ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. કારણ છે હોળી. ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પણ ભળે છે. આ તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવથી બાકાત છે. આ દિવસ તો દુશ્મનો માટે પણ ગળે મળવાનો દિવસ છે.
દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર સદભાવના, મિત્રતા અને એકતાનો સંદેશો આપે છે. આ એક સામાજીક પર્વ તો છે જ સાથે સાથે એકતા અને બંધુત્વનો તહેવાર પણ ખરો. ભારતીય ઉત્સવોમાં કોઈકને કોઈક રીતે રંગો જોડાયેલા હોય છે. દિવાળીને રંગ અને પ્રકાશના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.
ઉતરાયણે આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાય છે. તો હોળી તો રંગોના તહેવાર તરીકે જ ઓળખાય છે. વાસંતી વાયરા અને ફાગણની મસ્તીમાં જનસમૂહ હિલોળે ચઢે છે.
ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવવાં આવે છે, તેની સાથે હોળીના પર્વની શરૂઆત થાય છે. વૈદિક કાળમાં આ તહેવારને નવાન્નેષ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો. હોળીના દિવસે હોળા તરીકે ઓળખાતા કાચાપાકા અનાજને યજ્ઞમાં હોમીને પ્રસાદ ગ્રહણ કરવાનો રીવાજ છે. યજ્ઞમાં હોળાનું દહન કરવામાં આવે છે તેના પરથી આ તહેવાર હોળી તરીકે ઓળખાવવા લાગ્યો.
હોળીને નવસંવત્સરના આગમન કે વસંતના ગમનના તહેવાર તરીકે ઉજવવાની પણ માન્યતા છે. હોળીને લઈને પ્રહલાદ, હિરણ્યાકશ્યપ અને હોલીકાની કથા તો જગપ્રસિદ્ધ છે જ, સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે શંકર ભગવાને ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરી નાંખ્યા ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.
જો કે હોળી બાબતે હોળીકાની જ કથા એક બીજી માન્યતા પણ ધરાવે છે. તે માન્યતા અનુસાર હિરણ્યાકશ્યપની બહેન જેને અગ્નિનું વરદાન હતું તે અગ્નિમાં રહીને પણ બળતી નહોતી. જ્યારે હિરશ્યાકશ્યપનો દીકરો પ્રહલાદ વિષ્ણુનું નામ જપ્યા કરતો હતો. તેને માટે તેના ભગવાન વિષ્ણુ હતા. જ્યારે હિરણ્યાકશ્યપ પોતાને ભગવાન માનતો હતો. હિરણ્યાકશ્યપે પ્રહલાદને મારવાની ભરપુર કોશિશ કરી પણ તે હમેશા બચી જવા પામ્યો છેલ્લે હોળીકા પ્રહલાદને ખોળામાં લઈ બેસી અને અગ્નિ પગટાવવામાં આવી પરંતુ તે પોતેજ બળી ગઈ. આ રાક્ષસીના પતન નિમિત્ત પણ આ તહેવાર ઉજવાતો હોવાની માન્યતા છે. ઘણા લોકોને એવો પ્રશ્ર્ન થાય છે કે જે હોળીકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો તેની શા માટે આપણે હજારો વર્ષોથી પૂજા કરીએ છિએ? જે દિવસે હોળીકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી, તે દિવસે નગરના બધા લોકોએ પોતપોતાના ઘરમાં અગ્નિ પ્રજવલિત કરીને પ્રહલાદની રક્ષા કરવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. પ્રહલાદ કઈ રીતે સામાન્ય જનમાનસમાં છવાઈ ગયો હતો તે આ વાત પરથી જણાય છે. અગ્નિદેવે લોકોની પ્રાર્થના સાંભળી. પરિણામે હોળીકા નષ્ટ થઈ અને અગ્નિ પરીક્ષામાં પાર ઉતરેલો પ્રહલાદ નરશ્રેષ્ઠ સાબિત થયો. પ્રહલાદને બચાવવા માટે પ્રારંભાયેલી અગ્નિ પૂજા કાળક્રમે સામુદાયિક પૂજામાં પરિવર્તિત થઈ અને તે રીતે હોળીકા પૂજાની શરૂઆત થઈ. એવું કહેવાય છે કે ફાગણ પૂર્ણિમાના દિવસે જે લોકો ચિત્તને એકાગ્ર કરીને હિંડોળામાં ઝૂલતા ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે ચોક્કસપણે વૈકુંઠમાં જાય છે.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025