ખુદાતાલાનું નુર અને ખોરેહ જીઆદે થવા માટે આપણે જે દુઆ ગુજારીએ તે એક પ્રકારે આવી જીંદગી ગુજારવાની આવી ફરજ બજાવવા માટેની દુઆ છે. એવી જીંદગી પોતે જ તે ખુદાતાલાના ખોરેહની જાણે નિશાની છે. એક ભલા આદમીને એક ભલું કામ કરતો એક બહાદુર આદમીને બહાદુરી દેખાડતો, એક સખી આદમીને સુંદર સખાવત કરતો જોઈ આપણે એ સબબે શુકરાના દાદાર અહુરમજદ એવા શબ્દો જો જબાનથી નહીં તો મનથી, પોકારીએ છીએ, કારણ કે એવા આદમીઓ પોતાનાં કામોથી ખુદાનું ખોરેહ, ખુદાની કીર્તિ વધારે છે. ખ્રિસ્તી પુસ્તકો કોઈ કામો ખુદાની કીર્તિ ખાતર કરવા માટે જે બોલે છે તે આ મુજબ, તેનાં ખોરેહનાં આવા વધારા માટે છે. તે દાદાર તરફ પિતાસમાન સંબંધ જાલવી આપણા કામોથી આપણે ખુદાનું ખોરેહ, ખુદાની કીર્તિ વધારીએ છીએ. તે બાબે રસ્કીન નીચલા શબ્દો કહે છે. માણસનું કામ આ છે કે તેણે ખુદાતાલાના ખોરેહના ગવાહ થવું જોઈએ અને તેણે બુદ્ધિમાન ફર્માનબરદારી અને તેથી ઉપજતાં સુખથી તે ખોરેહ વધારવું જોઈએ.
અહુરમજદનું ખોરેહ વધારવા ત્રણ માર્ગોનો વિચાર ત્રણ એલની કેળવણી
આપણે આપણા ઘરમાં, આપણા ઘરના પિતા સાથનાં સંબંધમાં જે નિયમો જોયા તે નિયમો ઉપરથી ખુદા સાથનાં સંબંધનો વિચાર કરી જોઈએ છીએ તો માલુમ પડે છે કે ખુદા સાથના સંબંધમાં પણ કાયદો ઉદ્યોગ અને મોહબત એ ત્રણને બરાબર પીછાનવાની જરૂરનું છે.
* ખુદા પોતે કાયદાનો સાહેબ છે.
* ખુદા પોતે ઉદ્યોગ યા ચપળતાનો સાહેબ છે
* ખુદા પોતે મોહબતનો સાહેબ છે
એ ત્રણ સદગુણોનો આપણી જીંદગીમાં અમલ કરવાથી આપણે તે દાદારનું ખોરેહ વધારીએ છીએ. એ ત્રણ સદગુણો જે અહુરમજદનાં આ જગતનાં કારોબારમાં આપણે જોઈએ છીએ, તે તે સાહેબની નકલ કરી આપણે અખત્યાર કર્યે તો તેથી અહુરમજદનું ખોરેહ વધાર્યે. અહુરમજદના આ જગતના કારોબારમાં આપણને દિસતા એ સદગુણો કાયદા મુજબની વર્તણુંક, ઉદ્યોગ અને મોહોબત અખત્યાર કરવાથી આપણે ભલા બની અહુરમજદનું નુર જીઆદે કરી શકીએ.
આપણે સાધારણ કેળવણી માટે અંગ્રેજી ઈસ્ટેલાહમાં કહીએ છીએ કે સર્વ માટે ત્રણ આરની એટલે લખવું. વાંચવું અને હિસાબની કેળવણીની જરૂર છે. તે જ ઈસ્તેલાહ પ્રમાણે આપણે કહીએ કે, આપણી વર્તણુંક માટે આપણને ત્રણ એલની એટલે કાયદાકાનૂનો પ્રમાણે વર્તવાની, ઉદ્યોગ કરવાની અને આજુબાજુનાઓ તરફ મોહોબત જાળવવાની કેળવણીની જરૂર છે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024