એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો.
જ્યારે તે ઘેર પાછો આવ્યો ત્યારે તેના ઘરમાં તેની ગેરહાજરીમાં શું શું બનાવ બન્યો તે વિશે તે પોપટને એકાંત વખત જોઈ, પુછવા વગર રહ્યો નહીં. તે વેળાએ તે પક્ષીએ જે કેટલીક હકિકત કહી સંભળાવી, તે ઉપરથી તેણી તેની બાયડીને ઠપકો આપ્યો. તેણી પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મારી કોઈ બાંદીએ મને છતી પાડી હશે પણ તેઓએ તેની ખાતરી કરી આપી કે તેઓ સર્વે તેણીની વિશ્ર્વાસુ સેવીકાઓઓ છે. આથી તેઓ સર્વે પોપટ ઉપર ભાંત લાવવા લાગ્યા. એ બાબતની સચ્ચાઈ વિશે પુછપરછ કરવાની તેની ઈચ્છા થઈ તેથી તે સ્ત્રીએ પોતાના ખાવિંદના મનમાંથી એવો વહેમ કાઢી નાંખવાનો, તેમજ અગરજો પોપટે તે ગુનાહ કીધો હોય તો તેની ઉપર વેર લેવાનો કાંઈ ઈલાજ શોધવા લાગી. બીજી વેળા જ્યારે તેનો ખાવિંદ ગેરહાજર રહ્યો ત્યારે રાતને વખતે પોતાની એક બાંદીને ફરમાવ્યું કે તે પંખીના પાંજરા હેઠળ ઘંટી ફેરવ્યા કરો ને બીજી બાંદીએ ફરમાવ્યું કે પાંજરા ઉપર વરસાદની પેઠે પાણી છાટે અને ત્રીજીએ ફરમાવ્યું કે દિવા આગળ આરસી ફેરવી તેનો ચમકાટ પોપટની આંખ ઉપર ફેંકયા કર. તે બાંદીઓ લગભગ આખી રાત પોતાની શેઠાણીની ફરમાશ મુજબ કામમાં રોકાઈ હતી અને તે કામ તેઓએ મનમાનતી રીતે પાર પાડયું.
બીજે દિવસે જ્યારે તેણીનો ખાવિંદ ઘરે પાછો આવ્યો ત્યારે તે પોપટને પુછવા લાગ્યો કે તેની ગેરહાજરીમાં જે કાંઈ બન્યું હોય તે કહી દે. તે પક્ષીએ જવાબ દીધો કે ‘મારા વહાલા શેઠ! આખી રાત સુધી ગાજવીજ, વીજળી અને વરસાદથી હું એટલો તો હેરાન થયો છું કે તેનું બ્યાન હું તમારી આગળ કરી શકતો નથી. તો ઘરમાં શું થયું તે કેમ જાણી શકું? પેલા ધણીને ખબર હતી કે તે રાત્રે કાંઈ તોફાન તો થયુ હતું નહીં તેથી તેને ખાતરી થઈ કે પોપટ કાંઈ સાચ્ચુ બોલ્યો નથી તેથી તેના મનમાં આવ્યું કે જેમ આજની રાતનો બનાવ તેણે ખરેખરો કહ્યો નહીં તેમ પેલી રાતની વિગત જે તેને પોતાની બાયડી વિશે કહી તે પણ ખોટી હશે. તે પોપટ સંબંધી ખોટો વહેમ રાખી તેની ઉપર તે તો શેઠ બહુ રીસે ભરાયો અને તે પંખીને પાંજરામાંથી બહાર કાઢી જમીન પર ઝીકી નાખી ઠાર માર્યો. પાછળથી તેનો પડોશીઓએ તેને કહ્યું કે ‘પોપટે કાંઈ તેને ઠગ્યો નથી.’ તે ઉપરથી તે પોતાથી બનેલા આ બેવકુફી ભરેલા કામને માટે તે પસ્તાવા લાગ્યો.
માછીએ તે જીનને કહ્યું કે ‘યુનાની રાજાએ જ્યારે આ વાત પૂરી કીધી ત્યારે તેણે વજીરને કહ્યું કે દુબાન હકીમે તારી સાથે કાંઈપણ બદી કીધી નથી તે છતાં તું તેને અદેખાઈનો મારયો મારી નાંખવા માંગે છે પણ પેલા શેઠે પોતાની બાયડીના ભમાવ્યાથી પોતાના ચંચળ પોપટને મારી પસ્તાવો કીધો તેમ હું કરનાર નથી. તે વજીર હકીમ દુબાનને મારી નાખવા માટે એટલો તો ખંતી થઈ પડયો હતો કે તે વિશેની વાત બંધ પડવા દેતો હતો નહીં. તે બોલ્યો ‘ઓ નામદાર શાહ! પોપટને મારી નાખવાનું કામ એ ઘણીજ હલકી વાત છે અને હું ધારતો નથી કે તેના મરણને માટે તેનો શેઠ ધણી મુદત સુધી શોકમાં રહ્યો હોય. અદેખાઈનો માર્યો હું કાંઈ તેની સામે થતો નથી. હું તેની સામે થાવ છું તેનું મૂળ કારણ એજ છે કે મને તમારા પ્રાણ સંબંધી ધાસ્તી છે અને મારો જીવ એવી બાબતમાં ઘણોજ આતુરતા ભરેલો રહે છે તેથી મને એવી અગત્યની બાબત ઉપર મારી તરફની સલાહ આપવાની મારી ફરજ સમજુ છું. અગરજો મારી ખબર ખોટી ઠરે તો જેમ ખોટી ખબર આપનાર એક વજીરને સજા ખમવી પડી તેમ મને પણ કરવી. તે યુનાની પાદશાહે પુછયું કે તે વજીરે એવું તે શું કામ કીધું કે તેને સજા ખમવી પડી તે વજીરે જવાબ દીધો જે તમો નામદાર પાદશાહ મહેરબાની કરી સાંભળો તો હું તે વાર્તા શરૂ કરૂં.
(ક્રમશ)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025