અડધી રાતે પપ્પાને હાર્ટએટેક આવ્યો અને એ પણ જ્યારે મોટાભાઈ શહેરની બહાર અરે! રાજયની સીમાથી પણ બહાર હતા ઘરમાં મમ્મી અને ભાભી બે જણ હાજર, બાળકો તો ડઘાઈ, ગભરાઈને કોઈ ખૂણામાં ઉભા રહ્યા હતા એ કટોકટીની ઘડીમાં મમ્મીએજ પોતાને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ને!
વાત પૂરી થઈ કે તરત જ પતિને જગાડીને હકીકતથી વાકેફ કરીને નીકળી ગઈ હતી. ગાડી કાઢતા કાઢતા જ મોબાઈલ ફોનથી 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. પછી ઘટનાક્રમ ઝડપથી બન્યો. પપ્પાને હોસ્પિટલ પહોંચાડયા, ઈમર્જન્સી ડયૂટી પરના ડોકટરે પપ્પાને આઈસીયુમાં ટ્રીટમેન્ટ હેઠળ શિફટ કર્યા.
લોબીમાં અધ્ધર જીવે બેઠેલા મમ્મી અને ભાભી જાણે કોઈ વાતે સંકોચ અનુભવી રહ્યા હતા. રાત થીજી ગઈ હતી. સવાર પડતાં તો દીકરીનો પતિ પણ હોસ્પિટલમાં આવી ગયો. ગંભીર ચહેરે બેઉએ ડોકટર સાથે પપ્પાના કેસની ડિટેઈલ્સ કરી અને મમ્મી અને ભાભી પાસ આવ્યા. બન્નેએ ખૂબ જ શાંતિથી પપ્પાની હાલતની ગંભીર સ્થિતિની વાત કરી. સાથે આશ્ર્વાસન આપીને કહ્યું પણ ખરૂં કે 24 કલાક ક્રિટીકલ કહ્યા છે નહીતર પછી મેટ્રોસિટીની હોસ્પિટલમાં એડમીટ કરવા પડશે. પણ એ પપ્પાને કંઈ નહીં થવા દે બેઉ જણા અહીંજ રહેશે. દરમિયાન મોટાભાઈને પણ ફોન થઈ ગયો હવે મમ્મીની હિંમત તૂટી ગઈ. એ દીકરીને ભેટીને રડવા બેઠી સાથે સાથે માફી પણ માગતી હતી. એ વિધિમાં હવે ભાભી પણ જોડાયા હતા.
હજુ તો હમણાંની જ વાત કે દીકરી જ્ઞાતિ બહાર લગ્ન કરવા તૈયાર થઈ. એ મુદ્દાને આબરૂનો પ્રશ્ર્ન બનાવીને ઘરમાં ઝગડો થયેલો અને ભાઈ અને પપ્પાનો વિરોધ જબરો. એકબીજાથી ચડિયાતા.
મમ્મી અને ભાભીએ દબાતા સ્વરે દીકરીને સમજાવવા કોશિશ કરી પણ સફલતા ન મળી દીકરી વધુ મકકમ નીકળી આખરે પપ્પા અને મોટા ભાઈની છેલ્લી સોગઠી ફેકી. આ લગ્ન કરીને ઉંબરો ઓળંગી ગયેલી દીકરી માટે આ ઘરના બારણા હમેશ માટે બંધ અને સંપત્તિમાંથી એનો હકમ કમી. દીકરી અડીખમ રહીને પરણી. આજે મમ્મી અને ભાભીની નજરોમાં લીપાયેલા અપરાધ ભાવને ઓગાળતી એ લાગણીથી ભાવથી માનો હાથ હાથમાં લઈ પસવારતીમા અને ભાભીની આંખોમાં તાકી રહી. એ ભીનાશને વાચા ફૂટે તો એ બોલી ઉઠે કે આ ઘરની મિલકતમાંથી મારો હક ભલે કમી થઈ ગયો પણ વખત આવ્યે બાપની કાળજી લેવાનો મારો હક કોણ કમી કરી શકશે ભલા?
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025