અહેસાસ તો કરાવતા રહેજો કે અમે ખરેખર જીવીએ છીએ!

ખેદ સાથે જણાવવાનું કે શ્રી રમણીકલાલ શાંતિલાલ ભટ્ટ આજરોજ અવસાન પામ્યા છે. સદ્ગગતની સ્મશાનયાત્રા નો સમય હજી નકકી થયો નથી, પણ શક્ય હોય તો સાંજે 7:30 વાગ્યે એમના ઘરે આવવું. તેમની પત્નીને હદય રોગની બીમારી હોવાથી હજી તેમને જાણ કરી નથી એટલે એમને કોઈએ ફોન ન કરવો અથવા સાંજે આપેલા ટાઈમ પહેલાં પહોંચવું નહીં.
નોંધ : રમણીકલાલના સૌ શુભચિંતકો, સગા-વહાલાં ઉપરોક્ત સૂચના પર ધ્યાન આપે.
લગભગ બપોરે 3 વાગ્યે આવેલો આ વોટ્સએપ મેસેજ કંઈક અજીબ હતો. કેટલાકને મેસેજ જોયા પછી સંતાન વગર એકલાં રહેતાં આ ઘરડાં કપલ માટે ખૂબ દયા આવી. બે-ચાર લોકોએ તો ન જવાનું ક્યું બહાનું બતાવીશું એ નક્કી કરી લીધું પછી થયું કે બહાનું બતાવીશું કોને?
રમણીકલાલ તો રહ્યા નથી તો હવે જઈને કામ પણ છું છે? કેટલાક ચિંતા કરી કે આ ઉંમરે રમણીકલાલ વગર સવિતાબહેન કેમ કરીને જીવન જીવશે! થોડી વારમાં તો સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ એ જ મેસેજ પડ્યો. બે-ચાર પડોશીઓએ તો ઘરની બાલ્કનીમાંથી જોયું પણ કશું લાગ્યું નહીં. અને એક-બે જણ તો રમણીકલાલના ઘરની બહાર કારણ વગરનો આંટો પણ મારી આવ્યા પણ ત્યાં કાંઈ હિલચાલ નહોતી. બે-ત્રણ ઉત્સાહીઓએ ના કહી હતી છતાં ખાલી ખાલી ખબર પુછવાના બહાને સવિતાબહેનને ફોન તો કર્યો જ.
સાંજે લગભગ 7:30 વાગ્યે તો એક પછી એક લોકો રમણીકલાલના ઘરે ભેગા થવા માંડ્યા. ઘરની બહાર થોડી ખુરશીઓ ગોઠવેલી હતી. સવિતાબહેન ગુમસૂમ ખેઠાં હતાં. બહારગામથી આવેલાં અંગત સગાંઓ સવિતાબહેનને ભેટીને રડ્યા, ત્યાંરે સવિતાબહેને પૂછ્યું કે થયું છે શું? ધીમે રહીને આઘાત ન લાગે એમ જયાં એ લોકોએ રમણીકભાઈના સમાચાર આપ્યા અને જવાબમાં સવિતાબહેન ખડખડાટ હસી પડ્યાં.
લોકોને લાગ્યું કે આઘાત લાગ્યો છે, પણ ઉલટાનું આધાત તો ત્યાં રહેલા દરેક જણને લાગ્યો જ્યારે રમણીકલાલ પોતે અંદરના રૂમમાંથી નીકળ્યા .
સૌને બહાર રાખેલી ખુરશીઓ પર બેસાડતા રમણીકલાલે કહ્યુ : થોડું ઓડ હતું પણ જરૂરી પણ હતું, એ જાણવું કે આપણા સંબંધો કેટલા જીવંત છે? આડા દિવસે મને કેમ છો ન પૂછનારા પણ અહીં દેખાય છે? તે અલ્યા, હું મરી જઈશ પછી આવશો તો શું કામનું? છેલ્લા બે મહિનામાં અમારા મોબાઇલ પર ગણીને 3 ફોન આવ્યા અને આજે ના પાડી હતી તો પણ ખાલી ખાલી ખબર પુછવાના 18 ફોન આવ્યા. બધાએ ખાલી ખબર પૂછીને ફોન મૂકી દીધો. તે અમથું અમથું એક દિવસ આમ ફોન કરી લેતા હો તો? વાત તમને હેરાન કરવાની નહોતી. તમે આવ્યા તમારો હૃદયથી આભાર, હવે ખરેખર જાઉં ત્યારે નહીં આવો તો ચાલશે. એમ્બ્યુલન્સવાળા લઈ જશે, પણ જીવીએ છીએ ત્યાં સુધી કોઇકવાર આવીને કે કોલ કરીને અહેસાસ તો કરાવતા રહેજો કે અમે ખરેખર જીવીએ છીએ. દરેક માટે મંગાવી રાખેલી પાવભાજી અને આઈસક્રીમ બધાએ મળીને ખાધી.

Leave a Reply

*