ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો દીકરો જ છે.
જ્યારે ખાનસામાની બેટી મારી હજુરમાં આવી લાગી ત્યારે મે તેણીને પૂછયું કે ‘આ ગરીબ જાનવરને તમો તેના અસલ સ્વરૂપમાં પાછો લાવી શકશો.’ તેણે જવાબ દીધો જે ‘હા હું લાવી શકીશ’. મેં કહ્યું કે ‘અગરજો એ મોજેજો તમે બનાવી શકો તો મારી પાસે જે કાંઈ ધન દોલત તેની માલીકીની છે તે હું તમને આપીશ.’
તમારા દીકરાને બે શરતોથી હું તેના અસલ સ્વરૂપમાં લાવીશ. એક તો મને તે છોકરા સાથે પરણાવી તેને મારો ખાવિંદ થવાની પરવાનગી આપવી અને બીજી શરત એ છે કે જેણે તેને વછેરાનો અવતાર આપ્યો છે તેને મારે હાથે સજા કરાવવી. મેં જવાબ આપ્યો કે જે પહેલી શરત મારા અંત:કરણથી કબુલ રાખું છું. પણ તે ઉપરાંત જે દોલત મારા દીકરાને આપીશ તેના કરતાં કાંઈએક વધારે ભાગ તમને આપીશ કે તમે તે પોતાના સ્વતંત્ર ખપમાં લ્યો. એ ઉપરથી તમને માલમ પડશે કે તમે જે અગત્યની સેવા મારે માટે બજાવી આપશો તેની ઘટતી કદર બજી તેનો લાયક બદલો વાળવાને હું રાજી છું. બીજું તમે જે મારી સ્ત્રી ને સજા આપવા માંગો છો તે પણ હું કબુલ રાખું છું, કારણ કે જે ભય ભરેલો ગુનાહ તેણીએ કીધો છે માટે તેણી સજાને પાત્ર છે તમારે ગમે એવી શિક્ષા તેને કરજો પણ હું એટલું માંગી લઉં છું કે તેણીનો જાન સલામત રહે એમ તમારે કરવું. તે છોકરીએ કહ્યું કે જેમ તેને તમારા દીકરાનો અવતાર ફેરવી નાખ્યો છે તેમ તેનો હાલ પણ હું કરીશ. મેં કહ્યું કે પહેલા મારા દીકરાને જેવો હતો તેવો પાછો કર પછી બીજી વાત.
તે છોકરીએ પાણીથી ભરેલું એક વાસણ મંગાવ્યું અને કાંઈ મંત્ર પઢી કે જે મને કાંઈ સમજ પડયું નહીં પછી તેણી વછેરાને કહેવા લાગી કે ‘ઓ વછેરા! જગતના સર્વે શક્તિમાન માલિકે જે હાલતમાં હાલ તું છે તે હાલતમાં તને પેદા કીધો હોય તો એ તારી હાલત તને મુબારક છે પણ અગરજો ઈન્સાનના અવતારમાં જન્મયો હોય અને તે અવતાર જાદુથી બદલાયો હોય તો તું તારી અસલ હાલતમાં પાછો આવ. એટલું બોલી તે છોકરીએ વછેરા પર પાણી પેલાં વાસરણમાંથી છાંટયુ કે તેજ વેળા તે છોકરો પોતાના અસલ અવતારમાં આવ્યો!
હું બોલ્યો કે ‘ઓ મારા પ્યારા બેટા! મારા દિલજાન ફરજંદ જે ભયભરેલા જાદુથી તને હેવાનનો અવતાર મળ્યો હતો તે તોડી નાખી તને ઈનસાનિયતમાં પાછો લાવવા મને તને તથા તારી માતાને જે હાની પહોચાડી છે તેને સજા કરવા મને ખોદાએ આ ફરેસ્તાઈ ખસલતની ઓરતને મોકલી છે. મારી ખાતરી છે કે જેમ મેં કબુલાત આપી છે તેમ આવા પુણ્યવંત કામના ઉપકારમાં તું તેને તારી ધણીયાણી દાખલ કબુલ રાખ. જે વાત મારા દીકરાએ ખુશી સાથે કબુલ રાખી પણ તેઓની કદખોદાઈ કર્યા આગમચ તે ખાનસામાની છોકરીએ મારી સ્ત્રીનો અવતાર બદલી તમે જે હરણીને મારી સાથે જુઓ છો તેવા રૂપમાં તેણીને લાવી નાખી છે. બીજા કોઈ પ્રાણીના અવતારમાં મારા ઘરમાં તેને રાખવાને મને પસંદ આવ્યું નહીં તેથી આ હરણીનો અવતાર તેને અપાવ્યો છે.
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024