હૂંફ એટલે શું ??

Happy mother’s day cartoon mom holding kid with heart shape and flower background illustration

આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શકી.
એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચી ગઈ. તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોવું છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનેતાને આટલું સાચવો છો છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉચકીને કેમ લાવો છો? તમે વ્હિલચેર કેમ નથી વાપરતા?
એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું, જ્યારે હું નાનો હતો ત્યારે બહું કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી મા મને આમજ કપડામાં લપેટીને, એની છાતી સરસો બાંધીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માનો એ ક્રમ ચાલુ રહેલો.
આજે હું સ્વસ્થ છું. મારી મા વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહિ ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માને મારી જરૂર હોઇ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો. બસ, ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહોતો શકતો ત્યારે મારી મા મને આમ ઉઠાવતી હતી. આજે એ બોલી-સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું જેથી એને સારું લાગે ! સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહું સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાને આમ જ સાચવશે! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી મા માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે…!!
અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, માને ઠંડી લાગી જશે, મારે નીકળવું પડશે.
હું હજી એને જતો જોઈ રહી છું. ત્યાંજ બાબાગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી.
મેં એને ઉઠાવીને, મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી !
મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા આજે મારા વરસના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર માં કહ્યું!

Leave a Reply

*