આપણામાંના કેટલાક લોકો માને છે કે પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ ગાથાઓના સંદેશને અનુરૂપ નથી. અશો ઝરથુષ્ટ્રનો દિન અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા અથવા અજ્ઞાતના ભય પર આધારિત નથી. આમ છતાં, ઝોરાષ્ટ્રિનિઝમમાં ધર્મશાસ્ત્ર અને ધર્મની ધાર્મિક વિધિઓની પરંપરા બંનેનો પૂરેપૂરો સમાવેશ થાય છે.
‘ધાર્મિક વિધિઓ’ અને કારણ આ બંને આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયાનાં પૂરક પાસાં છે, જેનો જન્મ જીવનના રહસ્યો અંતર્ગતની અદૃશ્ય શક્તિ પ્રત્યેના મનુષ્યના પૂજ્યભાવમાંથી થયો છે. આ બંને ધર્મની ઉજવણી કરવાનો આધ્યાત્મિક અનુભવ પૂરો પાડવામાં મદદ કરે છે. પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતિ પેદા કરવાનો છે, જે આગળ જતાં શ્રદ્ધાળુને દિવ્યતાના સ્વભાવ વિશેની આંતરસૂઝ પૂરી પાડે છે. પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ એવું માધ્યમ આપે છે જેના દ્વારા વ્યક્તિ અદૃશ્ય આધ્યાત્મિક વિશ્ર્વ સાથે જોડાઈ શકે છે. પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ જ્યારે સમજણ, લાગણી અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે ત્યારે તે ધાર્મિક જાગૃતિમાં શક્તિશાળી સાધન બની જાય છે. કસ્તી બાંધવાના સૌથી મૂળભૂત અને સરળ વિધિનો જ દાખલો લઈએ. દરેક વખતે જ્યારે અનુયાયી કસ્તી બાંધે છે ત્યારે તે દુષ્ટતાને નકારવાનો તથા તેની સામે લડવાનો મક્કમ નિર્ધાર કરે છે અને દાદાર અહુરા મઝદાની ઇચ્છાને આગળ વધારે છે.
અવેસ્તા દિવ્ય ભાષા છે. આપણી પવિત્ર માંથ્રવાણી દિવ્ય ઊર્જાથી સભર છે અને તેનો ઉચ્ચાર શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો શ્રદ્ધાળુની આસપાસના વાતાવરણ પર તેની ઊંડી અસર પડે છે. ખરેખર તો, અવેસ્તામાંથ્રવાણી અહુરા મઝદાની ઊર્જા છે, જેને શ્રદ્ધાળુ સર્વવ્યાપક આધ્યાત્મિકતાના દિવ્ય સારતત્વ સાથે પોતાની અંદરના આત્માનો સૂર મેળવવા માટે શબ્દના ઉચ્ચાર દ્વારા ગાઈ શકે છે.
જે રીતે શરીરને ટકાવી રાખવા માટે ખાવું જરૂરી છે, એ જ રીતે આધ્યાત્મિક નિર્વાહ માટે પ્રાર્થના જરૂરી છે. પાક આતશ સામે આતશ નિયાશની પ્રાર્થના કરો અને તમે જોઈ શકશો કે કઈ રીતે તે તમારામાં ઊર્જા ભરે છે – શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે. અર્દીબહેસ્ત યશ્તની પ્રાર્થના નિયમિત રીતે કરો અને તમે જોશો કે તમારી લાંબા સમયની બીમારીઓ સાજી થાય છે. હોરમઝદ યશ્તનો પાઠ શક્ય હોય એટલી વાર કરશો અને તમને અહુરા મઝદાના સાર્વત્રિક રક્ષણનો અનુભવ થશે. સરોશ યશ્ત રોજ ભણો અને તમારી આધ્યાત્મિક સભાનતામાં વધારો થતો તમે જોઈ શકશો. મુશ્કેલીમાં હો ત્યારે બહેરામ યશ્ત કે પછી જ્ઞાન અને સમજણની જરૂર હોય ત્યારે આવા યશ્તને યાદ કરો. આ લિસ્ટ બહુ લાંબું છે… !
અને, દરરોજ, 21 અને 12 શબ્દોની યથા અને અશેમ વોહુ એમ બે પ્રાર્થનાઓ ભણો. સવારે તમે જાગો એ ક્ષણે જ અને રાત્રે સૂતાં પહેલા એક અશેમ વોહુ પ્રાર્થના કરો. જમતાં પહેલા અને જમ્યા પછી અથવા દિવસ દરમિયાન જ્યારે કોઈ ખરાબ વિચાર તમારા મગજમાં આવે ત્યારે એક અશેમ વોહુ ભણો. જ્યારે પણ ઘરની બહાર નીકળો અથવા કોઈ નવું કામ શરુ કરતા પહેલા એક યથા કરવાની ટેવ પાડો. વ્યક્તિગત રીતે કહું તો, હરરોજ, એક આદત તરીકે, મારું કોમ્પ્યુટર ચાલુ કરતા પહેલા અથવા કોઈ મહત્વનો પત્ર કે લેખ લખતા પહેલા હું એક યથા ભણી લઉં છું. એનાથી મને આશીર્વાદપ્રાપ્ત હોવાની લાગણી થવાની સાથે કોઈ ઉચ્ચ કાર્ય સાથે જોડાયેલા હોવાનો અને હું જે કંઈપણ કરવાની યોજના ધરાવું છું તેની સાથે આધ્યાત્મિક સારતત્વના સમાવેશની અનુભૂતિ આપે છે.
નિયમિત પૂજા પણ ડોક્ટરને દૂર રાખે છે એવું માનવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે ધાર્મિક લોકો બદલાતી પરિસ્થિતિ અને તાણયુક્ત વાતાવરણ સાથે પોતાના જીવનનો તાલમેલ વધુ સારી રીતે બેસાડી શકે છે. કોઈ શંકા વિના, નિયમિત પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ શ્રદ્ધાને ટકાવી રાખે છે. અશો ઝરથુષ્ટ્રની ગાથાઓ પણ માત્ર ફિલોસોફિકલ અર્થઘટનોને કારણે નહીં પણ નિયમિત વિધિ પ્રમાણેના ઉપયોગને કારણે જીવંત રહી શકી છે. ઝોરાષ્ટ્રિયન તરીકે પ્રાર્થના વિના જીવવું એ શ્ર્વાસ લીધા વિના જીવતા રહેવાનું શક્ય હોય એના
બરાબર છે!
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024