તમો દરેકને હું એક હજાર અશરફી આપવા માંગુ છું અને એક હજાર મારી પાસે રાખું છું અને બાકીની ત્રણ હજાર અશરફી મારા ઘરના એક ખુણામાં છુપાવી રાખું છું. એમ તેઓને કહી અમે માલ ખરીદ કીધો અને એક બારકસ આખુ તોલે માંડી તેમાં અમારો માલ ચઢાવ્યો. અમો એક માસની અંદર એક બંદરે સલામત જઈ પહોંચ્યા જ્યાં અમારો માલ ઘણોજ નફાથી વેચાયો. અમારો માલ એટલા તો સારા ભાવથી વેચાયો હતો કે અમારી એકેક અશરફીએ દશ દશ અશરફીનો અમને નફો થયો. ત્યારબાદ આ નવા દેશમાંથી જે માલ મળ્યો તે અમોએ ખરીદ કીધો કે તે અમારે દેશ લઈ જઈ વેચી નાખીએ.
જે વેળા અમો અમારે વતન જવાની વેતરણ કરતા હતા તે વખતે દરિયા કિનારે એક સુંદર પણ ચિથરે હાલ સ્ત્રી મને આવી મળી અને મારા હાથ ઉપર બોસા દેવા લાગી અને મને વિનંતિ કરી કહેવા લાગી કે મને તમારી સાથે લઈ જવો અને તમારી સ્ત્રી કરી રાખો. એવી કાંઈ પણ રીતની ગોઠવણની સામે મે ઘણીએક અડચણો પણ જ્યાં મારૂં દિલ પીગળવાને તેણીએ ઘણીએક અસરકારક તદબીર વાપરી અને મે કહ્યું કે તેની મુફલેસ હાલત પર મારે નેગાહ રાખવી નહીં. પણ તેની ચાલચલન જોવી અને પુરતી ખાતરી કરી લેવી. ત્યારે અંતે હું બીલકુલ હાર્યો તેથી મે તેણીને લાયકનો પોશાક મંગાવ્યો. મેં તેની સાથે કાયદા પ્રમાણે નેકાહ કીધા. તે પછી અમો બન્ને ધણી ધણીયાણી મારા ભાઈઓ સહિત એક વહાણ પર સવાર થઈ હંકારી ગયા.
અમારી સફર દરમ્યાન મારી બાયડીમાં ઘણાક તારીફ લાયક ગુણો મે જોયા તેથી દિનપર દિન તેણીને હું વધુને વધુ ચાહવા લાગ્યો અમે મારા બે ભાઈઓ જેઓએ વેપારમાં મારી મીસાલે ફત્તેહમંદી મેળવી નહોતી તેઓ મારી ચઢતી દશા જોઈ શકયા નહીં અને મારી અદેખાઈ કરવા લાગ્યા, એટલુંજ નહીં પણ મને ઠાર કરવાનો મનસુબો કરવા લાગ્યા, જ્યારે એક રાત્રે અમો બન્ને સુતેલા હતા ત્યારે મને તથા મારી મોહોરદારને ઉઠાવી તેઓએ સમુદ્રમાં ફેંકી દીધા.
પણ ખુદાની લાકડીને અવાજ નથી! ઈન્સાન ઈન્સાનનું ગમે એટલું બુરૂં કરવા માગે છે પણ જો ખુદા તેને બચાવવા માગે છે તો પેલા બુરૂં કરનારનું કાંઈ ચાલતું નથી. તેમ અમોને મારી નાખવાના ઈરાદાથી મારા બન્ને ભાઈઓએ અમોને સમુદ્રમાં ફેકી દીધા પણ મારી પરણીયત નાર તો એક પરી નીકળી આવી તેનામાં માનવીની શક્તિ કરતા હદથી જ્યાદા શક્તિ જણાય. તેના એક બાલને પણ ઈજા થઈ નહોતી. પણ તે હાજર ન હતે તો હું ખચ્ચીત મરણ પામતે. જેવો હું સમુદ્રમાં પડયો કે તેજ વેળા તેણીએ મને ઉંચકી લીધો અને ત્યાંથી થોડેક વેગાળાઈ પર એક જંજીરો હતો ત્યાં તેણી મને પોતાની સાથે લઈ ગઈ. એટલામાં આફતાબે પોતાનું ચળકતું તાજ પહેરી, આ જેહાનને સોનેરી રંગનો લેબાશ પહેરાવ્યો અને તમામ ચીજો રોશન કીધી. તે વેળાએ તે પરીએ મને કહી સંભળાવ્યું કે ઓ મારા પ્યારા ખાવિંદ તમે હવે જોશો કે તમે મારી ઉપર દયા લાવી મારી ભલી રીતે સેવા બજાવી તેેનો ઉપકાર હું કહીને માનતી નથી પણ તમારો જાન બચાવી અત્યંત ખુશાલી ભોગવું છું. તમારે જાણવું જોઈએ કે હું પરી છું. જ્યારે તમે હંકારી જતા હતા ત્યારે મે તમને કિનારે જોયા હતા અને તમને જોઈને તમારી તરફ માનભરેલી રીતે ચાલવાનું મારૂં મન થયું, મારી મરજી થઈ કે તમારૂં દિલ કેવું છે તેની પરીક્ષા કરૂં અને તે સબબને લીધે મે જે કંગાળ લેવાશમાં તમે જોઈ હતી તે વેશ મેં ધારણ કીધો હતો.
(ક્રમશ)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025