‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ ઘણા ઓછા ગવાતા ગીતોનો રસથાળ રજૂ કર્યો હતો. એમના સાથી કલાકારોમાં એક અન્ય જાણીતા કલાકાર ભાઈ જમશેદ કોટવાલે પણ સુંદર ગીતો ગાઈને પ્રેક્ષકોને રીજવ્યા હતા. અન્ય ગાયકોમાં વિજય પિઠવા, ચંદ્રકાંત સોલંકી અને  રચના વર્તકે એમના સુરિલા અવાજે સર્વેના દિલ જીતી લીધા હતા. ભાઈ રૂઝબેહ પટેલે એમની અનોખી શૈલીમાં દરેક ગીતો વિશેની જાણકારી આપવા ઉપરાંત એમના મનોહર કંઠે ગીતો ગાઈ સર્વેની પ્રસંશા મેળવી હતી.

ભાઈ વિરાફે ગીતોની પસંદગી બાખુબી કરી હતી. ખાસ કરીને એમને પોતે ગાએલા ગીતો દાદ માંગી લે તેવા હતા. એમને યોડલિંગમાં પારસી કિશોર કુમાર કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં કહેવાય. દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તે ખરેજ એમના ધણીયાણી જેસ્મીને એમને સાથ અને સહકાર આપીને પુરવાર કર્યુ છે. વિરાફના કાર્યક્રમોને સફળ બનાવવા માટે સાઉન્ડ સીસ્ટમ સંભાળવાની જોખમદારી ખૂબ જ ચોકસાઈથી તેઓ નીભાવે છે.

આખરે મનને પ્રફુલિત કરે, આનંદ આપે એવી સાંજ પસાર કર્યા પછી સર્વે પોતપોતાના ઘરે સીધાવ્યા. એજ આશા લઈને કે ભાઈ વિરાફ દારૂવાલા સંગીત જગતમાં આગળ વધતા રહે અને એવા અનેક કાર્યક્રમો રજૂ કરતા રહે. આમીન!

Leave a Reply

*