કાકાને એકલા જોઈ મેં પૂછ્યું કાકા આજે મોર્નિંગ વોકમાં એકલા? તમારી દીકરી સાથે નથી આવી?
આમ તો રોજ ગાર્ડનમાં હું ચાલવા જાઉં ત્યાર આ કાકા તેમની દીકરીનો હાથ પકડી મોર્નિંગ વોક કરવા રોજ આવે.
અમે એક બીજા સામે જોઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલિયે, બસ આટલી જ અમારી ઓળખ.
કાકા બોલ્યા આજ તેની તબિયત થોડી સારી ન લાગી એટલે મેં કીધું બેટા તું આરામ કર હું મોર્નિંગ વોક કરી આવું છું.
મેં કીધું કાકા તમે નસીબદાર છો આજકાલ બાળકો માયાળુ મળવા પણ નસીબ ની વાત છે.
બાળકોનું સારું વર્તન અને હૂંફની જરૂર ઘડપણમાં જ પડે છે. કેવો તમારો હાથ પકડી હસતા ચહેરે તમારી સાથે વાતો કરતા મોર્નિંગ વોક કરતી હોય છે. કાકા વાંધો ન હોય તો થોડો વખત આપણે બાંકડે બેસીએ. અમે બાંકડે બેઠા અને મેં મારી ઓળખ આપી હું સમીર. આપ.
હું કૃપા શંકર દવે. મતલબ મહાદેવજીની કૃપા આપ ઉપર ઉતરી હોય તેવું લાગે છે.
હા બેટા એવું સમજ સાંભાળ તું જેને મારી દીકરી ગણે છે એ મારા દીકરાની વહુ છે.
શુ વાત કરો છો દાદા મારા ચહેરા ઉપર અચાનક ખુશી આવી ગઈ.
હા બેટા મારી પત્નીના સ્વર્ગસ્થ થયે પાંચ વર્ષ થયાં પણ મારા દીકરા વહુ એ મને એવી રીતે સાચવી લીધો કે મને જીવન બોજારૂપ નથી લાગતું. બાકી જીવનસાથીની વિદાય સાથે જીવન શુન્યાવકાશ થઈ જાય છે.
બાળકોના ઉછેર કરતી વખતે તેના ઉચ્ચ ભણતરની સાથે સાથે તેનામાં દયા, પ્રેમ, અને વડીલો પ્રત્યે સન્માનની ભાવના પણ કેળવવી જોઈએ. ગમે તેટલી ઉચ્ચ પદવી કે ભણતર ધરાવતી વ્યક્તિ ઉદ્ધત હોય તો તેની કિંમત સમાજમાં કોડી બરાબર હોય છે.
આધુનિકતા સ્વીકાર્ય છે પણ આધુનિકતાની સાથે સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્વચ્છંદી અને તોછડાઈ ભર્યું વર્તન વ્યવહાર કરવા લાગે ત્યારે પરિવાર તૂટવા લાગે છે. પણ મારી ચકલી જેવી વહુ ઉપર મને માન અને ગર્વ છે. તે ઘરમાં હોવાથી મને એકલતા લાગતી જ નથી. તે આનંદી છે મારી પાસે બેસી જુના ગીતો ગાય, જુના જુના ગીતો રેડિયો અને ટેપમા સંભળાવે નવા નવા જોક કહે રાત્રે ભાગવત પણ મારી પાસે બેસી વાંચે. ઘરડી વ્યક્તિની જરૂરિયાત કેટલી બે રોટલી અને સ્વમાન ઓટલો. અડધું પેટ તો વડીલોનું અપાતું માન સન્માન અને પ્રેમથી જ ભરાઈ જતું હોય છે.
મારી પત્નીના ગયા પછી તે પોતાના પિયર પણ રોકવા નથી ગઈ. એ હંમેશા મને કહે સાચું સુખ સાસરિયામાં. મારો પુત્ર મેનેજર છે પણ તેની ડ્યૂટી પ્લાન્ટમાં રાત્રીની હોય છે એટલે એ બાપડો સવારે આવીને થાકી ગયો હોય એ સૂતો હોય ત્યાં અમે બન્ને મોર્નિંગ વોકમાં નીકળી પડીયે.
એક વાત પણ છે મારે એક દીકરી છે તેના લગ્ન પછી મને થોડું એવું લાગ્યું કે દીકરી જમાઈ ઘરમાં માથું મારવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મેં દીકરી જમાઈને સારા શબ્દોમાં કીધું તમે અમારી ચિંતા છોડી દયો એક દીકરી વળાવી અને હું બીજી દીકરી ઘરમાં લાવ્યો છું.
મેં મારી દીકરીને જ્યારે કીધું પારકાને પોતાના કરવાની આવડત હોવી જોઈએ. તું તારા સાસરામાં ધ્યાન આપ તારા સાસુ સસરા એ તારા માં બાપ જ કહેવાય. આ કડવી સલાહ તેને ગમી નહીં. તેથી એ લોકોની ઘરે અવર જ્વર ઓછી થવા લાગી.
કોઈ વખત ઉતાવળી તો દીકરી પણ થઈ બે શબ્દો બોલે છે તો તેને માફ નથી કરતા? તેમ કોઈ વખત દિકરાની વહુને પણ માફ કરી દયો. એ પણ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ભૂલી તમારા ઘરે નવા રૂઢી રિવાજ, નવા લોકો, અને નવા સ્વાદ સાથે તાલ મેળવતી હોય છે.
અમે વાતો કરતા હતા ત્યાં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ન હસતા ચહેરે બોલતી બોલતી તેના દીકરાની વહુ આવી.
કાકા બોલ્યા અરે બેટા તારી તબિયત સારી ન હતી શું કામ અહીં ધક્કો ખાધો.
બસ એમ જ મને ઈચ્છા થઈ ગઈ પણ વળતાં ચાલતા નથી જવાનું. હું આજે કાર લઈને આવી છું.
કાકા એ મારી સામે જોયું, આ જોઈ લીધી મારી ચકલી જેવી વહુને મને તેના વગર એક મિનિટ પણ ન ચાલે.
પપ્પા મને પણ તમારૂં વ્યસન થઈ ગયું છે મને પણ તમારા વગર ન ચાલે.
મેં કીધું બેટા તારું નામ આકૃતિ.
આજે હું ખૂબ ખુશ થયો છું. ભગવાન દરેક વ્યક્તિ ને તારા જેવી વહુ આપે.
આકૃતિ હસી ને બોલી તેના કરતાં એમ કહો દરેક દીકરીને મને મળ્યા તેવા પિતા તુલ્ય સસરા મળે.
મેં કીધું બેટા એજ તારી મોટાઈ અને સંસ્કાર છે.
દહેજમાં ધનદોલત ઓછી મળે એ ચાલે પણ સંસ્કારથી ભરેલ દીકરી ધનદોલતથી પણ વિશેષ છે જે તે સાબિત કરી બતાવ્યું. કાકા ઉભા થયા અને બોલ્યા બેટા માણસ પણ એક અલગ મસ્તીનો માલિક છે. જે મરેલા માટે રોવે અને જીવતાને રોવડાવે છે. જીવતા ને આનંદ માં રાખો તો ફોટા પાસે રડવાની કોઈ જરૂર નહીં પડે.
બન્ને એ મને હાથ જોડી જય શ્રી ક્રિષ્ન કીધા. મને એક આદર્શ પરિવાર આજે જોવા મળ્યો તેની ખૂશી હતી.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025