ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

ગુશ્તાસ્પે પોતાના બાપ લોહોરાસ્પ પાસે તખ્ત માંગવુ બાપની શીખામણના આ શબ્દોથી ગુસ્સે થઈ ગુશ્તાસ્પ દરબાર છોડી ચાલી ગયો. ત્યાંથી તે થોડાક સેપાહોને સાથે લઈ હીન્દુસ્તાન તરફ નીકળી ગયો. લોહરાસ્પને એ બાબે ખબર પડી ત્યારે તે ઘણો દલગીર થયો અને પોતાના બીજા બેટા જરીરને તેની પાછળ મોકલી ગુશ્તાસ્પને પાછો તેડાવ્યો. વળી થોડા વખતમાં ઉપલાજ ખ્યાલથી ગુસ્સે થઈ તે દરબારમાંથી ગુપચુપ એકલો નીકળી ગયો. આ વખતે તે પુર્વ ભણી જવાને બદલે પશ્ર્વિમ ભણી રૂમના મુલક તરફ ગયો. લોહરાસ્પે કેટલાક નામદારોને તેના પાછળ આજુબાજુના મુલકોમાં ખોળ કરવા મોકલ્યો પણ તેનો કેથે પત્તો લાગ્યો નહીં. હવે ગુશ્તાસ્પ રૂમમાં દાખલ થયો અને તેણે કેટલેક ઠેકાણે નોકરીએ લાગવાની કોશેશ કીધી. પણ તે ફોકટ ગઈ તેના કદાવર અને દમામદાર દેખાવથી કેટલાકોએ પોતાને હસ્તકની નાની નોકરીને લાયકનો તેને નહીં ધારી ના પાડયું. પોતાના નસીબને કદુઆ દેતો તે પાસેના એક ગામડામાં આવ્યો અને ત્યાં એક સુંદર બાગની શીતળ છાયામાં બેસી ખોદાતાલા આગળ પોતાનું દુ:ખ રડવા લાગ્યે, કે ઓ ખોદા! મારા નસીબમાં દુ:ખીજ જીંદગી સરજી છે. મારો સીતારો બરગશ્તે છે અને હું જાણતો નથી કે શા કાજે મારી ઉપર આટલું દુ:ખ પડે છે. તેવામાં તે ગામનો એક મોટો માણસ, જે ત્યાંથી પસાર થતો હતો તેણે ગુશ્તાસ્પને આંખમાં આંસુ સાથે જોયો. તેથી તેણે પુછયું કે ઓ જવાન મર્દ! શા કાજે તું એટલો ગમગીન છે? તું થોડો વખત મારે ઘરે આવ અને મારી મહેમાનદારી ચાખ, કે તારૂં દુ:ખ દફે થાય. ગુશ્તાસ્પને તેને પુછતા માલૂમ પડયું કે તે ઈરાની વંશનો એક મરદ હતો અને ત્યાં આવી વસવાટ કરી રહ્યો હતો અને તેની એલાદ ફરેદુનથી ઉતરી હતી. ગુશ્તાસ્પ ખુશીથી તેની સાથે તેને ઘરે ગયો.હવે રૂમના મુલકના પાદશાહો, જેઓને કએસર કહેતા હતા તેઓનો એવો રેવાજ હતો કે જ્યારે પાદશાહની કોઈ બેટી પરણવા લાયક થતી, ત્યારે તે પાદશાહ પોતાના મહેલમાં મોટા દરજ્જાના ડાહ્યા, ચંચળ પાદશાહી અને અમીરી ખાનદાનના જવાનોની મીજલસ બોલાવતો. તેની તે મીજલસમાં તે બેટી પોતે ફરતી અને તેણીની આસપાસ તેની સાહેલીઓ રહેતી હતી. એમ ફરતી ફરતી તેણી તે મીજલસમાંથી પોતાને મનપસંદ જવાન પોતાના ખાવિંદ તરીકે પસંદ કરતી હતી.
હવે તે વખતના કએસરને ત્યાં ત્રણ બેટીઓ હતી. કદ, દીદાર અને ટેક, અકકલ, મર્યાદા અને લાયકાત એ સર્વ ધ્યાનમાં લેતાં, તેણીઓ બહારની મોસમના ફુલ જેવી હતી. એઓમાં જેણી વડી હતી, તેણીનું નામ કએતાયુન હતું. તેણી અકકલમંદ, રોશન દિલની અને ભલી ઈચ્છાઓવાળી હતી. તે કએતાયુને એક રાત્રે સ્વપ્ન જોયું કે આફતાબથી તે મુલક રોશન થયો છે. મરદોની એક એવી મોટી અન્જુમન હાજર થઈ છે, કે તેઓની મોટી સંખ્યાથી સુરયાના સાત સેતારાનો ઝુમખો પણ પોતાના માર્ગમાંથી ખશી જતો રહે. તેઅન્જુમનમાં એક બહારનો બીગાનો શખ્સ હતો, જે જો કે ગરીબ અને દુ:ખી દિલનો હતો તો પણ અક્કલમંદ હતો. કદમાં તે સરવના ઝાડ જેવો અને દેખાવમાં ચંદ્ર જેવો હતો અને તેની બેસવાની રીતે એક પાદશાહ પોતાના તખ્ત ઉપર બેસે તેવી હતી. કએતાયુને તેને એક ખુલનો તોરો આપ્યો અને તેના હાથમાંથી સુંદર રંગ અને ખુશબો સાથનો ફુલનો તોરો તેણીએ લીધો. (ક્રમશ)

Leave a Reply

*