પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં લાગતી?’ એટલે તું મોટો માણસ હું ગરીબ બાળક ને તારી છાતીએ દાબે છે પણ કોઈ હોય તો ગરીબના બચ્ચાંને એક કરવાને શરમાય.’
પીરાનનું દિલ આ શબ્દો સાંભળી ઘણું બળવા લાગ્યું અને તેથી તેને હવે વધુ વખત બાળક કેખુશરોને એમ પહાડોમાં રાખી મૂકવાનું ઠીક ન લાગ્યું. તેથી કહ્યું તારી ઓલાદ કોઈ ભરવાડ નથી. એ બાબેનું મારે ઘણું લાંબુ દાસ્તાન કહેવાનું છે. એમ કહી એક ઘોડો તૈયાર કરાવી અને પાદશાહી પોશાક પહેરાવી કેખુશરોને તે પોતાના મહેલમાં લઈ ગયો અને તેને ઘણા પ્યારથી ઉધારવા લાગ્યો.
એમ કેટલોક વખત પસાર થયો. એક રાત્રે અફ્રાસીઆબ તરફથી કાસદ આવ્યો કે શાહ પીરાનને બોલાવે છે. પીરાન ગયો ત્યારે અફ્રાસીઆબ કહેવા લાગ્યો કે આખી રાત મને ચિંતા અને ફીકર લાગે છે, કારણ લોકો કહે છે કે સીઆવક્ષનો બેટો મારો દહાડો શીહા કરશે. જો એમ હશે તો મેં હમણા સુધી સાહુચેતી લીધી છે તે ફોકટ. એ બાળક જે બન્યુ છે તે એટલે એના બાપનું ખૂન વિગેરે યાદ નહીં રાખે તો ઠીક. ત્યારે અમો બેઉ સુખી રહીશું પણ જો, તે ખરાબ સ્વભાવ દેખાડે એવું હોય તો બહેતર કે હમણાંથી તેના બાપની માફક તેનુંં સર ઉડાવી નાખીએ. પીરાને જવાબ દીધો કે ઓ પાદશાહ એક બાળક જે બીહુશ એટલે વગર અકકલનું તેનાથી તું શું આશા રાખે કે તે આગળી પાછલી વાત જાણે? ભરવાડને હાથે ઉધરેલું તો હેવાન જેવું હોય તેનામાં અકકલ કયાંથી હોય? તેે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ કયાંથી હોય? મેં તેને બાપ મિસાલ પાળનાર ભરવાડથી કાલે સાંભળ્યું કે તે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ નથી. તું ચિંતા ના કર તેનામાં ઘણી સમજ નથી. તું ચિંતા ના કર અને તે બાળકને મારી નાખવાનો વિચાર ના કર. તું કહે તો તે બાળકને તારી આગળ લાવું પણ તું સોગંદ લે કે તું તેને હેરાન નહીં કરે. આ સખુનોથી અફ્રાસીઆબનાં મનમાં જરા શાંતિ થઈ. અને તેણે સોગંદ લીધા કે તે તે બાળકને હાથ નહીં લગાડે.
પીરાન ઘરે આવ્યો અને કેખુશરોને કહ્યું કે તું તારાં મગજમાંથી આજે અકકલને દૂર કર. અફ્રાસીઆબ સાથ તું બેગાનાની માફક વાત કરજે અને દીવાનાની માફક બોલજે ચાલજે. એમ તેને શીખવીને તેને અફ્રાસીઆબની દરબારમાં લઈ ગયો. દરબારમાં જતાં લોકો કેખુશરોને જોઈને ખુશ થયા.અફાસીઆબે જ્યારે તેને જોયો, ત્યારે તેની આંખમાંથી શરમથી આંસુ વરસવા લાગ્યા. પીરાન તો મનમાં ધ્રુજયા કરતો હતો કે રખેને કેખુશરોને અફ્રાસીઆબ કાંઈ હાની પહોંચાડે. પરંતુ અફ્રાસીઆબ તો આ પાદશાહી બાળકને જોઈ થોડો વખત દંગ થઈ ગયો.
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024