અપેક્ષા-Expectation

હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામ ખુરશીમાં ગોઠવાયો ત્યાંજ અવાજ આવ્યો ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતાં જ ચા આવી ગઈ.
કેમ આજે કંઈ વિચારોમાં છો? પત્નીની પૂછપરછ શરૂ થઈ.
કેમ? મેં સામું પૂછ્યું શું થયું છે?
ઓફિસમાંં કાંઈ બોલાચાલી? પત્નીએ મશ્કરી ચાલું રાખી.
છતાં હું મૌન હવામાં તાકતો ગયો અને ચા પીતો ગયો. આ નવી ઓફિસમાં નવા લોકોની વચ્ચે આવીને મને ઘણો સમય થઈ ગયો, પણ જૂની ઓફીસમાંથી કોઈનો સમ ખાવા પૂરતો પણ પુછપરછનો ફોન નથી આવ્યો કે શું કરો છો? ક્યાં છો?
જેમની સાથે આઠ-દસ કલાક કામ કરતા હતાં, એમાંથી કોઈ યાદ પણ નથી કરતું?
જે લોકો મારી માટે કોઈની પણ સાથે લડી લેતાં હતાં, એ પછી સામે સિનિયર હોય કે કોઈ ક્લાયંટ પણ, એ બધાં જ આજે મને વીસરી ગયાં હોય એવું લાગે છે.
તો? સાઇકોલોજીની પ્રોફેસર પત્નીએ ટૂંકાવ્યું.
તો, એટલે? હું હવે વધું અસ્વસ્થ થયો અને વધુ મૂંઝાયો, અને મનમાં બબડ્યો આને કાંઈ ફરક જ નથી પડતો, મારે તો બહાર પણ એવું જ અને ઘરમાં પણ એવું જ.
હે પ્રભુ, તું જ રસ્તો દેખાડ!! મારા આ હાલ જોઇને પત્ની થોડી ગંભીર થઇ. તમારી એક જ તકલીફ છે. એ છે અપેક્ષા!!
તમે જીવનમાં કોઈની પણ પાસે કોઈ પણ અપેક્ષા રાખવાનું બંધ કરી દો, પછી કાંઈ દુ:ખ નહીં થાય અરે યાર, તું હવે મને પ્રવચન આપવા માંડી છે. હું ચીડાયો.
ના ના એવું નહીં, હું સમજાવું. એણે ધરાર મને સ્ટુડેંટ બનાવીને સમજાવવા માંડ્યું.
બેંકનું ડેબિટ કાર્ડ તમને પૈસા કેમ આપે છે? પત્નીનો સવાલ..
આશ્ચર્યથી આંખો પહોળી થઇ, મનમાં વીચાર્યું કે આ કાંઇક નવું આયું પછી ડાહ્યા ડમરા સ્ટુડેંટની જેમ જવાબ આપ્યો. મારાં ખાતામાં પૈસા છે, એટલે ડેબિટ કાર્ડ પૈસા આપે.
એટલે કે તમે જેટલાં જમા કર્યા છે, એટલાં જ ખર્ચી શકો બરાબર ને!!
એવી જ રીતે તમે દરેક જણ સાથે એક ખાતું ખોલ્યું છે જેને કહેવાય ઇમોશનલ એકાઉન્ટ, એમાં જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી વપરાશે.
જે લોકો તમારી આસપાસ હતાં, પણ ઇમોશનલ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હતું, એટલે તમે ઓફીસમાંથી બહાર નીકળતાં જ બેલેન્સ ખતમ.
એટલે નો યાદ નો કોલ નથીંગ કાંઈક ગળે ઉતરતું હોય એવું લાગ્યું.
તમારાં ખાસ મિત્રો વિશે પણ એવું જ ફીલ થાય છે? એમનાં પણ ફોન નથી ઘણા દિવસથી, તો શું?
એક વિચાર કરાવી દે એવો પ્રશ્ર્ન પત્નીએ પૂછ્યો.
ના, ના, મને એવું કાંઇ જ ફીલ નથી થતું મેં સ્પષ્ટતાથી જવાબ આપ્યો.
કારણકે, આ બાબતે ભલે વપરાતું ના હોય પણ તમને ખબર છે આ અકાઉન્ટમાં બંન્ને તરફથી જમા કરેલું ઘણું બેલેન્સ છે અને એટલેજ અપેક્ષાભંગ કે દુ:ખ નથી થતું પત્નીએ મારાં વિચારોનાં સમર્થનમાં મહોર મારી હવે મને કહો, તમને આપણાં ગામથી મમ્મી-પપ્પાં લગભગ લગભગ રોજ યાદ કરે છે, ફોન કરે છે, એટલે શું કહેવાય?
મારી પરીક્ષા લેતી હોય એવો સવાલ પૂછ્યો એમનાં પાસે મારી માટે ઇમોશનલ અકાઉન્ટમાં ભરપૂર બેલેન્સ છે.
થોડાં ઢીલા સ્વરે મેં જવાબ આપ્યો.
પરંતુ તમે જો મમ્મી- પપ્પાને યાદ કરીને ફોન ના કરો તો શું થયું કહેવાય?
પત્નીએ જરા અલગ વળાંક લીધો.
મેં જરાક અચકાતા અચકાતાં કહ્યું મારાં ઇમોશનલ અકાંઉટમાં મમ્મી-પપ્પા માટેનું ઇમોશનલ બેલેન્સ ઘણું ઘટી ગયું છે.
આટલું ટૂકડે ટૂકડે કહેતાં કહેતાં આંખમાં અશ્રુધારા વહેવા લાગી.
બસ બસ, આ જે તમારી આંખોમાં જે આંસુ દેખાય છે ને, તે જ છે તમારૂં મમ્મી પપ્પા પ્રત્યેનું બેલેન્સ.
Emotional Account થયું ને ફરી રીચાર્જ?
જો ઇમોશનલ અકાઉન્ટ બંને તરફથી ભરપૂર બેલેન્સ બતાવે ને તો પછી અપેક્ષાઓનો ભંગ ક્યારેય ન થાય અને સંબંધોમાં સુગંધ જળવાય.
અને એક તરફી રીચાર્જ થયા કરે તો દુ:ખ જ થાય. પત્નીએ સારાંશ કહ્યો.
આ ઇમોશનલ અકાઉન્ટની વ્યાખ્યાએ મને પ્રોફેશનલ અને ઇમોશનલ સંબંધો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે સમજાવી દીધી. હવે જો થોડું દૂધ બેલેન્સ હોય તો બીજી વાર ચા બનાવી આપોને !
મેં મૂડમાં આવીને કહ્યું. એકદમ મનમાંથી વાદળો હટી ગયા અને આકાશ સ્પષ્ટ થતું જણાયુ.

Leave a Reply

*