અસલી એસિર્યનો, બહાદુર બેબિલોનિયનો કે રણશૂર રોમનોને બાજુએ મૂકતા, પ્રાચીન કાળની પ્રજાઓમાં જે પ્રજા પૂરાતન તવારિખના પારસી અભ્યાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે તે પ્રજા પારસી પ્રજા છે.
અગર જો અસલી એસિર્યનોની યાદગાર હુન્નરમંદી આજે હયાત છે તો પણ તે પ્રજાને આપણે નાશ પામેલી જોઈએ છીએ. અગર જો પુરાતન રોમન કે ગ્રીક પ્રજાના વંશજો આજે હયાત છે તો પણ તેમનો ધર્મ નાબૂદ થયો છે અગર જો પ્રાચીન કાળના ‘વિદ્યા હુન્નરના સામાન્ય શત્રુ’ દાખલ ગણાતા હન કે તુરાનીઓ, ગોથ કે વન્ડલોએ જમીનદોસ્ત કીધેલાં શહેરોનાં ખંડિયરો આજે આપણું ધ્યાન ખેંચ છે તો પણ તે પ્રજાઓની ધન-નસલ આ ધરતી પર જણાતી નથી. ફકત પારસી પ્રજા જ એક એવી પ્રજા છે કે જેને જમાનાની ગરદીશ ગરદાપેચ કરી શકી નથી. જેનો સેંકડો આફતો કે હજારો વિપત્તીઓ નાશ કરી શકી નથી; જેને ચળકતી શમશેરના જોરેમંદ ઝપાટા જેર કરી શકયા નથી, કે તેજી તલવારના તજબાઓ તમામ કરી શકયા નથી; તે તેજ પ્રસિધ્ધ પ્રજા છે કે જેણે એક વાર તમામ દુનિયામાં દોર અને દમામ ભોગવ્યો હતો, જેના તેજી તીરોના જબરા જખ્મોએ હજારો જિગરો ચાક કીધા હતા અને જેના ભાલાએ
ભલભલા શેરનરોના સીનામાં ધાસ્તી ઉપજાવી હતી. તે તેજ પ્રજા છે કે જેની ધરતી ધ્રુજાવનારી ધમાધમી આપણને અચંબો પમાડી અજાયબીના ઉંડા ગારમાં ગરકાવ કરે છે, જેની જગપ્રસિધ્ધ જોરેમંદી અને જશવંતી જલેહમંદ ફત્તેહો દરેક સાચા પારસીના જિગરો ખુશાલીથી ખીલવી દે છે. તે તે જ પ્રસિધ્ધ
પારસી પ્રજા છે કે જેને આપણે સદા દાનાઈના દરિયામાં ડૂબકી મારતી, ખોદાઈ ખ્યાલોમાં ખીલી રહેલી, સચ્ચાઈ અને ધાર્મિક જિંદગીના એક સાચા નમુના તરીકે પોતાને રજૂ કરતી જોઈએ છીએ. એ પુરાતન પ્રજાના ધર્મ કે વિદ્યા હુન્નર, જાહોજલાલી કે દોર દમામનું બ્યાન કરવા આજે આપણે માંગતા નથી પણ આજે આપણને એ પ્રજાએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગોનો એક સંક્ષેપ સાર ઉપજાવી કાઢવાનો છે.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025