી ગેમ જ રમવાનો તેનો સ્વભાવ. પણ ‘સ્વર્ગનું મંદિર’એ ગેમ માટે તે ખાસ અલાર્મ મુકી રવિવાર હોવા છતાં સવારે વહેલો ઉઠી ગયો.

ખુશરૂ  માટે પહેલો દાવ  હતો ‘આજે એક દિવસ માટે તમારી પત્ની જે કામ કરે છે તે તમામ કામ કરવાના, અને સવાર સાંજ જમવાનું બનાવી પત્નીને જમાડવી અને તેના ફોટા અપલોડ કરવા અને તમારી પત્નીને દસ વાર ‘હું તને ચાહું છું’ કહેતો વિડિયો અપલોડ કરવો.’

દસ મિનીટ પછી તે દાવ  આપોઆપ ગાયબ થઇ ગયો..

ખુશરૂને પહેલો જ દાવ પેચીદો લાગ્યો. કારણ કે આ ગેમમાં કોઇ ડિસ્પ્લે પરની ગેમ નહોતી આ તો જિંદગીની ગેમ હતી.

ખુશરૂ અને તેની પત્નીને છેલ્લા કેટલાક વર્ષથી વધુ પડતા કામકાજ ને કારણે અબોલા જેવી જ જિંદગી હતી. ખુશરૂની મોબાઇલની લતનાં કારણે અને દોસ્તો સાથે રાત્રે બેસી રહેવાની આદતને કારણે પેરિન અનેકવાર ઝઘડતી પણ ખુશરૂ ક્યારેય ધ્યાન ન આપતો.

‘સ્વર્ગનું મંદિર’એ ગેમનો પહેલો દાવ  પુરો કરવા ખુશરૂએ જીવનમાં પહેલીવાર રવિવારની સવારે ઘરકામ શરૂ કર્યું.

ઘરના કચરાં-પોતાં, વાસણ વગેરે કામ પેરિન ઉઠે તે પહેલાં જ કરી નાંખ્યા અને દરેકનો સેલ્ફી લઇ લીધો. ઘરમાં રોજ આટલો કચરો હોય છે તે ખુશરૂને પહેલીવાર ખબર પડી.

પેરિન ઉઠી તે પહેલા ઘર તો સરસ સજાવીને તૈયાર હતું. પેરિન માની નહોતી શકતી કે ખુશરૂ આ કામ કરી શકે છે. પછી તો તે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું ખુશરૂએ જ બનાવ્યું અને પત્નીને પ્રેમથી જમાડી અને સાંજે દસ વાર ‘હું તને ચાહું છું’ કહેતો વિડીયો પણ ઉતારી સમયથી પહેલાં અપલોડ કરી દીધો.

રાત સુધીમાં ખુશરૂ થાકી ગયો હતો. પેરિને તે રાતે  ખુશરૂના પગ દબાવ્યાં.

અને એક દિવસમાં તેમનું દાંપત્યજીવન પલટાઇ ગયું.

‘તમે કેટલા સારાં છો, ખુશરૂ..!’ પેરિનને આજે વર્ષો પહેલાનો ખુશરૂ ફરી મળ્યો હોય તેમ લાગ્યું અને તે રાતે તે બન્નએ ઘણાં સમય પછી મન મુકીને વાતો કરી.

‘ખરેખર, પેરિન હું માનતો હતો કે ઘરકામ તો સાવ સામાન્ય છે, પણ ઓફીસ કરતાં ઘરનું કામ વધુ મહેનતવાળું અને ચોક્સાઇવાળું છે તેનો આજે અહેસાસ થયો, ‘આઇ લવ યુ, પેરિન’ ખુશરૂ રાત્રે પેરિનને ખરા દિલથી કહ્યું હતું.

‘તમે આજે કેટલા વર્ષો પછી મને ‘આઇ લવ યુ’ કહ્યું…!’ પેરિનની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

‘મને માફ કરી દે…! તને નહોતો સમજી શક્યો પણ આજે સ્ત્રી બની કામ કર્યુ તો ખ્યાલ આવ્યો કે પત્ની તરીકેની જવાબદારી પણ ઘણી મોટી છે…! ખુશરૂએ તેના બન્ને હાથને પોતાની હથેળીમાં દબાવી પોતાના વર્ષોથી દાંમ્પત્યજીવનમાં પડેલી તિરાડોને પુરી દીધી.

પહેલા દિવસે જ ‘સ્વર્ગના મહેલે’ ખુશરૂના જીવનને બદલી નાખ્યું.

બીજા દિવસ સોમવાર સવારે ચાર વાગે ખુશરૂને બીજો દાવ  મળ્યો, ‘ખુશરૂ,  તારા દિકરા દેલઝાદને તું હોસ્ટેલમાં મુકી આવ્યો છે, આજે હોસ્ટેલમાં જઇને એક કલાક તેની પાસે બેસ અને તેના ફોટા અપલોડ કર.’ ખુશરૂ માટે આ ટાસ્ક અઘરો નહોતો. સાંજે ઓફીસનું કામ પતાવી દીકરા દેલઝાદની હોસ્ટેલમાં ગયો.

‘દેલઝાદ તારા ડેડી તને મળવા આવ્યાં છે.’ પ્યુને દેલઝાદના રૂમ પાસે જઇને બુમ પાડી. અને સાવ નીચું જોઇને દેલઝાદ તેના પપ્પા પાસે આવ્યો. તે સૂનમૂન હતો. બન્ને ઓફીસમાં બેઠા. ખુશરૂએ પુછ્યું, ‘કેમ દેલુ ચુપ છે?’ ‘કાંઇ નહી…!’ દેલઝાદે ટુંકમા જવાબ આપ્યો.

‘અહીં ફાવે છે ને?’ પણ, દેલઝાદ ચૂપ હતો. ખુશરૂએ તેના મોબાઇલમાં દીકરા દેલઝાદ સાથેના ફોટા લઇ લીધાં પછી ખુશરૂએ ફરી કહ્યું, ‘બેટા, આ તો શહેરની સૌથી મોંઘી સ્કુલ છે અને અહીં તો આપણાં ઘર કરતાં પણ સારી જમવાની અને ભણવાની સગવડ છે, અને અહીં તારું પરિણામ પણ સુધરશે’

દેલઝાદે ધીરેથી જવાબ આપ્યો, ‘પપ્પા તમને ખબર છે, ઇતિહાસમાં એવું ભણવામાં આવે છે કે જો કોઇ ભૂલ કરે તો તેને કાળાપાણીની સજા થાય, જો કે છોકરા પરિણામ નબળું લાવે તો હોસ્ટેલમાં રહેવાની સજા કરવામાં આવે તે હવે પછીના ભવિષ્યમાં જરૂર લખાશે. પપ્પા, મારે મોંઘી સ્કુલ નહી મારા મમ્મી-પપ્પા જોઇએ છે, સ્વાદિષ્ટ મિષ્ઠાન્ન નહી મમ્મીનાં હાથનું જમવાનું  જોઇએ છે…..!’ અને નાનકડો દીકરો પોતાના આંસુઓને દબાવી પોતાના રૂમમાં દોડી ગયો.

ખુશરૂ તેના પગલાંની નાની નાની છાપ પર એકીટશે જોઇ રહ્યો. ચોથા ધોરણમાં રીઝલ્ટ ઓછું આવ્યું તો તે રાતે ધમકાવીને પરાણે તેનું હોસ્ટેલમાં એડમિશન કરાવી દીધું હતું. તે બાબતે પેરિન અનેકવાર ઝઘડી હતી પણ ખુશરૂ પેરિનની કોઇ વાત માનવા તૈયાર નહોતો અને દીકરાને હોસ્ટેલ મુકી આવેલો.

પણ આજે દેલઝાદની વાત સાંભળી ખુશરૂ ખળભળી ગયો. પોતે બેજવાબદાર પિતા હતો તેની સજા દીકરાને મળી છે તેનો અહેસાસ થયો.

ખુશરૂ તે ફોટા અપલોડ કરી તેનો બીજો દાવ પુરો કરી દીધો, પણ હવે તેની આંખો ભરાઇ આવી.

તે રાતે જ દેલઝાદનું હોસ્ટેલનું એડમિશન કેન્સલ કરાવી દીકરાને પોતાની સાથે ઘરે લઇ આવ્યો.

દેલઝાદને ઘરે પાછો આવેલો જોઇ પેરિન તો તેને વળગી પડી.

બે દિવસમાં ખુશરૂમાં આવેલા સુખદ પરિવર્તનથી પેરિન ખુશ હતી.

ત્રીજા દિવસનો દાવ પરાશર માટે સહેજ અઘરો હતો, ‘તમારા સૌથી અપ્રિય વ્યક્તિને જમવા માટે બોલાવો અને તેની માફી માંગતો વિડિયો અપલોડ કરો.’ સવારે જ પોતાના ન ગમતાં વ્યક્તિને યાદ કરવો તે ખુશરૂને ન ગમ્યું. પણ હવે ત્રીજું લેવલ પણ પાર કર્યે જ છૂટકો હતો.

સૌથી અપ્રિય વ્યક્તિ એટલે ઝુબિન. ઓફિસમાં તેનો જુનિયર ઝુબિન અત્યારે તેનો સિનિયર મેનેજર બની ગયો હતો. ખુશરૂની મોબાઇલની આદતોને કારણે ઝુબિન તેને ઘણીવાર નોટીસ પણ આપી દેતો. ખુશરૂ ઝુબિનને ભારોભાર નફરત કરતો પણ આજે તેને જ જમવા માટે આમંત્રણ આપવાનું હતું.

ઓફીસમાં ઝુબિનને સાંજે જમવા માટેનું આમંત્રણ આપ્યું. જો કે ઝુબિન માટે પણ તે આંચકા સમાન હતું. અને હોટલમાં બન્ને એકલા ભેગા થયા. ભોજન પીરસાઇ ગયું.

ખુશરૂએ ધીરેથી મન મક્કમ કરી ઝુબિનની સામે જોઇને કહ્યું, ‘ઝુબિન, આપણે અનેક વખત ઝઘડ્યા છીએ. હું મારી બધી ભૂલોને સ્વીકારૂ છું અને માફી માંગુ છું.’ ખુશરૂએ તેનો વિડિયો કેપ્ચર કરી લીધો.

પોતા માટે ખુશરૂ માફી માંગે તે વાત ઝુબિનના માન્યામાં ન આવે તેવી ઘટના હતી. તેણે પણ ખુશરૂનો હાથ પકડી કહ્યું, ‘માફી માંગવી અને માફી આપવી તે બન્ને અહુરા મઝદાને પસંદ છે. હું તને ક્યારેય નફરત નથી કરતો પણ તારી કામ પ્રત્યેની આળસ, બેદરકારીપણું અને આ મોબાઇલની લતથી આપણી વચ્ચે વૈચારીક સમસ્યાઓ સર્જાય હતી. જે આજે પૂરી થાય છે.

આમ મોબાઈલની લતને કારણે ખુશરૂ સુધરી ગયો. તેણે મોબાઈલનો ઉપયોગ ખપ પુરતો જ કરવાનું નકકી કર્યુ અને બાકીનો સમય તે પોતાના કુટુંબને આપવા લાગ્યો.

About બહેરામજી માદન

Leave a Reply

*