ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં પણ તે ઉરવાનને શાંતિ અને ખુશાલી આપે છે જયારે બીજી ચીજો પૈસો, બૈરી, છોકરા ઘેરબાર માબાપ વગેરે તમામ મરણ બાદ તો ત્યજી દેવું પડે છે. બંદગી કરવામાં કોઈને ખર્ચ કરવો પડતો નથી. એની લુટ વગર ધાસ્તીએ કરી લેવાને કુલ દુન્યાના લોકને છુટ છે. બંદગી વગરનું માણસ સુકાન વગરના વહાણની માફક ખાલી ડોલા ખાય છ. અને જેમ સુકાન વગરનું વહાણ પોતાના ધારેલા રસ્તા તરફ જઈ શકતું નથી તેમ બંદગી વગરનું માણસ પોતાની ઉરવાનની વૃધ્ધિની નેમ પાર પાડી શકતું નથી. આ દુન્યાની તમામ ફરજોમાં બંદગી એક સૌથી અગત્યની મોટામાં મોટી અવ્વલ ફરજ છે. એના વગર આ દુન્યામાં તેમજ પેલી એકરાર કરવાની દુન્યામાં ઉરવાન કદી શાંતિ મેળવી શકતું નથી. બંદગીથી માણસ પોતાને તેમજ દુન્યાને ફાયદો કરે છે. બંદગી આપણને આ દુનિયાના જન્મ મરણના ફેરામાંથી બચાવી વધુ ઉંચ અણદીઠ દુન્યામાં લઈ જાય છે. બંદગીના ખરા અમલ કરનારને કુદરતી બસારતથી ઘણું જાણવાનું મળે છે તે જાતિ અનુભવથી જાણી લેવું.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024