શેહરાજાદીએ જવાબ દીધો કે પેદર અગર જો હું મારા વિચારને વળગી રેવા માંગુ તો તમોએ તમારા મનમાં બુરૂ લાવવું નહીં. તે સ્ત્રીની વાર્તાથી હું મારા ઠરાવથી જરા પણ હાલતી નથી, કારણ કે તે સ્ત્રીએ તો નકામી અને બેવકુફી ભરી જીદ્દ કીધી હતી પણ મારો ઠરાવ તો હજારો કુંવારી ક્ધયાઓના જાનના બચાવ કરવા માટેની એક હિંમત ભરી કોશેશ માટે છે. ટૂંકામાં તે બાપે પોતાની દીકરીનો નિશ્ર્ચય ઠરાવ જોઈ હાર ખાધી અને તેણીએ જેમ કરવા માંગ્યુ તેમ કરવા દીધું અને જો કે તેને જે મોતના પંજામાં જાણી જોઈને જવાનો ઠરાવ રાખ્યો તેથી તે વજીર ઘણો જ દુ:ખી હતો તો પણ તેજ વખત તે સુલતાન પાસે ગયો અને સુલતાનને તેની બેહદ અજાયબી વચ્ચે જણાવ્યું કે બીજી રાત્રે તેની આગળ તે પોતાની બેટી શેહરાજાદીને નિકાહ માટે લાવશે.
વજીરને પોતાની વહાલી બેટીનો જાન જાણીબુજીને કુરબાન કરતો જોઈ તે ક્રુર સુલતાન ઘણોજ હેરત પામ્યો. સુલતાને પૂછયું કે ઓ વજીર તારી પોતાની બેટીના મારી સાથે નિકાહ કરવાનો ઠરાવ તું કેમ કરી શકયો? વજીરે જવાબ દીધો કે એ ઠરાવ તેણીએ પોતેજ કીધો છે અને તે પોતેજ તમારી સાથે નિકાહ કરવા માગે છે. સુલતાને કહ્યું કે અરે વજીર રખેને તું ભુલથાપ ખાતો હોય! આવતી કાલે ગરદન મારવા સારૂં જ્યારે શેહરાજાદીને તારે હવાલે કરીશ ત્યારે તેણીને ગરદન મારવા શિવાય તારો છુટકો નથી અને તેમ કરવાને તું ચુકશે તો હું કસમ લઈ કહું છું કે તેની સાથે તું ને પણ મરવું પડશે. વજીરે ઘણી દલગીરી સાથે સુલતાનને કહ્યું કે નામદાર સુલતાન મારી બેટી એ નકકી નહીં ફેરવાય એવો સખત ઠરાવ કર્યો છે કે તમો નામદાર સાથે જ નિકાહ કરવા.
મે તેણીને ઘણીબી સમજાવી પણ તે પોતાના ઠરાવથી જરાપણ હટતી નથી કારણ ઓરતની જીદ ગોયા એક પહાડ છે જે કશાંથી પણ હાલતો નથી પણ જ્યારે ધરતીકંપ થાય છે ત્યારેજ તે પોતાના ટુકડે ટુકડા થવા દે છે. તેથી નાચારીએ મને તમો નામદારને તેણીના ઠરાવથી જાણીતા કરવા પડયા છે. તેણીના નશીબામાં જે લખ્યું હશે તે થશે તેમાં જેમ મારી તેમ તમો નામદારની કશી કસુર નથી. આવો મામલો જોઈ સુલતાન ખામોશ રહ્યો અને વજીર પોતાને મકાન ગયો.
પેલી તરફ હિમ્મતવાન શેહરાજાદી પોતાની હુશયારી તેમ કળા ઉપર મુસ્તાક રહી સુલતાનના મહેલ તરફ જવાની તૈયારી કરવામાં મશગુલ થઈ.
(ક્રમશ)
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025