ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે વખતથી વાતચીત તરેહવાર બાબતો તથા ગમતોને લગતી તથા જીંદગી ભોગવવાની રીતો વિશેની હતી. તે ફકીરો ઉઠી ઉભા થઈ પોતાની રીત પ્રમાણે નાચવા લાગ્યા અને તેઓએ નાચવાના હુન્નરની ચાલાકી બતાવ્યા ઉપરથી તે બાનુઓએ તેઓ માટે બાંધેલા સારા વિચારોમાં વધારો થશે તેવુંજ નહીં પણ ખલીફ તથા તેના સોબતીઓ તેઓની ઘણીજ તારીફ અને વાખવાખી કરવા લાગ્યા તે ફકીરોનો નાચ પુરો થયા પછી ઝોબીદા ઉઠી ઉભી થઈ અને અમીનાનો હાથ ધરી તેને તેણીએ કહ્યું કે ‘ચાલો બહેન આ મંડળી એમ નહીં વિચારશે કે આપણે તેઓ ઉપર કાંઈ પણ અટકાવનો ભાર મેલ્યો હતો માટે જે પ્રમાણે આપણે હમેશ કરતા આવ્યા છીએ તેમ હાલ પણ કરવાને આ મંડળી એકઠી મલ્યાના સબબથી આપણને અચકાવું જોઈએ નહીં.’ અમીના સારીપેઠે સમજી ગઈ કે તેની બહેન તેની પાસે શું શું કરાવવા માગે છે તેથી તે જલદીથી ઉઠી અને ત્યાં બિછાવેલા સુફરા ઉપરથી રકાબી, પ્યાલા, બાટલી શિશ વગેરે જે ચીજો પડેલી હતી તે તમામ ઉંચકી લીધી તે સાથે ફકીરોને ગાયન વાજીંત્રો આપ્યા હતા તે પણ ત્યાંથી ઉંચકી લીધા. વળી સફીય કાંઈ ખાલી બેસી રહી ન હતી. તેણીએ તે દિવાનખાનામાં, જે કચરો પડેલો તે સાફ કીધો, સર્વે ચીજોને બરાબર રીતે પોત પોતાની જગ્યા પર ગોઠવી, બત્તીઓની ગુલ કાપી, વધારે રોશની આપતી કીધી અને અગરબત્તી વધારે સળગાવી. તે ત્રણ ફકીરોને સોફા પર એક બોરદુથી બેસાડયા, અને બીજી બોરદુથી ખલીફ તથા તેના સોબતીઓને બેસાડયા. ત્યારબાદ તે હેલકરી જે તરતનોજ શરાબની કેફમાંથી મોકળો થયેલો હતો તેની આગળ જઈ કહ્યું કે ‘હેલકરી ઉઠ! અને અમે જે કરવા માગયે તેમાં અમને મદદ કર! તારા સરખા જોરાવર આદમીને આળસાઈ નહીં કરવી.’ તે તાબડતોબ ઉઠયો અને પોતાનો ડગલો કમરે બાંધી કહેવા લાગ્યો કે ‘ફરમાવો! તમારૂં જેબી કામ હશે તે હું કરીશ.’ અમીનાએ કહ્યું કે ‘દુરૂસ્ત છે! હું હમણાં તને કામ આપું છું.’ ત્યારપછી અમીના એક પાટલો લઈ આવી અને તે ઓરડાની વચોવચમાં તે મેલ્યો. પછી તે એક કોટડીના બારણા આગળ ગઈ તેણે કોટડી ઉઘાડી, અને તે હેલકરીને ઈસારતથી પોતાની આગળ બોલાવ્યો. તે કહેવા લાગી કે ‘આવ અને મને મદદ કર.’ તેણે તેમ કીધું તે ઓરડીમાં બે કાળાકુતરા હતા, જેમના ગળામાં પટા હતા અને તઓને સાંકળથી બાંધેલા હતા. તે દરેક કુતરાની સાંકળી પકડી તે તેમને લઈ બહાર આવ્યો અને ઓરડાની વચોવમાં મેલ્યા. તે કુતરાઓને ચાબકાથી મારેલા અને તેથી તેઓ ઘણી ઈજા પામેલા દીસ્તા હતા.
(ક્રમશ)

Leave a Reply

*