કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા પલંગ પર તે સિધિની જગાએ તે સુતો અને પોતાની બરછી ચાદર હેઠળ છુપાવી અને તેણે જે વેર લેવાની ધારણા રાખી હતી તે પાર પાડવાની રાહ જોતો પડી રહ્યો.
થોડીવાર પછી તે જાદુગર ઓરત મહેલમાં આવી લાગી. તેણીએ પહેલું કામ એ કીધું કે જે દિવાનખાનામાં તેણીએ પોતાના ધણીને રદ કરી બેસાડેલો હતો ત્યાં તે ગઈ. પહેલા તો તે શાહને તેને નાગો કીધો અને ધિકકાર ભરેલા ઘાતકીપણાથી તેના બદન પર સરેશ્તા પ્રમાણેના ફટકા માર્યા. તે ગરીબ શાહે પોતાના રૂદનના પોકારથી આખ્ખું મકાન ભરી નાખ્યું અને તેની પર દયા કરવાને ઘણીજ કાકલુદીથી વિનંતી કરવા લાગ્યો પણ તે કરપીણ જાદુગર, જ્યાં સુધી એકસો ફટકા મારી નહી રહી ત્યાં સુધી અટકી નહીં. તે બોલીકે ‘તે મારા યાર પર કાંઈપણ દયા કીધી નહીં તેથી મારી દયાની તારે ઉમેદ રાખવા નહીં. પોતાનું કરપીણ કામ કરી રહ્યા પછી તેણીએ તે શાહજાદાના બદન પર ચામડાનો ઝભો નાખ્યો અને તેની ઉપર સોનેરી કિનખાબનો જભો નાખ્યો. તેને મેલી તે ‘માહેતમ મહેલ’માં ગઈ અને ત્યાં દાખલ થતાંવાર પોતાના રૂડનો રડવા શરૂ કીધા અને પોતાના દુષ્ટ યારના પલંગ આગળ આવી બોલવા લાગી કે ‘અફસોસ છે કે મારા સરખી મોહોબત ધરાવનાર માશુકની શાંતિ ભરેલી ખુશાલીનો ભંગ કરવો એ કેવું નિર્દયપણું છે? ઓ કરપીણ શાહજાદા! જ્યારે મારા કીનાનો જોર તને બતાવું છું ત્યારે તું મને ઠપકો આપી કહે છે કે ‘હું ઘાતકી છું.’ પણ મારા વેર કરતા તારૂં ઘાતકીપણું વધારે થયું નથી શું? રે કંગાળ શાહજાદા! હું જે રાક્ષસની પુજા કરતી હતી તે શખસનો જાન લગભગ કબજ કરી તે મને મારી નાખી નથી?’ તે પોતાના યાર તરફ જોઈને કહેવા લાગી કે ‘ઓ મારી જીંદગીના ચેરાગ! તું શું આ પ્રમાણે હમેશ ચુપકીદી અખત્યાર કરી રહેશે? મને તારા મહોબતના મધુર વચન એકવાર ફરીથી સંભળાવ્યા વિના મને મારી નાખવાનો શું ઠરાવ કરી રાખ્યો છે? હું વિનંતી કરી કહું છું કે તું એક બોલ તો બોલ?’ ત્યારે સુલતાન જાણે ભર ઉંઘમાંથી જાગી ઉઠ્યો હોય તેમ દેખાડી તથા સિધી લોકોની ભાષાની નકલ કરી બોલ્યો કે ‘સર્વે શક્તિવાન સાહેબ તો ખોદાજ છે!’ તે જાદુગર સ્ત્રી જે કદી પણ એવી આશા રાખતી ન હતી કે તેનો યાર એક હરફ પણ બોલશે અને જ્યારે તે આટલા સખુનો બોલ્યો તેની ખુશાલીના હરખમાં તે ચીસ પાડી બોલવા લાગી કે ‘મારા ખાવિંદ તું મને ઠગે છે કે શું? જે હું સાંભળું છું તે શું ખરૂ છે? જે બોલે છે તે ખરેખર તુંજ છે?’ સુલતાને જવાબ દીધો જે ‘ઓ ઘાતકી ઓરત! શું તને જવાબ દેવો ઘટે છે?’ તે રાણી બોલી કે ‘તું શું મને ઠપકો આપે છે?’ તે સુલતાને જવાબ દીધો જે ‘તારો ખાવિંદ, જેને તું દરરોજ આટલી બધી ઘાતકી રીતે રિબાવે છે તેથી તે એટલો તો રડે છે, એટલા તો આસુ પાડે છે, એટલી તો બુમ પાડે છે કે નહીં રાત્રે કે નહીં દિવસે મને ઉંઘ આવતી. (ક્રમશ)

Leave a Reply

*