જ્યાં સુધી દિવસનું અજવાળું રહ્યું ત્યાં સુધી તેઓએ મુસાફરી ચાલુ રાખી અને પહેલી રાતના કોઈ ઝાડ તળે ગુજારી અને બીજે દિવસે બામદાદે પાછી મુસાફરી શરૂ કરી અને અંતે સમુદ્રને કિનારે એક મોટા અને ખુલા મેદાનમાં તેઓ આવી પહોંચ્યા અને આશાએશ લેવા સારૂં એક જબરદસ્ત ઝાડને નીચે વાસો કીધો.
થોડાવારમાં તેઓએ એક ભયંકર અવાજ સાંભળ્યો દરિયાવ ફાટયો અને તેમાંથી એક મોટો કાળો થાંભલો નીકળી આવ્યો આસ્તે આસ્તે તે એટલો તો ઉપર ચડવા લાગ્યો કે તે ગોયા આસમાનને લાગ્યો. આ અજાયબ જેવો દેખાવ જોઈ તેઓ ભયમાં પડયા તેથી એક મોટા દરખત ઉપર ચઢી ગયા અને તેના બહોળા વિસ્તારવાળા ઝાડમાં પાંદડાની અંદર ભરાઈ બેઠા તે કાળો થંભ દરિયાવ કિનારે આવવા લાગ્યો અને તેમાંથી એક શીહા રંગનો જરબદસ્ત જીન બહાર નીકળી આવ્યો, જે ઘણાજ બુલંદ કદનો હતો તે તેના માથા પર એક મોટી બીલોરી સંદુક લાવ્યો હતો તેને લોખંડના ચાર તાળા દીધેલા હતા. તે જીન મેદાનમાં આવ્યો અને જે દરખત ઉપર બન્ને પાદશાહો ચઢી બેસેલા હતા તે દરખત નીચે તેને પેલી સંદુક ઉતારી પછી તે જીને પોતાના પટામાંથી રાખેલી ચાર ચાવીઓ ખેંચી કાઢી અને તેથી પેલી સંદુકને ખોલી અને તેમાંથી એક ઘણાજ સુંદર સ્વરૂપ તથા ભપકાદાર પોશાકવાલી ઓરતને બહાર કાઢી! તે જીન તેણીને કહેવા લાગો કે ‘મારી પ્યારી માશુક’તું જેટલી મને પ્યારી છે તેટલી પ્યારી આ દુનિયામાં બીજી કોઈ ચીજ નથી. મારા પ્યારથી દીવાનો થઈને તને હું તારા લગ્નને દિવસે જ તારા લગ્નની મિજલસમાંથી તને ઉપાડી લાવ્યો છું તેથી તું મારી ઉપર ખફા ના રહે પણ મારા પ્યારને તારો પ્યાર નવાજી મને સુખી કર. મારી પ્યારી તારા નાજુક ખોળા ઉપર મારૂં માથું મુકીને મને સુવા ગમે છે માટે મારૂં માથું તારા ખોળામાં મુક કે હું ખુશાલ ઉંઘી જાઉં.’ પછી પેલી ઓરતના ખોળા પર પોતાનું જબરદસ્ત માથું મૂકી તે જીન ઉંઘમાં પડયો. જેવો તે જીન ભર ઉંઘમાં પડયો કે તે ઓરતે આસપાસ પોતાની નજર ફેરવવા માંડી કે કોઈબી મરદ તે તરફ નજર પડે છે કે નહીં. જેવી તેણીની નજર પેલા બુલંદ દરખત તરફ પહોંચી કે તેણી ત્યાં ચઢી બેઠેલા બન્ને શાહને જોયા તેણીએ તેઓને તુરત નીચે ઉતરી આવવાને પ્યાર ભરી ઈશારત કીદી પણ તેઓ પેલા જીનથી એટલા તો ડરતા હતા કે તેઓએ નીચે ઉતરવાને સાફ ના પાડી! આ જોઈ તે ઓરતે તેઓને ઈશારતમાંજ કહયું કે મુંગા નીચે ઉતરી પડો નહીં તો આ જીનને હું જગાડીશ અને તે ઉઠયો તો તમારો જાન લીધા વગર રહેનાર નથી! તે બાદશાહ બીરાદરો નીચે ઉતરી આવ્યા. પેલી ઓરતે તે બન્ને સાથે ગમત કરવા માંડી, જે પોતાની મરજી વિરૂધ્ધ તેઓએ પેલા જીનની ધાસ્તીને લીધે કીધી. ત્યાર પછી તે બેશરમ ઓરતે પોતાની પાસેથી વીટીઓનો એક મોટો ઝુમખો બહાર કાઢયો અને તેઓને બતાવી કહ્યું કે ‘સઘળી મળીને આ અઠ્ઠાણુ વીટીં છે. હવે તમો તમારી બે વીટી મને આપો કે બરોબર તેની ગણતરી સોની થાય. (ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024