કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી બેહેઝાદ ઉપર સવાર થઈ ફીરંગીઝ અને ગેવ સાથે ઈરાન જવા નીકળ્યો. માર્ગમાં અવાર નવાર બે જણ સુતા હતા અને એક જણ હમેશા ચોકી રાખતું.
હવે પેલી ગમ અફ્રાસીઆબને ખબર પડી કે કેખુશરો તેની માતા ફીરંગીઝ સાથે એક ઈરાની સરદારની સંગતમાં ઈરાન ભણી નાસી જાય છે. તેણે તેઓની પુઠે લશ્કર મોકલ્યું. પહેલે પીરાન વજીર પોતે લશ્કર સાથે તેઓની દુમબાલે આવી પહોંચ્યો. તે વખતે ફીરંગીઝ ચોકી કરતી હતી અને ગેવ અને કેખુશરો સુતેલા હતા. ગેવ પીરાનના લશ્કર સામે એકલો ગયો. પીરાન અને ગેવ હાથે હાથ લડયા. પીરાન ગેવને હાથ મંદ પડયો અને ગેવ તેને પહાડ પર ફીરંગીઝ અને કેખુશરો આગળ ઘસડી લઈ ગયો અને ત્યાં તેને મારી નાખવાનો વિચાર કીધો પણ ફીરંગીઝ અને કેખુશરોએ ગેવને સમજાવ્યો કે પીરાને અમારો જાન બચાવ્યો છે માટે અમારે ખાતર એને સલામત જવા દે. તે ઉપરથી ગેવે પીરાનનો જાન બચાવ્યો અને તેને તુરાન ભણી પાછો જવા દીધો. ત્યારબછી અફ્રાસીઆબ પણ પુઠે આવી લાગ્યો પણ તે આવી પહોંચે તેટલા તો એ ત્રણે તુરાનની સરહદ છોડી ઈરાનની સરહદમાં દાખલ થઈ ચુકયા હતા. કેખુશરો ઈરાન પુગ્યો કે કૌસે તેને ગોદમાં દાબ્યો. થોડાક વખત બાદ કેખુશરો ઈરાનની ગાદીએ બેઠો અને ફીરંગીઝ પોતાના બેટાને ઈરાનનો પાદશાહ થયેલો જોવા પામી.
હવે ફીરદોસી કહે છે કે ફીરંગીઝ ઘણી ખુબસુરત હતી તેથી સીયાવક્ષનો ભાઈ અને કેખુશરોનો કાકો ફરેબુરજ તેણીની ઉપર મોહીત પડયો. તેણે પોતાના મરનાર ભાઈ સીઆવક્ષની આ બાયડીને પોતાની બાયડી કરવાનો વિચાર કીધો. પણ આવી નાજુક બાબત તે પાદશાહ કેખુશરોને પોતે કેમ કહે! તેેણે નરમાશથી પોતાની મરજી જેહાંન પહેલવાન રૂસ્તમને જણાવી. રૂસ્તમે વિચાર કરી નરમાશથી ડહાપણભરી રીતે તે કેખુશરોને જણાવી કે ફીરંગીઝ જવાન છે, અને ફરેબુરજ તેણીને લાયક એક શાહજાદો છે. કેખુશરોએ એ બાબત પોતાની માતાની મરજી ઉપરજ રાખી. રૂસ્તમે તેણીની આગળ જઈ તે વાત તેણીને કહી કે ફરેબુરજ તેણીના હાથને લાયક શાહજાદો છે અને જો તું પોતે એ માગણી પસંદ કરે. તો શાહ કેખુશરોને તેમાં વાંધો નથી. તેણીને આ વાત સાંભળી પોતાનો પતિ સીઆવક્ષ યાદ આવ્યો અને પહેલા વિચારે તેણીને એ માંગણી ના પાડવાની ઈચ્છા થઈ. પણ જ્યારે રૂસ્તમ જેવા પોતાના અને પોતાના બેટાના નેકખાહને માંગણી રજૂ કરતો જોયો અને જ્યારે પોતાના બેટાને આ બાબતમાં કાંઈ વિરૂધ્ધ મરજી જણાવતો નહીં જોયો ત્યારે તેણીએ પોતાના જેઠ શાહજાદા સાથે ફરીથી લગ્ન કરવાની ગોઠવણ કબૂલ રાખી અને રૂસ્તમે તુરત એક મોબેદને બોલાવી લગ્ન બાબેનો લેખ કરાવ્યો અને ફીરંગીઝ બીજા વાર લગ્નના ગાંઠથી જોડાઈ.
(સમાપ્ત)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024