તે જીન પોકાર કરી બોલવા લાગ્યો કે ‘ઓ સુલેમાન-સુલેમાન! અલ્લાહના મોટા પેગમ્બર! હું તને અરજ કરૂં છું કે તું મને માફ કર! હું તારી મરજીની સામે કદી થનાર નથી પણ તારા સઘળા હુકમોને માન આપીશ.’
એ શબ્દો તે જીને કાઢતાને વાર તે માછીને કાંઈ હીંમત આવી અને તે બોલ્યો કે ‘ઓ તકોબરી ભરેલા જીન એ તું શું બોલ્યો? બુલંદીના ખાવિંદ ખોદાતાલાનો પેગમ્બર આજ અઢારસોથી વધારે વર્ષ થયા આ જેહાન પર વસી ગયો છે, તેથી તું તારી હકીકત મને કહે કે આ વાસણ મધે તને શા માટે બંધ કીધો હતો?’
તે જીન માછી તરફ ધિકકારની નજરથી જોઈ બોલવા લાગ્યો કે ‘ઓ ભલા આદમી! જરા વધારે નમનતાઈથી તો બોલ, તું પોતે તકોબરી ભરેલો દિસે છે કે મારી સાથે એમ વાત કરે છે.’ તે માછીમારે કહ્યું કે ‘ત્યારે તને શુભ શુકનનો પંખી કહું તો બેહતર પડશે.’ તે જીને કહ્યું કે, ‘હું તને મારી નાખું તેની અગાઉ તું ભલમનસાઈથી તો વાત કર.’ તે માછીએ પૂછ્યું કે ‘તું મને શા માટે મારી નાખવા માગે છે. તું શું વિસરી ગયો કે આ વાસણમાંથી મેં તને બહાર કાઢી છૂટો કીધો?’ જીને જવાબ આપ્યો કે ‘તે મને સારી પેઠે યાદ છે પણ તેથી તારો પ્રાણ લેવાને મને અટકાવ થનાર નથી અને હું તારી ઉપર એકજ મહેરબાની કરવા માગું છું.’ ત્યારે તે માછીએ પૂછ્યું કે ‘ તે કંઈ છે.’ તે જીને કહ્યું કે ‘તું કઈ રીતે મરવા માંગે છે તે મને કહે તે રીતે હું તને મારી નાખીશ.’ તે માછીએ પૂછયું કે ‘મેં તને એટલું તે શું મોટું દુ:ખ દીધું કે તું મને મારી નાખવા નીકળ્યો છે. મેં તારી આવી મોટી સેવા બજાવી તેનો અવેજ એવી રીતે આપે છે?’
જીને કહ્યું એથી બીજી રીતે તારી સેવાનો બદલો મારાથી વળાતો નથી માટે તારી ખાતરી કરવા મારી હકીકત તને કહી સંભળાવું છું.
‘હું જાતે એક ખવીશ છું અને ખોદાની સલતનની સામે થયો હતો. ખોદાનો પેગમ્બર સુલેમાન છે એમ બધા જીનો માનતા તથા તેઓ તાબે થયા હતા. પણ તે છતાં મેં તેને તાબે રહેવા ના પાડી. મારી હઠીલાઈના બદલામાં તે બળવંત પાદશાહે તેના વડા વજીર બરાખ્યાના છોકરા અશરફને ફરમાવ્યું કે આવીને મને પકડે. તેણે મને પકડયો અને મને કેદ કરી પોતાના માલિક પાદશાહની હજુરમાં લાવી હાજર કીધો. દાઉદના દીકરા સુલેમાને મારી જીંદગીની રીતભાત છોડી દઈ સુધરવા, તે સાથે પાદશાહની હકુમતને માન આપવા તથા તેને તાબે રહેવા ફરમાવ્યું. મેં ભારી ગુસ્સાથી તેને માન આપી ચાલવાને ના પાડી અને મારી નાફરમાની માટે સજા કરવા સારૂ મને આ વાસણમાં તેણે બંધ કીધો અને તેમાંથી હું નીકળી નહીં શકું. એટલા માટે તે વાસણનું મો સીસાથી રેવન દઈ બંધ કરી ચણી લીધું અને તે ઉપર પોતાની મોહોર ખોદાના નામ સાથે કીધી અને તે વાસણ એક જીનને હવાલે કીધું અને તે સમુદ્રમાં હોમાવી દેવાને તેણે ફરમાવ્યું અને મેં ગમગીનીથી જોયું કે તેમાં તેણે કાંઈપણ વિલંબ લગાડ્યો નહીં.
‘મેં જે મારૂં બંદીખાનું ભોગવ્યું તેના પહેલા તબકકામાં મારા દિલ સાથે સોગંદ લઈ રાખ્યા કે પહેલા એકસો વર્ષ ગુજર્યાની આગમચ જે આદમી મારો છુટકારો કરશે તેને તેના બચ્ચાં છોકરા સાથે હું તવંગર કરીશ. તે વખતે તો નીકળી ગયો અને મારો કોઈએ છુટકારો કીધો નહીં.
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024