ઈરાનના શાહજાદાએ તેને બચાવી લીધી!!

ઘણે દહાડે બહુ રંજભરી બીકટ મુસાફરી કરી તે શાહજાદો કાશ્મીર જઈ પહાંચ્યો. ત્યાં તેણે પોતાનો દરવેષ પોષાક ઉતારી, હકીમનો વેષ ધારણ કીધો અને પછી કાશ્મીર મહારાજાની રાજદરબારમાં ગયો. તે ઘેલી થયેલી સ્ત્રીને જરૂર સારી કરશે. એમ મહારાજાને તેણે ખૂબ ખાતરી આપી.

મહારાજાએ કહ્યું, કે બધું ફોકટ છે એ કોઈને પણ પોતા પાસે જવા દેતી નથી. કોઈવાર મીજાજ ઠેકાણે હોય ત્યારે એકાદ બે બાંદીને પાસે જવા દે છે. નહીં તો બધાને મારે છે.

પણ હકીમે હઠ લીધી, અને કહ્યું કે ગમે તેવી ગાંડી હશે તો પણ હું તેને જરૂર સાજી કરીશ.

આખર હકીમને એકલતાને તે ઘેલી પાસે જવાની પરવાનગી મળી. હકીમ તેના ઓરડામાં દાખલ થયો કે તે કૂદી અને કેમ જાણે તે હકીમને મારી નાખવા માગતી હોય તેમ તેના તરફ ધસી! હકીમ શાંત ઉભોજ રહ્યો! શાહજાદી નજદીક આવતાંજ તેણે તેના કાનમાં ધીમેથી કહ્યું ‘ગભરાતી ના. હું શાહજાદો ફિરોઝ છું.’

શાહજાદી આ સાંભળી થંભીજ ગઈ! તુરત શાંત પડી પોતાની બેઠકે પાછી ફરી. હકીમના વેષમાં શાહજાદો તેની નજદીક ગયો અને ધીમે ધીમે જાણે કંઈ મંત્ર ભણતો હોય તેવો ઢોંગ કરી, રાજકુંવરીને સમજાવવા લાગ્યો કે તેણે ઢોંગ ચાલુ રાખવો કે જેથી થોડા દિવસમાં ત્યાંથી છટકી જવાની ગોઠવણ કરી શકાય.

તે દિવસ આટલી વાતો કરી, હકીમ ચાલ્યો ગયો. મહારાજાને કંઈક વિશ્ર્વાસ બેઠો. આમ શાહજાદી સમજી જવાથી તેણે ઘેલાપણાના ઢોંગ તો ચાલુ રાખ્યા, પણ તોફાન કરવાનું માંડી વાળ્યું, ખોરાક પાણી બરાબર લેવા લાગી. કપડાં લુગડાં પણ ઠીક ઠીક બદલવા લાગી. ધીમે ધીમે દિવસો જતાં તેની તબિયત સુધરી. તેની તંદુરસ્તી પાછી આવી અને તેની ખુબસુરતી પણ ફરી વધી. મહારાજા તો એ ખબરો સાંભળી ઘણોજ ખુશી થયો અને કુંવરીને મળવા જવા મન કર્યુ.

પણ હકીમે પોતાની બાજી ચાલુ રાખવા કહ્યું કે ‘હજી હકીમ સિવાય બીજા કોઈ પુરૂષે, થોડા દિવસ તેની પાસે જવું નહિ. અને મહારાજાએ તો તેની તબિયત તદ્દન સુધરી જાય નહીં ત્યાં સુધી, બિલકુલ તેની પાસે જવું નહીં. જો  જશે તો તબિયત તેની ફરી બગડી જશે.’ આવી સિફતથી શાહજાદાએ સર્વેને રાજકુંવરીથી દૂર રાખી રોજ પોતેજ એકલો તેને મળતો રહ્યો.

આમ રાજકુંવરીને રોજ હકીમના વેષમાં શાહજાદો મળતો હતો. તેઓ બન્ને વચ્ચે હવે કેમ નાસી જવું તેની બાજી રચાઈ. થોડા દિવસ રહી, હકીમે મહારાજાને કહ્યું કે ‘હવે રાજકુંવરીની તબિયત સારી થયેલી હોવાથી એક છેલ્લી  ક્રિયા કરવાની બાકી હતી કે જેથી પેલા ઘોડાના માલેકનું ભૂત રાજકુંવરીના બદનમાંથી તદ્દનજ કાઢી શકાય.’

(વધુ આવતા અંકે)

Leave a Reply

*