શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

પણ એક નવુંજ કોતક તેની નજરે પડયું. એકાએક તે મહેલને લગતો એક છુપો દરવાજો ઉઘડી ગયો અને તે રસ્તેથી આશરે વીસ સ્ત્રીઓ નિકળી આવી. તેઓની વચમાં સુલતાના પોતે હતી. જે બાંદીઓ સુલતાના સાતે હતી તેઓએ પોતાના મોઢાં ઉપરનો બુરખો ઉઠાવી લીધો તથા જે મોટા ઝભા પહેરેલો હતા તે તેઓએ કાઢી નાખ્યા. શાહ ઝેનાન જોઈ અચરત થયો કે તેઓમાં દસ ગુલામો હતા અને તેઓ દરેકેે એકેક સ્ત્રી પસંદ કરી લીધી. સુલતાના પોતાના હાથની તાળી વગાડી મશૌદ! મશૌદ! એ રીતે પોકાર કરવા લાગી. તેજ વેળા એક ગુલામ તેની આગળ દોડી આવ્યો અને તેઓ ત્યાં સર્વે એક બીજા સાથે છુટથી વાતચીત અને ગમત કરવા લાગ્યા!
શાહ ઝેનાને આ કૌતુક જોયું ત્યારે બોલવા લાગ્યો કે મે મારા મનમાં વિચાર્યુ હતું કે મારા સરખો કમબખ્ત બીજો કોઈ હશે નહીં પણ આ હિસાબે તો મને એમ વિચારવાને કાંઈ પુરતો સબબ રહેતો નથી કારણ દુનિયાજ પાપમાં ગિરફતાર છે’ પછી તેને પોતાના દિલમાંથી ગમગીની કાઢી નાખી. તેને પ્રથમની પેઠે ખાવા પીવા માંડયું અને ઘણોજ સારો સ્વભાવ અખત્યાર કીધો અને જ્યારે સુલતાન વિશકાર કરી પાછો ફર્યો ત્યારે તે પોતાના ભાઈને હસ્તે મુખે એસ્તેકબાલ લેવા ગયો.
સુલતાન પોતાના ભાઈને ખુશ જોઈને ઘણોજ રાજી થયો અને કહેવા લાગ્યો કે ફ્યારા બીરાદર હું જોતો આવ્યો છું કે જે દિવસથી તમે મારી દરબારમાં આવ્યા છો તે દિવસથી ઉદાસીથી તમે હેરાન છો પણ હાલ હું તમને ઘણાજ ખુશ મિજાજમાં જોઉં છું. તેથી મને કહો કે તમો પહેલા એટલા ઉદાસ કેમ હતા અને હા ખુશ મિજાજમાં છો તેનું કારણ શું?’
એ ઉપરથી તે સમરકંદનો શાહ કેટલો વખત સુધી મોટા વિચારમાં પડયો કે પોતાના બીરાદરને કયા પ્રકારનો જવાબ આપવો પણ અંતે તેણે આ મુજબ જવાબ આપ્યો કે ‘પ્યારા બિરાદર તમને મને જવાબ આપવો પડશે. હું કોઈબી બાહનું બતાવી મુંગો રહેનાર નથી. તેણે વિચાર કર્યો કે ભાઈને ખુલાસો આપીશ તો તેનું દિલ જરૂર દુ:ખી થશે. પણ જ્યારે તેણે જોયું કે તેના ભાઈની જીંદની સામે તે થઈ શકતો નથી ત્યારે સમરકંદની રાણીની દગલબાજીની સર્વે હકીકત તેની આગળ તેણે કહી સંભળાવી અને બોલ્યો કે મારા દિલમાં જે ગમે મુકામ કીધો હતો તે આ સબબથી હતો તેથી પ્યારા બીરાદર તમેજ વિચાર કરો કે ગમગીન રહેવાને મારી પાસે પુરતો સબબ હતો કે નહીં? એટલું બોલી તે પાછો ખામોશ રહ્યો.
પણ શાહ શેહરીયાર આટલા ખુલાસાથી સંતોષ પામ્યો નહીં અને બોલ્યો તમારી ગમગીનીનું મૂળ તો મેં જાણ્યું પણ તે ગમગીની એકાએક કેમ જતી રહી તેનો સબબ જાણવાનો હું ઘણો આતુર છું માટે પ્યારા બીરાદર કાંઈબી બાબત છુપાવ્યા વગર તમો પૂરતો ખુલાશો કરશો એવી મને આશા છે.
(ક્રમશ)

Leave a Reply

*