પેલો વજીર શાહના હુકમ મુજબ પેલી યુનાની સ્ત્રી બબરચણ પાસે તે માછલાં લઈ ગયો અને તેને હવાલે કરી બોલ્યો કે “આ માછલાં જે સુલતાનને નજર કરવામાં આવ્યા છે તે લેવો. તેઓએ ફરમાવ્યું છે કે એને સાફ કરી પકાવો!” ત્યારબાદ તે પોતાના સાહેબ સુલતાન પાસે પાછો આવ્યો. સુલતાને ફરમાવ્યું કે “માછીને ચારસો સોનેરી અશરફી આપો.” આ સાંભળી વજીરે કહ્યું કે, “નામવર સુલતાન ચાર મચ્છી માટે ચારસો અશરફી અપાવશો તો એ રીતે તો ખજાનો ઘણો જલદી ખાલી થશે” આથી સુલતાને કહ્યું કે “ત્યારે કેટલી આપવી સજાવાર છે?” વજીરે કહ્યું કે “ચાળીસ પુરતી છે” સુલતાને કહ્યું જે “હું ચારસો અશરફીની હુકમ કરી ચુક્યો હું માટે તે કેમ ફેરવું?” દુરઅંદેશ વજીરે વિચાર કરી ખોલાસો કીધો જે “તમો સાહેબ એને પુછો કે મચ્છી નર છે યા માદા? જો એ કહે કે ‘નર છે’ તો માદા મંગાવો અને માદા કહે તો નર મંગાવજો. એટલે થશે એમ કે એનાથી બેમાંની એક પણ લાવી શકાશે નહિ જેથી તમારે બોલ પણ હેઠો પડશે નહિ.” આવી શાહે માછીને તે પ્રમાણે પુછ્યું જેનો જવાબ લગાર વિચારીને તે માછીએ આપ્યો કે “નામવર પ્રજાપાળ, આ મચ્છી “ખુન્સા” છે.” આથી વજીર ચાંઈ થઈ ગયો અને શાહ તો એટલો બધો હસવા મંડી ગયો કે કાંઈ બોલવે વાત નહી. આખરે શાહે ચારસોને બદલે આઠસો અશરફી તે માછીને આપવાનો હુકમ કીધો. આ સાંભળી વજીરે તે માછીને આઠસો અશરફી આપી. તે માછી, જેને નાણાની એવડી મેટી રકમ સામતી પોતાના ભવમાં કદી દીઠેલી ન હતી તે, એ રકમ મળેલી જોઈ ઘણોજ ખુશી થયો અને આ સઘળા બનાવને એક સ્વપ્ના સરખો ગણવા લાગ્યો. પણ તે રકમતો ખરેખરી તેના હાથમાં આવી હતી તેથી તે લઈ પોતાને ઘરે ગયો અને પોતાનાં ગરીબ બાળકોને તથા કુટુંબને માટે સારો જેવો ખોરાક લાવ્યો.
શેહેરાજાદીએ કહ્યું કે મારા ખાવિંદ હવે સુલતાનના બબરચીખાનામાં જે બનાવ બન્યો તેનો મારે કાંઈ ખોલાસો કરવો જરૂર છે. ત્યાં મોટો ઘભરાટ ઉઠયો અને સર્વે કોઈ મોટી અડચણમાં આવી પડ્યાં. પેલી યુનાની બબચણને માછલાં સમારીને વાસણમાં તેલ રેડી તળવા નાખ્યા. જ્યારે તેણીએ જોયું કે એક બોરદુ પુરતી રીતે તળાઈ ત્યારે તેણે બીજી બોરદુરથી ઉલટાવી તળવા માંડી. એ કામ કરે શું કે તેજ વેળા તે બબરચીખાનાની દિવાલો ફાટવા લાગી અને તેમાંથી એક સુંદર અને દબદબા ભરેલી શિકલની અફસરા નીકળી આવી. તેણીએ સાટીનનો લેબાસ પહેરેલો હતો, જે મીસરી લોકોની રીતભાત પ્રમાણે ચિકનના ફુલોથી શણગારેલો હતો. તેના કાનમાં એરીંગ અને ગળામાં મોતીની માળા અને હાથે સોનેરી જડતની તમામ મોતીની પોહોંચી પેહેરેલી હતી. તેના હાથમાં સોપારીના ઝાડની એક ડાંગળી હતી. તેને બબરચીકાનામાં આવી ઉભેલી જોઈને બબરચણ હેરત પામી અને એક સ્થંભની પેડે સ્થીર થઈ. તે સ્ત્રી તે માછલાનાં વાસણ આગળ ગઈ અને એક માછલાને લાકડી મારી તે બોલી કે “રે માછલા! માછલાં! તમે તમારી ફરજ પાળો છો કે નહિ?” તે માછલાંએ એક શબ્દ વટીક કહાડ્યો નહી. તે સવાલ ફરીથી તેણીએ પુછ્યો. ત્યારે તે ચારે માછલાં ઉભા થયાં અને સાફ રીતે બોલ્યાં કે ‘હા, હા, જો તમે ગણશો તો અમે ગણીશું, જો તમે તમારૂં ફરજ અદા કરશો તો અમે અમારૂં કરશું. જો તમે નાસી જશો તો અમે ફત્તેહ પામશું અને સંતોષ પકડશું.” આ શબ્દો માછલાંઓ બોલતાંને વાર તે અબળાએ તે વાસણ ઉંધું વાળ્યું અને તે દિવાલમાં પાછી દાખલ થઈ તેજ વેળા તે ચણાઈ ગઈ તે એવી રીતે કે કદી તે ફાટેલીજ ન હોય!
જ્યારે તે બબરચણ હોશમાં આવી ત્યારે ચુલામાં પડેલા માછલાંને ઉંચકવા ગઈ પણ તે એટલા તો બલી જળીને કોલસા સરખા થયલાં હતાં કે સુલતાનને જમવા લાયક નજર આવ્યાં નહીં. આ બનાવથી તે મોટા દુ:ખમાં પડી અને ઝાર ઝાર રડવા લાગી. તે બોલી કે “અફસોસ! મારૂં શું થશે? મેં જે કૌતક મારી નજરે જોયું છે તે જ્યારે સુલતાનને કહીશ ત્યારે તે મારી વાત કદી માનનાર નથી અને મારી ઉપર કેટલો ગુસ્સે થશે તે હું કહી શકતી નથી.”
તે બબચરણ આ આપદામાં પડી હતી તેવામાં વડો વજીર આવી લાગ્યો અને પુછવા લાગ્યો કે “માછલી તૈયાર થઈ કે નહીં?” જે કોઈ બનાવ બન્યો હતો તે સઘળો વિગતવારે તેની આગળ તે બબરચણે કહી સંભળાવ્યો. તે સાંભળી તે વજીર ઘણોજ અચરત થયો, પણ તે વિષે તેણે સુલતાનને કાંઈ પણ જણાવ્યું નહીં. તે માછલી તેની આગળ લાવી ન મેલ્યાનો કાંઈ બીજે સબબ સુલતાનને સમજાવ્યો જેથી તે રાજી થયો. ત્યાર પછી વજીરે પરભાયો તે માછીને બોલાવ્યો અને કહ્યું કે “જેવી ચાર માછલી તું પહેલાં લાવ્યો હતો તેવીજ બીજી ચાર માછલી લાવ! કારણ કે કાંઈ અકસ્માતને લીધે સુલતાન આગળ તે મેલવાને બન્યું નથી.” તે માછીએ એક દિવસમાં બે વાર જાળ નહીં નાખવાની પોતા પર મેલેલી બંદીની વાત વજીરને કહી નહી પણ કહ્યું કે “તે માછલાવાળું તળાવ મેહેલથી ઘણેક દુર છે તેથી તેને તે દિવસે કાઈ માછલી મળશે નહીં પણ બીજે દિવસે લાવી આપીશ.”
(ક્રમશ)
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025